નકલ કરતાં પહેલાં બે વાર વિચારો

વર્ષો જૂની વાત છે. સુશીલા નગરીમાં મુંજાલમુનિ નામના એક વિદ્વાન ઋષિમુનિ નિવાસ કરતા હતા. કુટિરની નજીક એમણે એક ગુરુકુળની સ્થાપના કરી હતી.

ગુરુકુળમાં એક વિશાળ વટવૃક્ષ હતું. એ વટવૃક્ષની નીચે બેસી મુંજાલમુનિ રોજ એમના શિષ્યોને ઉપદેશ આપતા. એક દિવસ એક બિલાડી મુનિના પગ પાસે આવીને ગોઠવાઈ ગઈ. મુનિએ એ બિલાડીને થોડું દૂધ પાયું. આમ કરતાં કરતાં બિલાડીને રોજ મુનિ પાસે આવવાની આદત પડી ગઈ. મુનિને પણ બિલાડીનો સાથ ગમવા લાગ્યો અને એમણે એ બિલાડીને પાળી લીધી. સાધના કરતા હોય કે ઉપદેશ આપતા હોય, બિલાડી હંમેશા મુનિની આજુબાજુ જ રહેતી.

થોડા વર્ષો પછી મુંજાલમુનિ મૃત્યુ પામ્યા. શિષ્યોને ગૂંચવાડો થયો, “બિલાડીનું શું કરવું?” શિષ્યોને પણ બિલાડીની હાજરીની આદત પડી ગઈ હતી. તેથી સૌએ નક્કી કર્યું કે બિલાડી ભલે ગુરુકુળમાં રહે. આમ વર્ષો વીતવા લાગ્યા. સૌ શિષ્યો, પટ્ટ-શિષ્યોના માર્ગદર્શન હેઠળ પોતાની પ્રગતિ માંડી રહ્યા હતા.

એક દિવસ, પાડોશી ગામના આનંદમુનિ અને એમના શિષ્યો, સુશીલા નગરીની મુલાકાત લેવા આવ્યા. મુંજાલમુનિના શિષ્યોની કુશળતા અને જ્ઞાનની પ્રગતિ જોઈ આનંદમુની ખૂબ પ્રભાવીત થયા.ગુરુકુળમાં આનંદમુનિએ પેલી બિલાડીને હરતી ફરતી જોઈ. એ બિલાડી મુંજાલમુનિના વખતથી છે, જાણી એમને મનમાં વિચાર આવ્યો, “આ લોકોની કુશળતા અને જ્ઞાન પ્રગતિનું રહસ્ય આ બિલાડી જ હોવી જોઈએ. જો મારે પણ એમના જેવા કુશળ થવું હોય તો આવી જ એક બિલાડી પાળવી જોઈએ.”

અને આમ આનંદમુનિ પણ પોતાના ગુરુકુળ માટે એક બિલાડી લઈ આવ્યા. ધીરે ધીરે આ વાત બીજા ગામોમાં પણ ફેલાવ લાગી. ‘ધ્યાન અને સાદનામાં બિલાડીની આવશ્યકતા’ વિષે ચર્ચાઓ થવા લાગી. બધાએ જ એકબીજાની નકલ કરી, પોતાના ગુરુકુળમાં અને આશ્રમમાં એક બિલાડી રાખવા લાગ્યા.

આવી રીતે આકી એક પેઢી પસાર થઈ ગઈ. બિલાડીની હાજરીનું મૂળ કારણ તો મુંજાલમુનિના આશ્રમમાં પણ ભૂલાઈ ગયું. ત્યાં પણ હવે એક બિલાડી મૃત્યુ પામે તો નવી બિલાડી લઈ આવવમાં આવતી.

થોડા કાળ પછી બન્યું એવું કે આશ્રમના પ્રમુખમુનિ, વિવેકમુનિને બિલાડીના વાળની એલર્જી થઈ. તેથી એમણે બિલાડીને કાઢી મૂકવાની સુચના આપી. બધા જ શિષ્યોએ ખૂબ વિરોધ કર્યો. મુનિ વિદ્વાન હતા. એમણે શિષ્યોને સમજણ પાડી, “આ વાતમાં કોઈ તથ્ય નથી કે બિલાડીના કારણે એકાગ્રતા વધે છે કે બિલાડી સાધનામાં મદદરૂપ થાય છે. આ તો અમુક અક્કલ વગરના લોકોએ સામસામી નકલ કરી, આવી માન્યતા લોકોના મનમાં દ્રઢ કરી નાખી છે. ગાંડો ગાડરિયો પ્રવાહ છે આ.”

વિવેકમુનિ અનુભવી અને વિદ્વાન હતા. તેથી એમની વાત શિષ્યોને ગેડમાં બેઠી. શિષ્યોએ બિલાડીને આશ્રમમાંથી કાઢી મૂકી.

ધીરે ધીરે આ વાત આજુબાજુના ગામોમાં ફેલાઈ ગઈ. બિલાડીની દેખરેખથી કંટાળેલા લોકો ફરી એકબીજાની નકલ કરી બિલાડીને પોતાના આશ્રમો અને ગુરુકુળમાંથી હટાવવા લાગ્યા. અને ગામેગામ ‘બિલાડીની ગેરહાજરીમાં થતા ધ્યાનનું મહત્વ’ ની ચર્ચાઓ થવા લાગી.

આ વાત વિવેકમુનિના કાને પડી. આ સાંભળી તેઓ આછું હસ્યા. એ સાંજે શિષ્યોને ઉપદેશ આપતા એમણે કહ્યું, “આપણી કમઅક્કલના કારણે જ આપણે એકબીજાની નકલ કરતા હોઈએ છીએ. નકલના કારણે આપણે આપણા જીવનમાં આવી કેટલીય ‘બિલાડીઓ’ પાળી લેતા હોઈશું. બિલાડી જો પ્રગતિ કરાવતી હોય તો નિયમ-સંયમની કોઈ જરુર જ ન રહી ને! પણ.....”

હજી વાક્ય પૂરું થયું ન થયું, ત્યાં તો એક બિલાડી કુદીને વિવેકમુનિના પગ પાસે આવીને બેસી ગઈ, “મ્યાઉં......” કરીને એણે ધીમો અવાજ કર્યો અને બધા જ શિષ્યો ખડખડાટ હસી પડયા.