આલુએ ચીલીને કહ્યું, કે એક અઠવાડિયા પહેલા કોકોના મમ્મી અને એનો બેસ્ટ ફ્રેન્ડ બંને શહેરની મોટી સ્કૂલમાં જતા રહ્યા છે. જે રીતે ચીલીએ આલુના ખરાબ ટાઈમમાં એનો સાથ આપ્યો હતો, એ રીતે આલુ પણ કોકોનો સારો ફ્રેન્ડ બનવા માંગતો હતો. જેથી કોકોને જંગલમાં એકલું ના લાગે.
હવે ‘મિત્રતા શું છે ? એકલી કોકો ફરે... ક્યારે મારાથી સૌ ખુશ થશે ? મનમાં સવાલ કરે...’ કોકોના આ સોંગનો મતલબ હવે ચીલીને સમજાયો હતો.
‘ચીલી, તું હારી જાત તો તારી પાસે તારા મમ્મી-પપ્પા છે, તારી સાથે હું છું., પાર્સલી પણ છે !’, આમ કહીને આલુએ બારી સામે જોયું. તો પાર્સલી ત્યાં મોંઢું ખુલ્લું રાખીને સૂઈ ગયો હતો. એના મોઢામાંથી લાળ ટપકી રહી હતી. પાર્સલી જ આવી રીતે ચાલુ વાતે સૂઈ શકે.
‘તારી પાસે અમે બધા છીએ, પણ કોકો...’
‘કોકો એકલી છે. એનો આત્મવિશ્વાસ પણ તૂટી ગયો હતો. એમાંય જો એ આ કોમ્પિટિશનમાં હારી જાત તો એ સાવ નિરાશ થઈ જાત. એ સહન કરી ના શકત. એનું જીતવું જરૂરી હતું. જો એ આમાં જીતે તો ફરી આવતા વર્ષે સ્કૂલમાં અપ્લાય કરી શકે. અને આખા જંગલમાં પહેલી આવે તો એને એડમિશન મળવામાં પણ હેલ્પ થાય!’ ચીલીએ આલુની વાત પૂરી કરી.
‘મારે તને આ જ કહેવું હતું, પણ તારી ઈર્ષાને કારણે તું કંઈ સાંભળવા તૈયાર જ નહોતો!’ આલુ બોલ્યો.
ચીલીને આલુના બધા વાક્યો યાદ આવ્યા.
‘ચીલી, આ વખતની સિંગિંગ કોમ્પિટિશનનો વિનર તો મને લાગે છે કે કોકો જ બનશે!’
‘આજે તું જીતે કે હારે... આપણે કોમ્પિટિશન પછી પાર્ટી કરીશું.’ કેમ આલુ કોકોનો સાથ આપતો હતો, એ અને પાર્સલી કોમ્પિટિશન પહેલાં શું વાત કરવા આવ્યા હતા, કેમ થીઓ અને જીફકી કોકોને એડવેન્ચર પર લઈ જવા માંગતા હતા, કેમ ચીલીની પાર્ટીમાં આલુ કોકોને લાવ્યો હતો, એ બધું એને સમજાઈ ગયું હતું.
સાથે એ પણ સમજાયું, કે ઈર્ષામાં આવીને એણે કોકોને કીધું હતું કે,
‘હાય કોકો, બેસ્ટ ઓફ લક ! તારા ઘરેથી કોઈ, તું જીતે એ જોવા આવ્યું નથી ? કદાચ એમને પણ ખબર હશે, કે તું નહીં જ જીતે.’
આલુની વાત સાચી હતી. આ ઈર્ષાએ એને આંધળો કરી દીધો હતો. ઈર્ષા ચીલીને તો બાળતી હતી, પણ સાથે સાથે એ બળતરામાં એણે કોકોને પણ ગમે તેમ બોલીને બાળી હતી.
‘આલુ, શું કોકો મને માફ કરશે ?’ ચીલી એકદમ ધીરેથી બોલ્યો.
‘છી...લી...ભાઈ... તારા જેવા બેસ્ટ ફ્રેન્ડને કોણ માફ ના કરે ? સાંભળ, હું આલુભાઈ જેવા બેસ્ટ ફ્રેન્ડ શોધું છું. તું એના માટે મને છાપાંની જાહેરાત લખી આપ. તો હું તને કોકોને મનાવવામાં મદદ કરીશ.’ પાર્સલીએ આંખો પટપટાવીને કહ્યું.
એની વાત સાંભળીને આલુ હસી પડ્યો. આલુને હસતો જોઈ ચીલી ઊડીને એની સૂંઢ પર વળગી ગયો અને બોલ્યો, ‘સાચું બોલ, તું આ પાર્સલીને દરરોજ ચીલી શેક પીવડાવે છે ને ? એને તારા જેવો જ બેસ્ટ ફ્રેન્ડ કેમ શોધવા છે ?’
આલુ હસતા હસતા બોલ્યો, ‘અરે, ચીલી, મારો શ્વાસ રૂંધાઈ ગયો, મારી સૂંઢ પરથી ખસ !’ ચીલીને બહુ મજા આવતી હતી. એ જોર જોરથી હસતો હતો. આલુ પણ બહુ ખુશ હતો. કેમ કે આખરે આટલા પ્રયત્નો પછી એને પોતાનો પહેલાં જેવો હસતો, બોલતો ચીલી મળી ગયો.



