સીમંધર સ્વામીની વાર્તા



શ્રી સીમંધર સ્વામી ભગવાન જે વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં આપણી જેમ સદેહે વિચરે છે એમની આ સુંદર વાર્તા છે. ચાલો, આપણે તીર્થંકર ભગવાનના દિવ્ય ગુણો (અતિશયો) વિષે જાણીએ અને આવતા ભવે એમના ચરણકમળમાં સ્થાન પામીએ તેવી પ્રાર્થના કરીએ.

મહારાણી સાત્યકીને આવેલા ૧૪ સપના નીચે મુજબ છે.. 1. ગર્જના કરતો સિંહ 2. મદોન્મત્ત (નશામાં ચૂર) હાથી 3. વિશાળ ખભાવાળો સફેદ ઋષભ (બળદ) 4. કમળના સિંહાસન પર બિરાજમાન ધન-સંપત્તિની દેવી લક્ષ્મીજી 5. બે સુગંધિત ફૂલમાળા 6. તારાઓની સભામાં બિરજમાન ચંદ્રમા 7. ઊગતો સૂર્ય 8. ઘૂઘવતો સમુદ્ર

9. સોનાની દાંડી પર લહેરાતો એક વિરાટ ધ્વજ 10. સ્વચ્છ પાણીથી છલોછલ ભરેલો એક પવિત્ર કળશ 11. સુગંધિત કમળોથી છવાયેલુ એક તળાવ 12. રત્નજડિત દૈવી વિમાન 13. હીરા, માણેક અને રત્નોવાળો એક ભવ્ય ઢગલો 14. ધુમાડારહિત તેજસ્વી પ્રકાશ ફેલાવતી અગ્નિ

આ બધા જ સપના એ સૂચિત કરતા હતા કે સાત્યકી દેવીના ત્યાં જન્મ લેનાર પુત્ર એક તીર્થંકર હશે. ભગવાન સીમંધર સ્વામીના જન્મ પછી પુંડરિકગિરીના આખા રાજ્યમાં સમૃદ્ધિ, ભયમુક્તિ, શાંતિ અને સ્વસ્થતાનું વાતાવરણ છવાઈ ગયું. બધાના હ્રદયમાંથી તિરસ્કાર અને કપટની લાગણીઓ અદૄશ્ય થઈ જવાથી બધા એકબીજાના મિત્રો બની ગયા.

મહાવિદેહ ક્ષેત્રના પુંડરિકગિરીમાં ચૈત્ર વદ દશમની મધ્ય રાત્રે, શ્રેયાંસ રાજા અને રાણી સાત્યકી દેવીના ત્યાં સોનેરી તેજ અને શરીર પર વૄષભના ચિહ્ન(લાંછન)વાળા એક સુંદર બાળકનો જન્મ થયો. તેમના માતા-પિતાએ પ્રેમથી આ અતુલ્ય સૌંદર્યવાળા બાળકનું નામ રાખ્યુ, ”સીમંધર”.

વર્તમાન યુગમાં, એમનો જન્મ ભરતક્ષેત્રના ચોવીસ તીર્થંકરોમાંથી સત્તરમાં તીર્થંકર શ્રી કુંથુનાથ અને અઢારમાં તીર્થંકર શ્રી અરહનાથના શાસન પહેલા થયો હતો.

દેવ-દેવીઓએ પણ એમના જન્મનો ઉત્સવ અનેરા ઉત્સાહ અને આનંદ સાથે ઉજવ્યો હતો. સીમંધર સ્વામી એવા દિવ્યાત્મા હતા જે ત્રણ પ્રકારના જ્ઞાન સાથે જન્મ્યા હતા - મતિજ્ઞાન (બુદ્ધિ જ્ઞાન), શ્રુત જ્ઞાન (શ્રવણ/સાંભળવાનું જ્ઞાન) અને અવધિ જ્ઞાન (જ્યોતિષ જ્ઞાન). આવા અદ્ભુત તીર્થંકર ભગવાનના જન્મ કલ્યાણક મહોત્સવની આ ઉજવણી હતી.

