એડજસ્ટ થવું એ કાર્યને સરળ બનાવે છે

આજે તન્વીનો જન્મદિવસ છે. તેણે સાંજે પાર્ટીનું આયોજન કર્યું છે. તેના લિસ્ટમાં મહેમાનો સાથે તેના બધાં મિત્રો પણ હતાં. સવારથી જ તેના ઉત્સાહનો પાર ન હતો. તેણે પાર્ટી માટે ખાસ ડ્રેસનો ઓર્ડર પણ આપ્યો છે. મગનભાઈ દરજી, તેને સાંજે 4:00 વાગ્યે ડ્રેસ પહોંચાડવાના છે.  તન્વી સાંજે 4 વાગવાની આતુરતાથી રાહ જોઈ રહી હતી. 

અંતે દરજી આવી પહોંચ્યો. તન્વીએ તેના હાથમાંથી ડ્રેસ ઝૂંટવી લીધો અને તેના ટ્રાયલ માટે દોડી. પરંતુ ડ્રેસ ખૂબ જ ટૂંકો અને ખૂબ ફિટ હતો. તન્વી મગનભાઈ પર ગુસ્સે થઈ ગઈ. મગનભાઈએ પોતાની ભૂલની માફી માંગી હોવા છતાં હવે કંઈ થઈ શકે તેમ ન હતું. તન્વીનો મૂડ બગડી ગયો. તે  તેના રૂમમાં જતી રહી અને પલંગ પર સૂઈને રડવા લાગી. પાર્ટી શરૂ થવાનો સમય થઈ ગયો હતો. તેની મમ્મીએ તેને બીજો ડ્રેસ પહેરીને પાર્ટી માટે તૈયાર થવા કહ્યું, પરંતુ તન્વીએ તેના પર ગુસ્સો કરતાં કહ્યું, "મારે પાર્ટી કરવી નથી. હું મારા રૂમમાંથી બહાર નહીં આવું, તેથી બધાને ઘરે પાછા મોકલી દો. " આટલું કહીને તે રડવા લાગી. ત્યાં જ તેની બેસ્ટ ફ્રેન્ડ અંકિતા આવી પહોંચી. "હેપ્પી બર્થડે, ડિયર તન્વી" ગાતી ગાતી તે તન્વીના રૂમમાં આવી. અંકિતાનો અવાજ સાંભળીને તન્વી પથારીમાં બેસી ગઈ.  "તન્વી, તું ક્યાં છે?" અંકિતાની બૂમ સાંભળીને તેણે ઝડપથી પોતાનો ચહેરો લૂછ્યો, "આવું છું, હમણાં જ. ડ્રેસ પહેરી રહી છું," તન્વીએ જવાબ આપ્યો અને પથારીમાંથી ઊઠીને તૈયાર થવા લાગી અને બીજો ડ્રેસ પહેરવા લાગી.

10 મિનિટમાં જ, તે તૈયાર થઈ અને તેના રૂમમાંથી બહાર આવી. ત્યાં સુધીમાં બીજા મહેમાનો અને તેના મિત્રો પણ આવી ગયા હતા. તન્વીને જોઈને, તેઓએ એકસાથે બર્થડે વિશ કરી. તન્વીએ પછી કેક કાપી. તેના મહેમાનો અને મિત્રોએ તેને ભેટો આપી, તેને ફરી એકવાર શુભેચ્છા પાઠવી. ત્યારબાદ જુદી જુદી રમતો રમાડવામાં આવી હતી. બધાને ગેમ રમવાની મજા પડી. પછી ડિનર અને છેલ્લે આઈસ્ક્રીમ સાથે પાર્ટી પૂરી થઈ અને બધાએ તન્વીનો આભાર માન્યો અને ચાલ્યા ગયા. 

જ્યારે બધા મહેમાનો ગયા, પછી તન્વીએ બધી ગીફ્ટસ ખોલી જેમાં તેની ગમતી અને જોઈતી વસ્તુઓ હતી. આનાથી તે ખુબ ખુશ થઈ ગઈ. 

 તન્વી ખૂબ થાકી ગઈ હતી, તેથી તેણે પથારીમાં જવાનું નક્કી કર્યું. તેને મનમાં વિચાર આવ્યો કે તેને પાર્ટીમાં ખૂબ જ મજા આવી. તે ખુશ હતી કે તેનો જન્મદિવસ નવા ડ્રેસને કારણે કેન્સલ ના થયો. ઉલટું, લોકોએ તેણે પહેરેલા બીજા ડ્રેસના વખાણ કર્યા હતા. તેને સમજાયું કે તેણે બિનજરૂરી રીતે તેના ડ્રેસને લઈને મોટો મુદ્દો બનાવ્યો હતો. એના કારણે તે અને તેની મમ્મી બંને દુઃખી હતા. તે દિવસથી, તેણે વસ્તુઓને જેમ છે તેમ સ્વીકારી અને સંજોગો પ્રમાણે એડજસ્ટ થઈ અને ઉદાસ કે જીદ્દી ન બનવુ જોઈએ તે શીખ્યું.

તો મિત્રો, જ્યારે વસ્તુઓ આપણી ઈચ્છા પ્રમાણે ચાલતી નથી, ત્યારે શું આપણે ખોટમાં જઈએ છીએ? ના, આપણે હજી પણ એડજસ્ટ થઈ અને તેના પર જીત મેળવી શકીએ છીએ. 

Related Links-

Magazine : Adjust Everywhere

Experiment Corner: To be happy, adjust everywhere

Video: Adjust Everywhere & Avoid Clashes

Video: Adjustments during meals