એક જાદુઈ ભૂલ



દૂર જંગલની અંદર, એક જૂની ઝૂંપડીમાં માટીનો એક ઘડો રહેતો હતો. તે બારીમાંથી વારંવાર બહાર જોઈને વિચારતો, "આ દેવદારના વૃક્ષની આગળ શું હશે? બહારની દુનિયા કેવી હશે? ઘડો છું એટલે મારે પગ નથી બસ અહીંયા બેસીને સામે દેખાતું એકનું એક દ્રશ્ય જોઉં છું અને મારા શેઠાણીની સેવા કરું છું."

એક સાંજે, તેની શેઠાણી ઘરે પાછી આવી ત્યારે ઘડાએ વિચાર્યું, "શેઠાણી કેટલા ખુશ દેખાય છે ! જેની મેં માત્ર કલ્પના જ કરી છે એ પહાડો અને ખીણો એમણે તો જોઈ જ હશે ! કાશ, હું પણ એમની જેમ બહાર જઈ શકતો અને દુનિયા જોઈ શકતો ! "મારું કેવું દુર્ભાગ્ય છે કે હું એક ઘડો છું, મારા શેઠાણીને કેવી મજા છે !"

ઘડાની શેઠાણી એક ડાકણ હતી. આખો દિવસ ગરમીમાં વિતાવ્યા પછી એણે ઘડા પાસે આવીને એમાંથી ઠંડું પાણી પીધું જેનાથી એ બહુ ખુશ થઈ. ઘડાથી રાજી થઈને એણે ઘડાને કોઈ વરદાન માંગવા કહ્યું. ઘડાએ કહ્યું, હે શેઠાણી ! તમે મને પગ આપો જેથી હું દુનિયામાં ફરી શકું."

આ સાંભળી ડાકણ એક ક્ષણ માટે વિચારમાં પડી ગઈ કારણ કે જો એ ઘડાની ઈચ્છા પૂરી કરે તો પોતે એને ગુમાવી બેસે. પણ એકવાર વચન આપ્યું એટલે પાળવું તો પડે એટલે એણે પોતાની જાદુઈ છડી ફેરવી, "આબરા કા ડાબરા, ઝૂબી ડૂબી ડુ...આ રહ્યા તારા માટે બે પગ !" અને ભૂલથી જાદુઈ છડી ઘડાની આંખોને સ્પર્શી ગઈ.

"મને કેમ કંઈ દેખાતું નથી?" ઘડો રડી ઉઠ્યો. પગ તો મળ્યા પણ આંખોની શક્તિ જતી રહી ! "અરેરે, મને જે થોડો ઘણો આનંદ મળતો હતો તે પણ હવે નહીં મળે ? એના કરતા તો મારી પાસે પહેલા જે હતું એ જ બરાબર હતું ! જો મેં પગ મેળવવાની ઈચ્છા ના કરી હોત તો બારીની બહારનો સુંદર નજારો તો જોઈ શકતો હોત," ઘડાએ આઘાત સાથે કહ્યું.

ઘડાના વિચાર બદલાયા, "મેં મારી આંખોની કિંમત ના કરી અને પગની ઈચ્છા કરી. હવે, આવી ભૂલ ફરી નહીં કરું. મને જે મળ્યું છે તેની કિંમત મારે સમજવી છે....મારા કાન, મારું મન, જેમની સેવા કરી શકું એવા મારા શેઠાણી અને મને રહેવા માટે મળેલી સુંદર જગ્યા...કેટલું બધું છે મારી પાસે !" તેણે વિચાર્યું.

એ ક્ષણથી જ ઘડાએ પોતાની પાસે જે-જે છે એના માટે અહોભાગ્ય અનુભવ્યું અને એને અપાર આનંદની લાગણી થઈ. હવે, તે પોતાના કાનથી પક્ષીઓનો કલરવ સાંભળતો અને પોતાના મનથી એવી કલ્પના કરતો કે પોતે પણ શેઠાણીના ઝાડુનું જેમ ઊડી શકે છે બહાર ફરી શકે છે.

થોડા દિવસો પછી, ખુશીથી નાચતી ડાકણે રસોડામાં આવીને ઘડાને કહ્યું, "મને જાદુઈ કિતાબમાંથી તારી સમસ્યાનો ઈલાજ મળી ગયો છે. તને તારી આંખો પાછી મળી જશે અને સાથે-સાથે બહારની દુનિયામાં ફરવાની શક્તિ પણ ! પણ આના જવાબમાં ઘડાએ શેઠાણીને કહ્યું કે, "ના, મારે કંઈ નથી જોઈતું. મારી પાસે જે છે તેનાથી હું ખુશ છું.

ડાકણના હોઠ કંઈ ગણગણવ લાગ્યા, આ વખતે તેની જાદુઈ છડી બરાબર જગ્યાએ અડી, અને ડાકણ બોલી, "જાદુઈ ભૂલનો ઈલાજ મળે, અને આ મંત્રથી ઘડાને આંખો અને પગ મળે !" હવે ઘડો જોઈ શકતો હતો અને ચાલી પણ શકતો હતો. એણે સુંદર દુનિયાને ફરીથી પોતાની આંખોથી જોઈ જેનાથી એના ચહેરા પર સ્મિત ઉપસી આવ્યું.

જ્યારે ડાકણે ઘડાને પોતાના ઝાડુ પર બેસવા માટે કહ્યું ત્યારે ઘડાને પોતાને મળેલી નવી આંખો પર વિશ્વાસ જ ના થયો ! ડાકણ અને ઘડો ઝાડુ પર બેસીને ઉડવા લાગ્યા અને ઝૂમ..ઝૂમ...ઝૂમ...કરીને આખી દુનિયામાં ફરવા લાગ્યા અને આમ ઘડાની કલ્પના આખરે સાકાર થઈ !