દેવ-દેવીઓએ ઈન્દ્રદેવ અને અન્ય દેવતાઓ માટે એક મોટી પાંખોવાળા વિરાટ વિમાનની રચના કરી અને તેને ઝળહળતા રત્નો અને સુવર્ણથી શણગાર્યું. આ દિવ્ય બાળકના જન્મની ઉજવણી કરવા માટે એ વિમાનમાં તેઓ શ્રેયાંસરાજાના મહેલે પહોંચી ગયા. એમણે બાળકને અનેક કિંમતી ભેટ-સોગાદો અને રત્નોજડિત મુગટથી નવાજ્યા.

દેવો આ બાળકને બ્રહ્માંડની મધ્યમાં આવેલ સૌથી ઊંચા મેરુ પર્વત પર લઈ ગયા. એમણે આ શુભ જન્મ સમારંભ આનંદવિભોર થઈને ઉજવ્યો. ઈન્દ્ર દેવે બાળ સીમંધર સ્વામીને પોતાના ખોળામાં બેસાડ્યા અને અન્ય દેવોએ શુધ્ધ દૂધની ધારાથી એમનો પ્રક્ષાલ કર્યો અને રત્નોથી શણગાર કર્યો. બધા દેવ-દેવીઓએ એમના પર મધુર સુગંધિત પુષ્પોની વર્ષા કરી.

અદ્ભુત પ્રક્ષાલ પછી દેવ-દેવીઓ બાળ સીમંધરને ખુબ કાળજીપૂર્વક પાછા મહેલમાં લઈ ગયા અને પ્રેમથી માતાની બાજુમાં મૂક્યા. મોટા થતા બાળ સીમંધર સ્વામીની બધી જરુરિયાતોનું ધ્યાન દેવો જ રાખતા. તેઓ સૌમ્ય ત્વચા, નિર્દોષ નેત્ર અને કાળા વાંકડિયા કેશવાળા અત્યંત પ્રેમાળ બાળક હતા. અત્યંત પવિત્ર હોવાથી એમના લોહીનો રંગ સફેદ હતો.

નાનકડા સ્વામી ખુબ બળવાન અને સક્રિય બાળક હતા. એ ગમે તેટલુ રમે તો પણ ના તો એમને થાક લાગતો ના પરસેવો થતો. તેમના શરીરમાંથી કાયમ મધુર સુગંધ કાયમ આવતી. તેઓ કાયમ બાળકોના રુપમાં આવેલા દેવતોથી ઘેરાયેલા રહેતા. આમ, દેવો જ બાળક બનીને એમની સાથે રમતા અને એમના પર કોઈ ખરાબ સંગતનો પ્રભાવ ના પડે એની ખાતરી રાખતા.

ભગવાનના વિદ્યાભ્યાસનો સમય થયો ત્યારે એમને વિદ્યા આપવા દેવોએ પોતે ગુરુનું રૂપ લીધું. વિશેષ જ્ઞાન સાથે જન્મ્યા હોવા છતાં પણ એમને ભણવાનું ખુબ ગમતુ. સીમંધર સ્વામીનું ચિત્ત સંપૂર્ણપણે નિર્મળ અને શુધ્ધ હોવાથી એમણે ભણતર ખૂબ જ ટૂંકા સમયમાં પૂરું કરી લીધું. તેઓ ભણાવવામાં આવેલી બધી જ વાતો ખૂબ સરળતાથી યાદ રાખી શકતા હતા.

જેમ જેમ સ્વામી યુવાન થતા ગયા તેમ તેમ તેઓ વધુ આકર્ષક થતા ગયા. એમના બાહુ શક્તિશાળી બન્યા અને એમની ઊંચાઈ પણ વધી ગઈ, તેમનો ચહેરો ખુબ લાવણ્યમય થઈ ગયો. સીમંધર સ્વામીની ઊંચાઈ ૫૦૦ ધનુષ જેટલી (૩૦૦૦ ફૂટ કરતા વધારે) હતી. ફક્ત એમનું નાક જ ૧૦૦ ફૂટનું હતુ.

જ્યારે સીમંધર સ્વામી લગ્નની ઉંમરના થયા ત્યારે તેમના માતા-પિતાએ રાજકુમારી રુક્ષ્મણી દેવી સાથે તેમના લગ્ન કરાવ્યા.

