ત્રણ મહિના પછી, ઉનાળાનું વેકેશન પૂરું થઈ ગયું હતું. સ્કૂલમાં નવા વર્ષનો પહેલો દિવસ હતો.
‘કોફી, તેં મને જે મ્યુઝિકનો નવો રાગ મોકલ્યો હતો ને, એના પર મેં અને ચીલીએ સોંગ બનાવ્યું હતું. અને થીઓના કેફેમાં એ સોંગ ગાયું. થીઓ અમારા સોંગમાં એટલો બધો ખોવાઈ ગયો કે એ રીઝો, જીફ્ફી અને ઝોઈનો ચીલી શેક પી ગયો !’, કોકો વિડિયો કોલમાં કોકી સાથે વાતો કરી રહી હતી. કોફી બોલી, ‘યાર કોકો, મને પણ તમારી સાથે મસ્તી કરવી છે. મેં તારો વિડિયો તારા મમ્મીને બતાવ્યો. વિડિયો જોઈને એમણે કહ્યું, કે તું તો એમના કરતાં પણ સરસ સિંગર બનીશ!’ આ સાંભળીને કોકોનો આનંદ હજુ વધી ગયો.
‘કો...કો...કો...કો... ક્યાં છે તુંઉઉઉ ?...’, કોઈ ગાતું ગાતું આવ્યું.
ગાવાનો અવાજ સાંભળીને કોફી કાન પર હાથ રાખીને બોલી. ‘આવી ગયો ?’ ‘હા...’, કોકો હસતા હસતા બોલી.
‘તું જલદી દરવાજો ખોલ. એ વધારે ગાશે તો જંગલમાં ગાવા પર બેન લાગી જશે.’, આમ કહી કોફીએ ફોન મૂકી દીધો.
દરવાજાની બહાર પાર્સલી કાન પર મોટા હેડફોન લગાવીને જોરજોરથી ગાઈ રહ્યો હતો. ‘કદાચ એ પોતે જ પોતાને નહીં સાંભળી શકતો હોય!’, કોકોએ મનમાં વિચાર્યું અને હસી પડી. એને હસતી જોઈને પાર્સલી બોલ્યો, ‘‘તું મારું સિંગિંગ સાંભળીને કેટલી ખુશ થાય છે ! મેં સવારે આલુભાઈ અને ચીલીને કહ્યું, કે ‘આપણે ગીતો ગાતા ગાતા કોકોને બોલાવવા જઈએ.’ સવાર સવારમાં કોઈએ મેથીનો લાડુ ખવડાવી દીધો હોય એવું બેઉનું મોઢું થઈ ગયું. ચીલીએ મને કહ્યું, ‘અમારે આલુની સ્કેટિંગ પ્રેક્ટિસમાં જવાનું છે.’ હું કંઈ બોલું એ પહેલા બંને જતા જ રહ્યા. પણ મેં વિચાર્યું છે કે આજે સાંજે થીઓના કેફે પર જ્યારે તમે ગીતો ગાશો, ત્યારે છેલ્લે હું પણ એક ગીત ગાઈશ. કદાચ મારું ગીત સાંભળીને મારો બેસ્ટ ફ્રેન્ડ મને શોધી લે !’’
‘તારું ગીત સાંભળશે તો તારો બેસ્ટ ફ્રેન્ડ દૂરથી જ ભાગી જશે.’, કોકો સાવ ધીમેથી બોલી.
‘હેં ?શું કીધું ?’, પાર્સલીએ પૂછ્યું.
‘કંઈ નહીં, ચલ આપણે સ્કૂલે જઈએ. તેં સ્કૂલના નોટિસ બૉર્ડ પર ‘ન્યૂ બેસ્ટ ફ્રેન્ડ’ માટેની જાહેરાત લગાવી છે ને ? એનું શું થયું એ પણ તો જોવું પડશે ને ?’, કોકોએ વાત બદલી નાખી.
પાર્સલી તો આ વિચારથી પાંખો ફેલાવીને ઊડવા માંડ્યો. કોકો પણ એની પાછળ ઘર બંધ કરીને નીકળી. એના મોઢા પર એક મોટી સ્માઈલ હતી. એને હજુ યાદ હતું, કે કઈ રીતે ડરતા ડરતા ચીલી એની માફી માગવા આવ્યો હતો. આલુની પાછળ છૂપાઈને ચીલી બોલ્યો હતો, ‘કોકો, સોરી, મેં તારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું. હવે હું ક્યારેય આવું નહીં કરું. હું તારી માટે ચીલી શેક પણ લાવ્યો છું.’
પછી એણે અડધો પીધેલો ચીલી શેક આપ્યો હતો અને પાછું બોલ્યો હતો કે, ‘સોરી, ટેન્શનમાં હું થોડો ચીલી શેક પી ગયો છું !’ જેના જવાબમાં હસીને આલુ બોલ્યો હતો, ‘થોડો જ ?’ અને ચીલી એ સાંભળીને, હતો એનાથી વધારે લાલ થઈ ગયો હતો. એને જોઈને કોકોને હસવું આવી ગયું હતું.
કોકોને હસતી જોઈને ચીલી આલુની પાછળથી બહાર આવ્યો અને કહ્યું, ‘હવે તેં મને માફ કરી દીધો છે તો હું તને કહેવા માગું છું, કે આપણે બેઉ એક બેન્ડ બનાવી દઈએ. બેન્ડનું નામ કોકો-ચીલી રાખીએ. અને તું જોજે આપણું બૅન્ડ આખા જંગલમાં બેસ્ટ હશે ! એમાં લીડ સિંગર આપણે બેઉ બનીશું અને થીઓના કેફે પર દર વીકે આપણું કોન્સર્ટ કરીશું ! તું અહીંયા રહીને દુનિયાની બેસ્ટ સિંગર બની જઈશ!’, આટલું બોલીને એ આકાશમાં ઊડીને ગાવા માંડ્યો !
કોકો થોડા આશ્ચર્ય અને શોક સાથે ચીલીની સામે જોઈ રહી. આલુ એની બાજુમાં આવીને બોલ્યો, ‘વેલકમ ટુ ધ ગ્રુપ કોકો ! ચીલી આવી રીતે જ ફ્રેન્ડશિપ કરે છે. હવે તારી ઈચ્છા હોય કે ના હોય એ તારો લાઈફ ટાઈમ (જીવનભર) ફ્રેન્ડ રહેશે. તારી ખુશીનું કારણ એ પોતે જ છે એવી રીતે વાતો કરશે અને તારા દુઃખમાં કોઈની પણ સાથે ઝઘડો કરી કાઢશે.’
એ દિવસથી કોકોને જંગલમાં એકલું નહોતું લાગતું. કોકો-ચીલી બેન્ડ બની ગયું. એમને સાંભળવા દર વીક (અઠવાડિયે) આખું જંગલ ભેગું થતું.
ચીલી અને કોકો રોજ સાથે સિંગિંગ પ્રેક્ટિસ કરતા હતા. પાર્સલીને આ પ્રેક્ટિસથી દૂર રાખવાની ડ્યૂટી આલુને મળી હતી. હવે પાર્સલીના જીવનમાં બે જ ધ્યેય હતા. ‘ચીલી જેવા સિંગર બનવું અને આલુભાઈ જેવો બેસ્ટ ફ્રેન્ડ શોધવો !’ આ બંને માટે એ કંઈ પણ કરી શકે તેમ હતો !
બસ, હવે ના કોઈ ઈર્ષા હતી, ના કોઈ એકલતા ! બધા સાથે હતા અને એટલે જ ખુશ હતા !



