એક વાર પાર્શ્વનાથ પ્રભુ વિચરતા વિચરતા એક તાપાસના આશ્રમ નજીક આવી પહોંચ્યા. સૂર્યાસ્તનો સમય થયો હોવાથી આશ્રમની નજીક એક ઘટાદાર વડ વૃક્ષની નીચે પ્રભુ કાયોત્સર્ગ (ઊભા રહીને તપ) માં ઊભા રહી ગયા.
મેઘમાળી નામનો એક દેવ, કે જેમને ભગવાન સાથે પૂર્વ ભવનું વેર હતું. એણે પોતાના અવધિજ્ઞાનથી પ્રભુને વડ વૃક્ષ નીચે કાયોત્સર્ગમાં ઊભેલા જોયા. એને પ્રભુ પ્રત્યે દ્વેષભાવ ઊભો થયો. પ્રભુ પાસે જઈ એણે હાથી, સિંહ, વગેરે નાના-મોટા રૂપો ધારણ કરી પોતાનાથી અપાય એટલાં ભયંકર દુઃખો આપ્યા પણ પ્રભુ કોઈ રીતે ડગ્યા નહીં. કોઈ રીતે જયારે પોતાના પ્રયત્નમાં સભળતા ન મળી ત્યારે મેઘમાળીએ ગાજવીજ સહિત મૂશળધાર વરસાદ વરસાવવાનો શરૂ કર્યો. વરસાદ એટલા જોરથી વરસાવ્યો કે પશુ-પક્ષીઓ વગેરે ત્રાસી જઈ અકાળે મૃત્યુ પામવા લાગ્યા છતાં પ્રભુ ન ડગ્યા. છેવટે પ્રભુના કાન સુધી પાણી આવી ગયું અને આગળ વધી નાકની અણી સુધી પહોંચ્યું છતાં પ્રભુ તો અડગ જ રહ્યા.
તે વખતે ધરણેન્દ્ર દેવે ઉતાવળી ગતિએ પ્રભુ જ્યાં ધ્યાનસ્થ ઊભા હતા ત્યાં આવી, પ્રભુના ચરણમાં નમન કરી, એમના ચરણ નીચે સુવર્ણ કમળ બનાવી પ્રભુને અદ્ધર લીધા અને માથા પર સાત ફેણનું છત્ર કરી ધર્યુ.
પ્રભુ તો ઘ્યાનમાં જ હતા. એમને ઉપકાર કરનાર ધરણેન્દ્ર દેવ પર રાગ ન થયો કે જબરજસ્ત દુઃખ દેનાર મેઘમાળી પર દ્વેષ ન થયો. બન્ને પ્રત્યે એમને તો સંપૂર્ણ સમભાવ હતો.
પ્રભુની આ વીતરાગતાના કારણે જ એ ભવમાં એમના વેરના કર્મો પુરા થયા અને તેઓ મોક્ષે ગયા.