સ્વામી પુખ્ત વયના થયા ત્યારે દેવોએ એમને સંસારી જીવનનો ત્યાગ કરી દિક્ષા લેવા માટે વિનંતી કરી. એના પછી સતત એક વર્ષ સુધી તેમણે રાજમહેલના ભંડારમાંથી પોતાના હાથે ખુલ્લા દિલથી દાન આપ્યું. આ દાનને વર્ષીદાન કહેવાય છે. આખરે ફાગણ સુદ ત્રીજના દિવસે ભગવાન સીમંધર સ્વામીએ બધા જ સંસારી સુખોનો ત્યાગ કર્યો.

દીક્ષા ગ્રહણ કરતાં જ એમને મનઃપર્યવ જ્ઞાન (બીજાના મનની વાત વાંચી શકવાની સમર્થતાનું જ્ઞાન) થયું. આ એ સમય હતો જ્યારે ભગવાન રામના પિતા દશરથ રાજા હતા. આ વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી અને એકવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ સ્વામીની હાજરીની વચ્ચેનો સમય પણ હતો.

સાધુ જીવના હજારો વર્ષો દરમિયાન એમના ક્રોધ-માન-માયા-લોભ રુપી બધા જ દોષો ખલાસ થતા, સીમંધર સ્વામી સંપૂર્ણ સર્વજ્ઞ બન્યા અને એમને કેવળજ્ઞાન થયું. કેવળજ્ઞાન એટલે સંપૂર્ણ પરમાત્મા દશા. આ પ્રસંગ ચૈત્ર સુદ તેરસના દિવસે (પૂનમ પહેલા, ચૈત્ર મહિનાનો તેરમો દિવસ) બન્યો.

જે ક્ષણે સીમંધર સ્વામીને કેવળજ્ઞાન થયું તે ક્ષણે દેવોએ ફરીથી નૃત્ય, ગાન અને વાજિંત્રો સાથે સ્વામી પર પુષ્પ અને ચંદનની વર્ષા કરી. કેવળજ્ઞાન થયા પછી સીમંધર સ્વામીના માત્ર દર્શન કરવાથી જ, લોકો મોક્ષનો માર્ગ અચૂક મળશે એ નિશ્ચિત થઈ ગયું.

કેવળજ્ઞાન પછી સ્વામીના જીવનની પ્રત્યેક ક્ષણ માત્ર બીજાના કલ્યાણ માટે જ વપરાય છે. વર્તમાન તીર્થંકરની માત્ર હાજરી જ તેમની આસપાસ અદ્ભૂત શાંતિનું અલૌકિક વાતાવરણ ઊભુ કરે છે. એમની આસપાસના બાર માઇલ સુધીના વર્તુળમાં બધા જ સ્વસ્થ અને સુખી હોય છે.

એમનો દિવ્ય પ્રભાવ એવો હોય કે તેઓ જ્યાંથી વિચરે ત્યાં વૃક્ષો એમને છાંયો આપવા નીચા નમી જાય. અત્યંત વેગથી ફૂંકાતો પવન શાંત અને ઠંડો થઈ જાય અને ઋતુઓ એમને અનુકૂળ આવે તે રીતે એડજસ્ટ થઇ જાય. તેઓ રસ્તા પર વિચરતા હોય ત્યારે ત્યાં પડેલા કાંટા આપમેળે ઊંધા થઇ જાય અને તેમને કોઈ તકલીફ ના પડે એ માટે ધૂળ પણ નીચે બેસી જાય.

ભગવાનના કેવળજ્ઞાનના સમાચાર અત્યંત ઝડપથી બધે ફેલાઈ ગયા અને દેવ-દેવીઓ પ્રભુની દેશના (દિવ્ય સત્સંગ)ની તૈયારીઓ કરવા લાગ્યા. આ અસામાન્ય પ્રસંગ માટે દેવોએ એક ખાસ પ્રકારની રચના કરી. આ રચનાને ‘સમોવસરણ’ કહેવાય છે.

સમોવસરણમાં ભગવાનના સિંહાસનની નીચેના ભાગમાં દેવોએ ત્રણ જુદા-જુદા પ્રકારના ગઢની રચના કરી. પહેલો ગઢ (ચાંદીનો) – અશ્વો અને વાહનો માટે. બીજો ગઢ (સોનાનો) - પશુઓ અને પક્ષીઓ માટે. ત્રીજો ગઢ (કિંમતી રત્નોનો) – સાધુ-સાધ્વીઓ, ગણધરો, રાજાઓ, સમ્રાટો, દેવ-દેવીઓ અને મનુષ્યો માટે.

