એક યાદગાર ફ્લાઇટ

"મમ્મી, જુઓ આપણે ઊડીએ છીએ!" મેં એક નિર્દોષ અવાજ સાંભળ્યો. બાજુમાં જોયું તો સાત-આઠ વર્ષનો એક છોકરો મારાથી થોડી દૂરની સીટ પર  બેઠો હતો. તેણે હાથમાં એક ટેડી બેરને એવી રીતે પકડયું હતું, જાણે તે એનો ખાસ ફ્રેન્ડ હોય ! મેં પણ નજીકની બારીમાંથી બહાર નજર કરી. ઊંચાઈ પરથી બિલ્ડીંગની લાઈટ્સ સપનાની દુનિયા જેવી લાગતી હતી.

થોડી જ ક્ષણોમાં એર હોસ્ટેસે સૂઈ જવાની એનાઉન્સમેન્ટ કરી. આખા દિવસની દોડધામ પછી મારી ઈચ્છા પણ સૂઈ જવાની જ હતી. બધા પોતાની સીટને અને ઓશીકાને કમ્ફર્ટેબલ પોઝીશનમાં ગોઠવવા લાગ્યા. પ્લેનની લાઈટ્સ પણ ઓછી થવા લાગી હતી. હું લગભગ સૂઈ જ ગઈ હતી, કે અચાનક એક અણગમતા અવાજે મારી ઊંઘ ઊડાડી.

મેં મારા આઈ માસ્કને ખસેડીને જોયું, તો લગભગ છ મહિનાનું એક બાળક જોરથી રડી રહ્યું હતું. તેની મમ્મી તેને શાંત કરવા, ઉપર નીચે ઝુલાવતી હતી. લગભગ બધા જ પેસેન્જર્સ આ અવાજને લીધે જાગી ગયા હતા. દેખીતી રીતે બધા આ અચાનક રડવાના અવાજને લીધે અકળાવા લાગ્યા હતા. થોડાક તો ચિડાવા પણ લાગ્યા હતા. આ પરિસ્થિતિ જોઈને બિચારી એ મમ્મી, જુદી-જુદી રીતે બાળકને શાંત કરવાના પ્રયત્નો કરવા લાગી.

એટલામાં, પેલો નાનો છોકરો એના ટેડી બેરને લઈને પોતાની જગ્યા પરથી ઊભો થયો. એના ટેડી સાથે તે નાના બાળકની મમ્મી પાસે પહોંચ્યો. "આન્ટી, આ બેબીના પ્રોબ્લેમને હું સમજી શકું છું, કારણકે મને પણ નવી જગ્યામાં રડવું આવી જાય છે. પણ તમને ખબર છે ? આ ટેડી મારો બેસ્ટ ફ્રેન્ડ છે ! એ મારી પાસે હોય તો મારા બધા દુ:ખ દૂર થઈ જાય છે. લો, આ બેબીને રમવા આપો. મને ખાતરી છે કે, એ પણ રડવાનું ભૂલી જશે." આમ કહીને એણે પોતાનું ફેવરીટ ટેડી, મમ્મીના હાથમાં આપી દીધું.

"થૅન્ક યુ !!" એ છોકરાનો આભાર માનતા બાળકની મમ્મીએ ખુશીથી કહ્યું.

કેવું કોમળ હૃદય!

“આને જ માનવતા કહેવાય !” મેં વિચાર્યું, પોતાની જાતને બીજાની જગ્યાએ રાખીને, તેના દુઃખને સમજીએ, તો જ આપણે માણસ કહેવાઈએ. મને આ વાત જેણે શીખવાડી, એની સમજણ, એની ઉંમર કરતાં ઘણી વધુ હતી !

અને એ રાત્રે મારી ઊંઘ ભલે બગડી, પણ મને એક નવી સમજણ મળી ગઈ હતી.