આખા જંગલમાં ચીલીને શોધીને આખરે આલુ હારીને ઘરે આવે છે. ત્યારે આલુને પોતાના જ ઘરે ચીલી મળે છે. આલુના બધા લાડુ ખાઈને, આલુના રૂમમાં જ એ શાંતિથી સૂઈ ગયો છે. હવે આગળ...
આ મા શું કહે છે ? ચીલી અહીંયા છે !
હું દોડીને અંદર ગયો, તો સાચે એ મારા પલંગ પર જ હતો.
અહીંયા મારી ઊંઘ ને ભૂખ બધું મરી ગયું હતું અને એ શાંતિથી મારા જ પલંગ પર સૂતો હતો ! પણ ચીલી મળી ગયો. મને એને જોઈને એટલી ખુશી થઈ, કે હું જઈને જોરથી એની પર કૂદયો.
'ઓ મમ્મી, મારું પેટ દબાઈ ગયું.' કરીને એ ઊઠી ગયો અને પછી બોલ્યો, 'હું તારી સાથે વાત નથી કરતો, તું અહીંયાથી જતો રહે !'
મેં એને કહ્યું, 'તું મારા ઘરમાં છે. તું મારી સાથે વાત નથી કરતો, તો અહીંયા શું કરે છે ?' તો મને કહે, 'પાર્સલીનું મોઢું મારે નહોતું જોવું. એટલે ઘરે ના ગયો ને મને ભૂખ લાગી હતી. એટલે હું ખાવા આવ્યો હતો અને ખાઈને ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર જ ના પડી !'
પછી ખબર નહીં શું થયું, કે ફરીથી એ ચૂપ થઈ ગયો ને એની આંખમાં પાણી આવી ગયા. મેં એની બાજુમાં બેસીને એને પૂછ્યું, 'ચીલી, શું વિચારે છે ?'
તો આંખમાં મોટા મોટા આંસુ સાથે એ બોલ્યો, 'આલુ, હું હારી ગયો. એ પણ કોકોથી. હું વર્લ્ડનો બેસ્ટ સિંગર બનવા માગતો હતો ને હું તો જંગલનો પણ બેસ્ટ સિંગર ના બની શક્યો !'
પછી અચાનક અકળાતા બોલ્યો, 'આ બધું કોકોના કારણે જ થયું. એણે તારી ને મારી ફ્રેન્ડશિપ તોડાવી દીધી એટલે મેં સોંગ બદલી નાખ્યું અને એટલે જ હું હાર્યો.'
હવે એ લાલ થવા માંડ્યો હતો, 'એ કોકો... ખબર નહીં પોતાની જાતને શું સમજે છે ! આવડતું તો કંઈ નથી. મને તો લાગે છે, જજની પાસે પણ એણે ચાપલૂસી (બટરીંગ) કરી હશે ! અને તું પણ શું કોકો કોકો કરતો હતો ! તારો બેસ્ટ ફ્રેન્ડ તો હું છું ! તો તારે કોકોને એવું થોડું કહેવાય, કે એ જ જીતશે !' કહીને એણે મને જોરથી ચાંચ મારી. ‘આ...હ' હું હજુ કંઈ કહું ત્યાં તો એ રૂમમાં ગોળ ગોળ આંટા મારવા લાગ્યો ને કહેવા લાગ્યો, કે 'આલુ, મને ફરીથી બધું ગરમ ગરમ લાગે છે. મને શું થાય છે ? મારા પિંછા બળી જશે. આલુ, આ બંધ થાય એવું કંઈક કર.



