પરમ વિનય

મગધ દેશના વાણીજ્યગ્રામ નામના નગરમાં આનંદ શ્રાવક નામનો ગૃહસ્થ રહેતો હતો. તે ઘણો ધનવાન હતો. તેની ચાર કરોડ સોનામહોરો જમીનમાં દાટેલી હતી, ચાર કરોડ વેપારમાં રોકાયેલી હતી અને ચાર કરોડ ઘરવખરીમાં રોકાયેલી હતી. ઉપરાંત તેને ત્યાં ૪૦ હજાર ગાયોનાં ચાર ગોકુળ હતા.તે ઘણો બુદ્ધિમાન અને વ્યવહારકુશળ હતો. તેથી સૌ કોઈ તેની સલાહ લેતું. તેને શિવનંદા નામની સ્વરૂપવાન પત્ની હતી. ૭૦ વર્ષની તેની ઉંમર થઇ ત્યાં સુધી તે વીતરાગ ધર્મ વિશે અજાણ હતો. એવામાં એક દિવસ ભગવાન મહાવીર તે ગામમાં પધાર્યા. હજારો લોકો પ્રભુની દેશના સાંભળવા જતા હતા. તે પણ પ્રભુની દેશના સાંભળવા ગયો. પ્રભુએ શ્રાવક (ભગવાનની આજ્ઞા મુજબ વીતરાગ ધર્મ પાળનાર અને જીવન ગાળનાર) અને સાધુ વિષે ઘણી વાતો કરી.

આનંદને જીજ્ઞાશા જાગી. પ્રભુ પાસે તેણે સમજપૂર્વક વ્રત અંગીકાર કરી શ્રાવકધર્મ સ્વીકાર કર્યો. આ વાત તેણે તેની પત્નીને કરી અને તેની પત્નીને પણ તેમ કરવા કહ્યું. તેમની પત્ની શિવનંદાએ પણ પ્રભુ પાસે જઈ શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. બંને પતિ-પત્ની સુંદર રીતે શ્રાવકધર્મનું પાલન કરતાં કરતાં સમય વિતાવવા લાગ્યા.

કેટલોક કાળ વિત્યા પછી આનંદને ઉગ્ર તપશ્ચર્યા કરવાનો ભાવ થયો. તેઓએ સગા-સંબધીઓને ભેગા કરી,જમાડી, તેમની હાજરીમાં ગૃહકાર્યનો ભાર મોટા પુત્રને સોંપી દીધો અને આકરું તપ કરવા લાગ્યા. તે કરતા કરતા તેમને અવધિજ્ઞાન (જે જ્ઞાન વડે તેઓ અમુક અંતર સુધીનું જોઈ શકે) થયું. તે વડે તેઓએ ચારે દીશામાં અમુક અંતર સુધી જોયું. ઉપરાંત, ઉચે સૌધર્મ દેવલોક (દેવલોકનું નામ) અને નીચે રત્નપ્રભા (નરકનું નામ) પણ જોયા. આ જોઈ તેઓ ખુબ પ્રસન્ન થયા. તેમને પ્રભુ મહાવીરના દર્શનની ખુબ ઈચ્છા થઇ.

ભાગ્યવશાત પ્રભુ મહાવીર તે જ ગામમાં પધાર્યા. ગૌતમ સ્વામી ગોચરી લેવા (અહાર લેવા) નીકળ્યા. લોકોને મોઢે આનંદના અવધિજ્ઞાનની વાત સાંભળી. આ સાંભળી ગૌતમ સ્વામી આનંદની પૌષધશાળામાં (તપ કરવાની જગ્યા) ગયા. ગૌતમ સ્વામીને આવતા જોઈ આનંદે વિધિપૂર્વક વંદન કર્યા અને વિવેકથી પૂછ્યું, "મહારાજ! શ્રાવકને સંસારમાં રહીને અવધિજ્ઞાન થાય?"

શ્રી ગૌતમ સ્વામીએ જવાબ આપ્યો, 'હા, થાય.' આનંદે કહ્યું. "પ્રભુ! મને તે જ્ઞાન થયું છે." આ સાંભળી ગૌતમ સ્વામી સંશયમાં પડ્યા. તેમણે કહ્યું, "આનંદ! એક શ્રાવકથી એટલું દેખી શકાય નહી. માટે તમે આ જુઠું બોલ્યાનો પશ્ચાતાપ કરો."

આનંદે વિચાર્યું, 'આ મારા ગુરુ છે, આ વખતે તેઓ ભૂલ ખાય છે, પણ તેમણે, 'તમે ભૂલ ખાવ છો' એમ કહેવું યોગ્ય નથી. ગુરુ છે માટે શાંતિથી કહેવું યોગ્ય છે.' એમ વિચારી આનંદે કહ્યું, " મહારાજ! સત્યનું પ્રાયશ્ચિત લેવાનું હોય કે અસત્યનું?" ગૌતમ સ્વામીએ કહ્યું કે, "અસત્યનું." આનંદે કહ્યું, "તો મારે પ્રાયશ્ચિત લેવાની જરૂર નથી." આ સાંભળી ગૌતમ સ્વામી ચાલ્યા ગયા. મહાવીર સ્વામી પાસે જઈને બધી હકીકત કહી. મહાવીર સ્વામીએ કહ્યું, "હે ગૌતમ! આનંદનું કથન સત્ય છે. તમારી ભૂલ છે. માટે તમે આનંદ પાસે જઈ ક્ષમાપના લો." આ સાંભળતા જ તેઓ તરત આનંદ શ્રાવક પાસે ગયા અને પોતાની ભૂલની માફી માંગી.

જોયું મિત્રો,ગૌતમ સ્વામીનો પ્રભુ મહાવીર માટેનો પરમ વિનય કેવો ઉત્કૃષ્ટ (ઊંચામાં ઊંચો) હતો. પ્રભુના કહેવાથી જરા પણ બુદ્ધિ ચલાવ્યા વિના તેઓ તરત જ આનંદ શ્રાવક પાસે ભૂલ કબુલ કરવા ગયા. અને કેટલો લઘુતમ ભાવ કે ગણધર પદ (મુખ્ય શિષ્ય) હોવા છતાં વિલંબ કર્યા વિના કે સંકોચ પામ્યા વિના તેમણે તરત જ પોતાની ભૂલની આનંદ શ્રાવક પાસે માફી માંગી. પોતાની ભૂલ માટે તેઓ કેટલા જાગૃત હતા! 

આ બાજુ આનંદ શ્રાવકનો પણ ગુરુ પ્રત્યેનો વિનય ગજબનો હતો કે પોતાની સત્ય વાતને નકારવા છતાં તેઓ ગુરુનો વિનય ચૂકતા નથી.