બરાબર મધ્યમાં પૂર્વ દિશા તરફ એક સુસજ્જિત સિંહાસનની રચના કરવામાં આવે છે જેના પર સીમંધર સ્વામી ભગવાન દેશના આપવા માટે બિરાજે છે. દેવ-દેવીઓ બાકીની ત્રણ દિશાઓમાં પણ ભગવાનના પ્રતિબિંબની રચના કરે છે જેથી દરેક જીવ ભગવાનને જોઈ શકે પછી ભલે તે ગમે તે દિશામાંથી એમને જોતા હોય.

ભગવાનના અલૌકિક પ્રભાવ આગળ દરેક જીવ પોતાનો જન્મજાત સ્વભાવ ભૂલી જાય છે. હાથી, સિંહ, હરણ જેવા પશુઓ કોઈ પણ પ્રકારના ભય કે હિંસાના ભાવ વગર સ્વામીની દેશના સાંભળવા માટે બીજા ગઢમાં એકસાથે બેસે છે. ભગવાનની વાણી એવી અદ્ભૂત હોય કે દરેકને તે પોત-પોતાની ભાષામાં સમજાઈ જાય અને એમનો અવાજ બાર માઈલ સુધી સાંભળી શકાય છે.

પાછલા કેટલાય અવતારોથી સીમંધર સ્વામીની એક જ ભાવના હતી કે જગતનું કલ્યાણ થાવ અને એ ભાવનાના ફળ સ્વરૂપે તેઓ તીર્થંકર બન્યા. એમના અંતરના ઊંડાણમાં એક જ ભાવના નિરંતર રહેતી કે, 'સર્વ જીવો પોતાના આત્માને ઓળખે અને મોક્ષને પામે.’ જે કોઈને પણ આવી જ પ્રબળ ભાવના થાય એ બધા તીર્થંકર બની શકે છે.

સીમંધર સ્વામી ભગવાન હાલમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિચરે છે. એમનો ચોર્યાસી લાખ પૂર્વનો આયુષ્યકાળ પૂર્ણ થતા શ્રાવણ સુદ ત્રીજે (પૂનમ પહેલા, શ્રાવણ મહિનાના ત્રીજા દિવસે) તેઓ નિર્વાણ પામીને મોક્ષે જશે.

એ સમયે ભરતક્ષેત્રમાં આવતી ચોવીસીના નવમા તીર્થંકર શ્રી પેઢાળા સ્વામી વિચરતા હશે અને આઠમા તીર્થંકર શ્રી ઉદયસ્વામી નિર્વાણ પામીને મોક્ષે જશે.

પૂર્ણ ભગવાનનાં દર્શન માત્રથી જ લોકો મોક્ષ જવાને લાયક બનશે. આપણા જીવનનો મુખ્ય ધ્યેય વર્તમાનના પ્રત્યક્ષ જ્ઞાની (જેમનો આત્મા સંપૂર્ણપણે જાગૃત હોય) પાસેથી જ્ઞાન (આધ્યાત્મિક સમજણ) પ્રાપ્ત કરવાનો હોવો જોઈએ. દાદા ભગવાને આપણને સીમંધર સ્વામી સાથે અનુસંધાન કરાવી આપ્યું છે.

આપણે દરરોજ દાદા ભગવાનની સાક્ષીએ સીમંધર સ્વામીને દિલથી પ્રાર્થના કરવી જોઈએ - "પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. હે પ્રભુ, મારો આવતો જન્મ આપના ચરણ-શરણમાં જ હોજો. મને આપના જેવો જ બનાવજો અને મોક્ષે લઈ જજો."

આપણા હ્રદયની પ્રાર્થના શ્રી સીમંધર સ્વામી પાસે પહોંચશે જ અને તેઓ આપણને ચોક્કસ મદદ કરશે. માટે ફક્ત પરીક્ષા વખતે જ એમને યાદ કરવાને બદલે દરરોજ સવારે ઊઠીને સૌથી પહેલા એમને દિલથી પ્રાર્થના કરવી જોઈએ !