શ્રી સાંઇબાબા

સફેદ પણ ચીંથરેહાલ પોશાક પહેરેલા શિરડીનાં શ્રી સાંઇબાબાની પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા, તેમનાં દેખાવને રદિયો આપતી. તેમનો દેખાવ 'ફકીર' જેવો હતો પણ હકીકતમાં તો તેઓની પાસે કરૂણા અને પ્રેમનો અખૂટ ભંડાર હતો. તેમના નામ 'સાંઇ'માં, 'સા' એ સાશ્વત(જીવંત) અને 'ઇ' એ ઇશ્વર(ભગવાન) ને સૂચવે છે.

27 સપ્ટેમ્બર, 1838ની તોફાની રાત્રે, પથરી નામનાં ગામમાં તેમનો જન્મ થયો હતો. એક પ્રચલિત લોકવાયકા મુજબ, એક નિ:સંતાન દંપતી, ફકીર રોશન શાહ મિયાહ અને તેમનાં પત્ની જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને ત્યાં એક અનાથ બાળક(સાંઇબાબા) સાથે તેઓનો ભેટો થયો અને તેઓએ સાંઇબાબાને દત્તક લીધાં. તેઓએ તેમનું નામ બાબુ રાખ્યું.તેઓ જ્યારે 4 વર્ષનાં થયા, રોશન, સૂફી ફકીરનું અવસાન થયું; અને તેઓના પત્ની, જેમને બાળક માટે ખૂબ જ લાગણી હતી, તેઓ શોકમગ્ન થઈ ગયા હતા. તેઓએ બાબુને વેનકુસા નામના એક વિદ્વાન પંડિતને  સોંપી દીધું.

સાંઇબાબા, વેનકુસાના સૌથી પ્રિય શિષ્ય બન્યા. તેઓ વેનકુસાના આશ્રમમાં બાર વર્ષ રહ્યાં અને ઘણું બધું શીખ્યા.  વેનકુસા સાંઇબાબાને એક ઉદાર અને પવિત્ર આત્મા માનતા. માટે તેમના અવસાન વખતે વેનકુસાએ તેમની દૈવી વિદ્યા, શક્તિઓ અને સિદ્ધિઓ એમને આપી. ગુરુજીનાં અવસાન બાદ તેઓએ આશ્રમ છોડી દીધો અને શિરડી આવી ગયા.

saibaba-pic-1

જ્યારે તેઓ પહેલી વાર શિરડીનાં ખંડોબા મંદિરમાં દાખલ થયા, ત્યારે મંદિરના પૂજારીજી મ્હલાસપતિએ તેઓને "આવો સાંઇ" કહીને આવકાર્યા. અને આ રીતે સાંઇબાબાને તેમનું નામ મળ્યું. ત્યાર બાદ તેઓ શિરડીમાં રહેવા લાગ્યા. પહેલાં તેઓ મંદિરમાં રહેતાં. પણ તેઓ મંદિરમાં કુરાનનાં શ્લોક બોલતાં જેના કારણે ઘણાં હિન્દુઓએ તેમના મંદિરમાં રહેવા બાબતે વિરોધ કર્યો હતો અને તેઓને મંદિર છોડી દેવા જણાવ્યું. મ્હલાસપતિ સહિતના અનુયાયીઓ, સાંઇબાબાને શિરડીની એક મસ્જિદમાં લઈ ગયા. સાંઇબાબાએ તે મસ્જિદને "દ્વારકામાઇ" નામ આપ્યું અને પછીનું જીવન તેઓએ ત્યાં જ વિતાવ્યું.

સાંઇબાબા સવારે પાંચ વાગ્યે ઉઠી જતાં. પછી તેઓ દ્વારકામાઇ મસ્જિદની બાજુમાં તાપણું કરવા બેસતાં. સાંઇબાબા ભિક્ષામાં મળેલું ભોજન જ આરોગતાં, તેઓ રોજ પાંચ ઘરેથી ભિક્ષા લેતાં. તેઓ ભોજનનાં ત્રણ ભાગ કરતાં: પહેલો પોતાના માટે, બીજો તેમના અનુયાયીઓ માટે, ત્રીજો પશુ-પંખીઓ માટે . ત્યારબાદ તેઓ તાપણાં પાસે બેસતાં અને અનુયાયીઓનાં પ્રશ્નો ઉકેલતાં, પ્રવચન આપતાં, જે પછી સાંજની પ્રાર્થના સાથે સમાપ્ત થતું.saibaba-pic-2

સાંઇબાબાનું શ્રેષ્ઠ પાસું એ છે કે તેઓ ધર્મ, જાતિ અને પંથનાં ભેદભાવોથી પર છે. કેટલાક તેમને હિન્દુ માને છે તો કેટલાક તેમને મુસ્લિમ ગણે છે. હિન્દુઓ સાથે હિન્દુ અને મુસ્લિમો સાથે મુસ્લિમ તરીકે વર્તીને તેઓએ અનહદ લોકચાહના મેળવી હતી. જોકે તેઓ સામાન્ય સંજોગોમાં આનાથી વિપરીત અભિગમ અપનાવતા. હિન્દુઓ તેમને ફકીર તરીકે અને મુસ્લિમો તેમને બ્રાહ્મણ તરીકે સ્વીકારે તેવો તે આગ્રહ રાખતા. 

સાંઇબાબાએ જન સમુદાય માટે નીચેનો સંદેશો આપ્યો: શ્રધ્ધા- જેનો અર્થ છે ભગવાન પર વિશ્વાસ રાખવો, સબુરી- એટલે ધીરજ રાખવી, પવિત્રતા- એટલે હ્રદય અને મનની પવિત્રતા જાળવવી, કરૂણાભાવ- એટલે દરેક જીવમાત્ર માટે દયાભાવ રાખવો, સમાનતા- એટલે દરેક ધર્મનાં માણસો માટે ભેદભાવ વગરની લાગણી રાખવી, આધીનતા- એટલે અનુયાયીપણું હોવું અને ગુરુને સમર્પિત હોવું.  

જ્યારે જ્યારે કોઇ જ્ઞાની પુરુષ દાદાશ્રીને પૂછે કે, "જ્યારે આપણે નાખુશ કે ચિંતાતુર હોઇએ ત્યારે શું કરવું જોઈએ? આપણે કોની આરાધના કરવી જોઈએ?" ત્યારે દાદા કહેતાં કે, "શિરડીનાં શ્રી સાંઇબાબાની આરાધના કરવી જોઈએ. તેઓ લોકોની ચિંતા-મુસીબતો દૂર કરવા પ્રયત્નશીલ રહે છે." તે કેટલા મહાન સંત છે ! હાલ પણ તેઓ જગતને ખુશીઓની ભેટ આપી રહ્યા છે. તેમની ખાલી એક જ ઇચ્છા છે કે, લોકોને દુઃખોમાંથી મુક્તિ મળે. કેવા પવિત્ર અને   ધર્મનિષ્ઠ સંત છે એ ! એક ફકીર, કોઇ  પણ જોડાણ વિના, બીજાને મદદ કરવા માટે હંમેશા પ્રવ્રુત રહે છે. 

saibaba-pic-3

15 ઓક્ટોબર, 1918, વિજયા દશમીનાં રોજ સાંઇબાબાએ તેમનાં છેલ્લાં શ્વાસ લીધાં. પણ તેઓનું નામ, તેમનાં સમર્થકોનાં હ્રદયમાં આજે પણ કંડરાયેલું છે.