સામાયિક અને આદર્શ ભક્તિનું ઉદાહરણ એટલે પુણિયો શ્રાવક. આ એક એવો શ્રાવક હતો કે જેની ધર્મભાવના ખુદ ભગવાન મહાવીરે વખાણી હતી.
હસતે મુખે ગરીબી સ્વીકારનાર પુણિયાએ વારસામાં મળેલી મિલકતનું દાન કર્યું હતું અને જાતે રૂની પૂણીઓ બનાવીને મળતી બે આના જેટલી રકમમાં સંતોષભેર જીવતો હતો.
પુણિયા શ્રાવકને પ્રભુ પ્રત્યે અપાર ભક્તિ હતી. એ જ રીતે પ્રભુની ભક્તિ કરનાર બીજા શ્રાવકો (વીતરાગ પ્રભુને માનનાર) પ્રત્યે અપાર સ્નેહ હતો. આથી રોજ એક શ્રાવકને પોતાને ત્યાં નિમંત્રણ આપીને પતિ-પત્ની ભાવથી જમાડતા હતા. આ કારણે બંનેને એકાંતરે (એક દિવસ છોડીને, બીજા દિવસે ઉપવાસ) ઉપવાસ કરવો પડતો હતો. આવો બાર વ્રતધારી પુણિયો આત્મસમભાવમાં એકાકાર બનીને રોજ એક સામાયિક કરતો હતો.
એક દિવસ સામાયિકમાં પુણિયા શ્રાવકનું ચિત્ત સ્થિર રહેતું નહોતું. આથી પુણિયાના અંતરમાં અજંપો જાગ્યો. આવું કેમ થતું હશે? એણે એની પત્નીને વાત કરી કે 'આજે સામાયિકમાં મારું ચિત્ત સ્થિર રહેતું નથી, શું કારણ હોઈ શકે, એ મને સમજાતું નથી!”
આત્મજાગૃત પુણિયાની વાતે એની પત્નીને વિચારતી કરી મૂકી. થોડીવારે યાદ આવતાં એણે કહ્યું, “હું ગામમાંથી પાછી આવતી હતી, ત્યારે માર્ગમાં છાણાં પડયાં હતા, એ હું ઘરે લઈ આવી છું. એ સિવાય બીજું કશું લાવી નથી.” પુણિયા શ્રાવકના જાગૃત આત્માએ કહ્યું, “અરે ! રસ્તામાં પડેલાં છાણાં, એ આપણાં ન કહેવાય. જેના પર કોઈનો અધિકાર ન હોય એના પર રાજનો અધિકાર કહેવાય. આપણા માટે એ અણહક્કનું કહેવાય. જાઓ, છાણાં જ્યાં હતાં ત્યાં પાછા મૂકી આવો.”
પુણિયાની આત્મજાગૃતિ એટલી હતી કે એક નાનીશી ભૂલ પણ એના અંતરને વલોવી નાખતી હતી.
એકવાર મહારાજા શ્રેણિકે, મૃત્યુ બાદ પોતાની કઈ ગતિ થશે, એમ ભગવાન મહાવીરને પૂછ્યું,
ત્યારે ભગવાન મહાવીરે, ‘નરકગતિ થશે' તેમ કહ્યું. પોતાના પરમ ભક્તને પણ પ્રભુ સાચી વાત કહેતા સહેજે અચકાતા નહીં. રાજા શ્રેણિકે આમાંથી ઊગરવાનો ઉપાય પૂછ્યો ત્યારે ભગવાને કહ્યું, “પુણિયા શ્રાવકની માત્ર એક સામાયિકનું પુણ્ય મળે, તો તારી નરકગતિ ટળશે.”
નરકગતિ ટાળવાનો ઉપાય મળતાં રાજા ખુશ થઈ ગયા. કોઈની પાસેથી કોઈપણ વસ્તુ ખરીદવી એ રાજા માટે શું મોટી વાત હતી! અને એ પણ પુણિયા જેવા દીન પાસેથી !!! રાજા તો પુણિયા શ્રાવકની સામાયિક ખરીદવા ગયા.
વાત સાંભળીને પુણિયાએ રાજાને કહ્યું, “મારી સામાયિકનું મૂલ્ય તો ભગવાન જ કહી શકે. મને તો શું ખબર પડે? માટે આપ કૃપા કરી એમને જ પૂછી આવો.”
શ્રેણિક, ભગવાન પાસે પાછા ફર્યાં. વિનય સહિત બધી વાત કરી અને પૂછ્યું, “પ્રભુ, આપ જ કહો કે પુણિયાની સામાયિકનું હું શું મૂલ્ય ચૂકવું જેથી મારી નરકગતિ ટળે?”
ભગવાને સ્મિત સાથે જવાબ આપ્યો, “પુણિયાની સામાયિકનું મૂલ્ય આપવું અશક્ય છે. હે રાજન ! તારું આખું રાજ તો એની માત્ર દલાલીમાં (કમિશનમાં) જાય. એક આખી સામાયિકનું મૂલ્ય તો આનાથી અનેક ગણું છે.”
રાજા તો આ સાંભળતો જ રહી ગયો, “શું? આવી ઊંચી સામાયિક કે મારું રાજપાટ આખું દલાલીમાં જાય?”
રાજા નિરાશ થયા, પરતું સાથોસાથ સાચા શ્રાવક, પુણિયાની ધર્મભાવનાને મનોમન વંદન કરી રહ્યા.
પ્રભુ મહાવીરના સ્વમુખે જેનાં વખાણ થયાં, એ પુણિયા શ્રાવકને ધન્ય છે.



