ભાવ ની પરખ

કોઈ ભકતને ત્યાં સ્વામી સહજાનંદે પધરામણી કરી. ભકતાણી ખરેખર ભકતાણી હતા. તેમણે સ્વામીજી માટે ભાવથી બધી રસોઈ તૈયાર કરી.

સ્વામીજીને જમાડયા. પછી સ્વામીજીને એ ભોળી બહેને ભાવવિભોર બનીને કહ્યું, "સ્વામીજી! હવે દૂધ લાવું?" સ્વામીજીની ઈચ્છા નહી હોવા છતાં તેની ભાવધારા તૂટી ન જાય એ ખાતર તેમણે દૂધ લાવવાની હા પાડી.

ભકિતથી ગાંડીઘેલી બની ગયેલી એ બહેન દૂધને બદલે છાશની દોણી ઉઠાવી લાવી અને બે -ત્રણ વાર ગ્લાસ ભરી ભરીને સ્વામીજીને છાશ પાઈ. દરેક ગ્લાસ પીતા સ્વામીજી બોલતા ગયા ,"દૂધ તો એવું સરસ બનાવ્યું છે કે બસ, પીધા જ કરવાનું મન થાય."

પેલી બહેનને જો એ ખ્યાલ આવી જાય કે પોતે દૂધને બદલે છાશ આપવાની ભૂલ કરી રહી છે તો તેને ખૂબ દુઃખ થાય. આવું ન થવા દેવા માટે સ્વામીજીએ નાટક કયૅે રાખ્યું. અને પેલી બાઈ પણ ખૂબ પ્રફૂલ્લિત રહી.

સ્વામીજી વિદાય પછી જ્યારે એ બહેનને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો ત્યારે એમની માફી માંગવા તરત એ એમના ઉતારે દોડી.

સ્વામીજીએ પ્રેમથી કહ્યું,"બહેન! તેં એટલા બધા હેતથી અમને છાશ પાઈ કે ખરેખર એ અમને દૂધ કરતાં પણ ખૂબ મીઠી લાગી."

સામાના દિલને જરાય ઠેસ ન પહોંચે એની કેવી કાળજી!