આલુ-ચીલી - ચેપ્ટર–૨૨

આલુ સાથે ફ્રેન્ડશિપ તોડીને ચીલી આલુના જ ઘરે ઝઘડો કરવા ગયો અને રાહ જોતા સૂઈ ગયો. આલુએ એને ઉઠાડ્યો. ચીલીને સિંગિગ કોમ્પિટિશનની વાત યાદ આવતા ફરી એનું શરીર બળવા લાગ્યું. એણે આલુને કંઈક કરવાનું કહ્યું જેથી એનું શરીર બળતું બંધ થાય. જોઈએ આગળ ચીલી શું કહે છે.

હું ગોળ ગોળ ઉડતો હતો ત્યાં તો આલુએ પોતાની મોટી સૂંઢ વચ્ચે ઊંચી કરી. મારું પેટ એની સૂંઢ સાથે ભટકાયું. મારા પેટના બધા લાડુ ગોળ ગોળ ફરી ગયા. એણે મને પકડીને બારીમાં બેસાડી દીધો. અને મને કહે, ‘તું સિંગિંગ કેમ કરે છે ? તું મારી જેમ સ્કેટિંગ કર ને ! મને લાગે છે, કે તું એકદમ બેસ્ટ સ્કેટર બનીશ ને બધી કોમ્પિટિશન જીતીશ !’ મને થયું આ આલુને શું થયું છે ? મેં એને કહ્યું, ‘મારે નથી કરવું સ્કેટિંગ.’ તો મને કહે, ‘પ્રોમિસ, હું તને કાયમ ફર્સ્ટ આવવા દઈશ. તું વર્લ્ડનો બેસ્ટ સ્કેટર બની જઈશ’ આ આલુ કેવી વાત કરે છે ? હું અકળાઈ ગયો, ‘મારે નથી કરવું સ્કેટિંગ. સ્કેટિંગ મને ગમતું પણ નથી અને મને સ્કેટિંગ કેવી રીતે ફાવે ? હું કરવા જઉં તો મારી પાંખના કારણે હું ઊડી જઉં. વર્લ્ડનો બેસ્ટ સ્કેટર કે જંગલનો બેસ્ટ સ્કેટર. મારે સ્કેટર જ નથી બનવું ને ! કેવી વાત કરે છે તું.’અને પછી મારી વાત સાંભળ્યા વગર કહેવા લાગ્યો, ‘ચીલી તને યાદ છે ? તેં જયારે આપણી ફેન્ડશિપનું સોંગ બનાવ્યું હતું અને મને પહાડ પર લઈ જઈને સંભળાવ્યું હતું ?’ હું ગૂંચવાઈ ગયો, કે અત્યારે આલુ આ વાત કેમ કરી રહ્યો છે ? એણે મને પૂછ્યું, ‘નથી યાદ તને ? અરે, સામેના પહાડમાંથી તારા સોંગના પડઘા સાંભળીને મને તો એટલી મજા આવી ગઈ હતી !’

આ સાંભળતા જ મને એ દિવસ યાદ આવી ગયો. મેં આલુ માટે આ સોંગ બનાવ્યું હતું અને એના બર્થ ડે પર એને સંભળાવ્યું હતું. આલુ એટલો બધો ખુશ થઈ ગયો હતો કે એણે મારા સોંગ પર ડાન્સ કરવાનો પ્રયત્ન કર્યો હતો ! આ વાત યાદ કરતા જ મને હસવું આવી ગયું.ત્યાં આલુ બોલ્યો, ‘પણ ત્યારે તને તો સિંગિગ કરવું જરાય નહીં ગમ્યું હોય ને ? મેં પૂછ્યું, ‘કેમ ? મને તો સિંગિગ કરવાની બહુ જ મજા આવી હતી.’ તો મને કહે, ‘ત્યાં તો કોઈ તને સાંભળવા પણ નહોતું આવ્યું, મેં તને કોઈ પ્રાઈઝ પણ નહોતી આપી, તને કેવી રીતે મજા આવી ?’ આ કેવી વાત કરે છે, મેં તો એને તરત જવાબ આપ્યો, ‘હું કંઈ થોડું લોકોને સંભળાવવા ગાઉં છું, મને તો આમ પણ ગાવાનું ગમે છે. અને તારે મને થોડી પ્રાઈઝ આપવાની હતી, તને મારું સોંગ સાંભળવાની મજા આવી એ જ મોટામાં મોટી પ્રાઈઝ હતી.’આલુ એકદમ સીરિઅસ થઈને મને કહેવા લાગ્યો, ‘તો ચીલી, તું આટલી સિમ્પલ વાત કેવી રીતે ભૂલી ગયો કે તને ગાવાની મજા આવે છે, જીતવાની નહીં. મારી સાથે હોય કે એકલો હોય, ઉડતો હોય, સિંગિંગ કોમ્પિટિશન હોય કે ચીલી શેક પીતો હોય, તને ગાવાની જ મજા આવે છે. તું એટલે નથી ગાતો કેમ કે તું બેસ્ટ સિંગર બનવા માંગે છે, તું એટલે ગાય છે કેમ કે તને ગાવું ગમે છે ! બેસ્ટ જ બનવું હોત તો તું સ્કેટિંગ, ડાન્સિંગ કે બીજું કંઈ પણ કરી શકે ને. પણ તું સિંગિગ સિલેક્ટ કરે છે કેમ કે તને સિંગિગ ગમે છે.’

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...