ત્રિપૃષ્ટ વાસુદેવ

ત્રિપૃષ્ટ વાસુદેવ સુખેથી રાજવૈભવ માણતા હતા. એક દિવસ કેટલાક ગવૈયાઓ આવ્યા. તેઓએ વિવિધ રાગોથી મધુર ગાયન કરી, ત્રિપૃષ્ટ વાસુદેવનું હ્રદય હરી લીધું. રાત્રીના સમયે આ ગવૈયાઓ પોતાનું મધુર ગાન ગાતા હતા. ત્રિપૃષ્ટ વાસુદેવે પોતાના સેવકને આજ્ઞા કરી કે, “જયારે મને નિદ્રા આવે ત્યારે ગવૈયાઓને ગાયન કરતા બંધ કરીને એમને વિદાય કરી દેજે.” થોડી વારમાં ત્રિપૃષ્ટ વાસુદેવ સૂઈ ગયા. પણ સેવકે સંગીત સાંભળવાના લોભથી ગવૈયાઓનું સંગીત બંધ કરાવ્યું નહીં. આમ ગાયનમાં જ રાત્રિનો કેટલોક સમય પસાર થઈ ગયો. અચાનક ત્રિપૃષ્ટ વાસુદેવની નિદ્રા તૂટી ગઈ.

ગાયકોનું ગાન હજી ચાલુ જ હતું. તે જોઈ એમણે સેવકને પૂછ્યું, “આ ગવૈયાઓને તે હજુ સુધી કેમ વિદાય કર્યા નથી ?” સેવકે કહ્યું, “હે મહારાજ ! તેઓના ગાયનમાં હું મગ્ન થઈ ગયો હતો, જેથી આપનો હુકમ ભૂલી ગયો અને એમને વિદાય ન કરી શક્યો.” આ સાંભળતા જ રાજાને ક્રોધ આવ્યો. એમણે બીજા સેવકોને આજ્ઞા કરી, “ગાયનના શોખીન આ સેવકના કાનમાં ગરમ ગરમ સીસું રેડો. જે કાને મારી આજ્ઞા સાંભળવાને બદલે ગાયનો સાંભળવાનો અપરાધ કર્યો છે એ કાનનો જ દોષ છે.”

રાજાની આજ્ઞા પ્રમાણે સેવકોએ પેલા સેવકના કાનમાં અતિશય ગરમ કરેલ સીસું રેડયું. આ ભયંકર વેદનાથી સેવક તરત જ મરણ પામ્યો. ભયંકર વેદના આપનાર રાજા સાથે એણે વેર બાંધ્યું. ત્રિપૃષ્ટ વાસુદેવ આયુષ્ય પૂર્ણ કરી નર્કે ગયા.

આ જ ત્રિપૃષ્ટ વાસુદેવનો આત્મા ઘણા અવતાર પછી ત્રિશલામાતાની કુખે ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીરૂપે જન્મ્યા. ત્યારે પેલા સેવકનો જીવ એ કાળમાં ગોવાળ થયો. એક દિવસ પ્રભુ મહાવીર ધ્યાનમાં ઊભા હતા. ગોવાળ ત્યાં પોતાની ગાયો ચરાવવા આવ્યો. ભગવાનને પોતાની ગાયો સાચવવાનું કહી એ કોઈ કામ માટે ગયો. ભગવાન તો ધ્યાનમાં હતા, તેથી ગાયોનું ધ્યાન ન રાખી શકે એ સ્વભાવિક હતું. ગાયોનું કોઈ ધ્યાન રાખનાર ન હોવાથી ગાયો છૂટી પડી ગઈ.

થોડી વારે ગોવાળ પાછો આવ્યો. પોતાની ગાયોને જોઈ નહીં એટલે એણે પ્રભુને પૂછ્યું, “અરે દેવાર્ય ! મારી ગાયો ક્યાં ?” ભગવાન તો ધ્યાનમાં સ્થિર હતા. કોઈ જવાબ ન મળતા ગોવાળ ક્રોધે ભરાયો. એ બોલ્યો, “તું કેમ બોલતો નથી ? તું કેમ મારું સાંભળતો નથી ? આ તારા કાનના છિદ્ર શું ફોગટના છે ?” આ પ્રમાણે કહેવા છતાં પણ પ્રભુ કઈ બોલ્યા નહીં ત્યારે એણે અતિ ક્રોધે કરી, પ્રભુના બન્ને કાનમાં બરુ (લોખંડ જેવું અણીદાર ઘાસ) ઠોક્યા. કોઈ કાઢી શકે નહીં એ માટે એણે તેનો બહાર દેખાતો ભાગ કાપી નાખ્યો અને ચાલ્યો ગયો.

આમ ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં કાનમાં ગરમ સીસું રેડેલ તે કર્મ પ્રભુના ભવમાં ભગવાનને આ રીતે કાનમાં બરુ ઠોકાયા એ રીતે ભોગવવું પડયું.