હોળી ની વાર્તા



એકવાર અસુરોના રાજા હિરણ્યકશ્યપે વર્ષોના ઘોર તપ પછી પૃથ્વી પર પોતાનું રાજ હાસિલ કર્યું.

હિરણ્યકશ્યપની ભક્તિથી પ્રસ્સન થઈને બ્રહ્માએ એને એક એવું વરદાન આપ્યું કે, દિવસે કે રાત્રે, આકાશમાં કે પૃથ્વી પર, કોઈ મનુષ્ય કે પ્રાણી દ્વારા એની હત્યા નહીં થાય અને અને કોઈપણ પ્રકારના શસ્રથી એનું મૃત્યુ નહીં થાય.

આ વરદાનથી હિરણ્યકશ્યપ અજેય બની ગયો. એનું અભિમાન એટલું બધું વધી ગયું કે એણે પોતાના રાજ્યમાં બધાને ભગવાનની ભક્તિ છોડીને તેની પોતાની ભક્તિ કરવાનો આદેશ આપ્યો. જો કે, હિરણ્યકશ્યપના પોતાના જ દીકરા પ્રહલાદે ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાનું ચાલુ જ રાખ્યું. ભગવાન વિષ્ણુ પ્રત્યે એની ભક્તિ દિવસે ને દિવસે વધતી જતી હતી.

પ્રહલાદ પોતાના પિતાની ભક્તિ કરવા માટે તૈયાર ના થયો. ભગવાન વિષ્ણુની ભક્તિ છોડીને પ્રહલાદ પોતાની ભક્તિ કરે એ માટે રાજા હિરણ્યકશ્યપે એને સમજાવવાના અનેક પ્રયત્ન કર્યા પણ એ બધા પ્રયત્નો નકામા ગયા. અંતે ગુસ્સામાં આવીને એણે પ્રહલાદની હત્યા કરાવવાનો નિર્ણય કર્યો.

હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવા માટે સેવકોને ઝેરી સર્પોથી ભરેલી જગ્યાએ પ્રહલાદને ફેંકી દેવાના, હાથીના પગ નીચે કચડી અને ઊંચા પહાડો પરથી નીચે ફેંકી દેવાના આદેશો આપ્યા. અંતે એણે પોતાની બહેન હોળીકાને પ્રહલાદને લઈને ભડકે બળતા અગ્નિમાં પ્રવેશવાનો હુકમ કર્યો. હોળીકા આગમાં બળી ગઈ અને પ્રહલાદનો વાળ પણ વાંકો ના થયો !

અંતે હિરણ્યકશ્યપે જાતે જ પ્રહલાદને મારી નાખવાનો નિર્ણય કર્યો. એણે પ્રહલાદને એક થાંભલા સાથે બાંધી દીધો અને એ થાંભલાને મારવા લાગ્યો. એ વખતે પ્રહલાદે ભગવાન વિષ્ણુના નામનું રટણ શરુ કરી દીધું. અને અચાનક એક ચમત્કાર થયો ! જેવું હિરણ્યકશ્યપે થાંભલા પર પ્રહાર કર્યો કે તરત જ થાંભલો ફાટ્યો.

અને ભગવાન વિષ્ણુએ નરસિંહનું રૂપ ધારણ કર્યું, જે એક અર્ધ મનુષ્ય અને અર્ધ સિંહનું રૂપ હતું. ભગવાન નરસિંહ થાંભલામાંથી બહાર આવીને હિરણ્યકશ્યપને દરવાજા સુધી ઢસડી ગયા અને પછી એને ખોળામાં સુવાડીને પોતાના તીક્ષ્ણ નખ વડે એને મારી નાંખ્યો. પ્રહલાદ ભગવાન નારાયણના નામનું સતત રટણ કરી રહ્યો હતો એ બિલકુલ સલામત રહ્યો.

ભગવાન વિષ્ણુએ પ્રહલાદને આશીર્વાદ આપ્યા અને રાજમુગટ પહેરાવીને એને રાજા બનાવ્યો. પ્રહલાદે સંપૂર્ણ નૈતિકતા અને પ્રામાણિકતાથી રાજ કર્યું.

આમ, અશુભ ઉપર શુભનો વિજય દર્શાવવા માટે આપણે હોળીનો તહેવાર મનાવીએ છીએ. 'હોળીકા'ના નામ પરથી હોળી નામ રાખવામાં આવ્યું છે. હોળી રંગોનો તહેવાર છે.