મતભેદ ટાળો

ઈશા અને નિશા બંને બહેનોને એકબીજા સાથે ખુબ બનતું હતું. તેઓ હંમેશા સાથે જ ભણતા, રમતા, જમતા અને એકબીજાની સંગતમાં ખુબ જ આનંદ કરતા.

બંને બહેનોની જિંદગી આનંદથી પસાર થતી હતી. ભણવાનાં દબાણને લીધે હવે તેઓ એકબીજા સાથે સમય પસાર કરી શકતા નહોતા. તેઓએ સ્કૂલ અને ટ્યૂશન ક્લાસમાં ઘણા નવા મિત્રો બનાવ્યા હતાં. આના લીધે તેમની વચ્ચે ઝગડા થવા લાગ્યા અને નાની-નાની વાતોમાં દલીલો અને ઘર્ષણ થવા લાગ્યા.

એકવાર તેમના મમ્મી-પપ્પા લેપટોપ લેવું કે સ્કૂટર લેવું તેની મૂંઝવણમાં હતા.

“લેપટોપ. મારા બધા મિત્રો પાસે લેપટોપ છે. તે સ્કૂલમાં અને ભણવામાં પણ ઉપયોગી થશે." નિશાએ તરત જ કહ્યું.

"લેપટોપની કોઈ જરૂર નથી." નિશાની વાતમાં ઈશાએ દખલ કરતાં કહ્યું, "જરા વિચારો, હું સ્કૂટર લઈને સ્કૂલે જાઉં તો મારો કેટલો સમય બચી જાય ! "

આ રીતે તેઓની વચ્ચે ફરીથી મતભેદ પડ્યો. મમ્મી-પપ્પાએ છેવટે સ્કૂટર લેવાનું નક્કી કર્યું.

"નિશા બેટા, તું જ્યારે કોલેજમાં આવીશ ત્યારે તને લેપટોપ લઇ આપીશુ." મમ્મીએ તેને આશ્વાસન આપ્યું. નિશા ઈશા પર એટલી બધી ગુસ્સે થઇ કે તેણે તેની સાથે બોલવાનું બંધ કરી દીધું. તેઓ એકબીજા સાથે એક અઠવાડિયા સુધી બોલ્યા નહીં.

થોડા દિવસો પછી આવો જ બીજો એક પ્રસંગ બન્યો. બંને બહેનોની પરીક્ષા પૂરી થઇ એટલે તેમના પપ્પાએ વેકેશનમાં તેઓને બહાર ફરવા લઇ જવાનું વિચાર્યું.

"દીકરીઓ, આપણે ક્યાં ફરવા જવું છે ?“ પપ્પાએ ઉત્સાહથી પૂછ્યું.

"પપ્પા, ચાલો આપણે કોઈ હિલ સ્ટેશન પર જઈએ." ફરવા જવાનું નામ સાંભળતાં જ નિશાએ ઉત્તેજિત થઈને કહ્યું.

"ના, પપ્પા, હિલ સ્ટેશન નહીં. ચાલો, આપણે રાજસ્થાન જઈએ. કેટલા વર્ષોથી મને રાજસ્થાન જવાનું મન છે." ઈશાએ દલીલ કરી.

બીજી બધી બાબતોનો વિચાર કર્યા પછી મમ્મી-પપ્પાએ તેઓને રાજસ્થાન લઇ જવાનું નક્કી કર્યું.

"નિશા, આવતા વર્ષે આપણે હિલ સ્ટેશન જઈશું. આ વર્ષે આપણે રાજસ્થાન જઈએ." મમ્મીએ નિશાને મનાવવાની કોશિશ કરી. પરંતુ નિશા ઈશાથી ખુબ નારાજ થઇ ગઈ.

"જા, હવે હું તારી સાથે ક્યારેય નહીં બોલું. તું હંમેશા તારું ધાર્યું કરાવે છે," આમ કહીને નિશા રડતા રડતા પોતાના રૂમમાં જતી રહી.

રાજસ્થાન પહોંચ્યા પછી પણ નિશા બધી જગ્યાએ મોઢું ચડાવીને ફરતી હતી. એક સાંજે તેના પપ્પાએ તેને ખુશ કરવા માટે ઊંટ સવારી કરવા લઇ જવાનું નક્કી કર્યું. એ સમયે મમ્મી અને ઈશાએ બજારમાં ખરીદી કરવા જવાનું નક્કી કર્યું. જેવા તેઓ ખરીદી કરીને હોટલની રૂમમાં દાખલ થતા હતા ત્યાં જ મમ્મી પર ઈશાના પપ્પાનો ફોન આવ્યો.

"હેલ્લો," મમ્મીએ ધીમેથી કહ્યું.

"શું ?" મમ્મીના કપાળ પર કરચલીઓ પડી અને ગાલ પરથી આંસુ સરવા લાગ્યા. ઈશા સમજી ગઈ કે કંઈક અઘટિત બન્યું છે. મમ્મીનો ફોન ક્યારે પૂરો થાય તેની તે આતુરતાથી રાહ જોવા લાગી.

"ઊંટ સવારી દરમ્યાન નિશા પડી ગઈ છે. તેને ખુબ જ ઇજા થઇ છે. પપ્પા તેને બાજુની હોસ્પિટલમાં લઇ ગયા છે." મમ્મીએ આંસુ લૂંછતાં કહયું.

"શું?" ઇશાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. હોસ્પિટલ સુધી પહોંચતા, ઈશાનાં મનમાં અનેક જાતનાં વિચારો આવવા લાગ્યા. તેના કાનમાં નિશાના શબ્દોના પડઘા સંભળાવા લાગ્યા, "જા, હવે હું તારી સાથે ક્યારેય નહીં બોલું!" આ શબ્દો યાદ આવતાં તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી.

તેઓ હોસ્પિટલ પહોંચ્યા. નિશાને ઓપરેશન રૂમમાં લઇ ગયા હતાં. ઈશા નાનપણથી આજદિન સુધી નિશા સાથે વિતાવેલ સુંદર ક્ષણો યાદ કરવા લાગી. સાથેસાથે બધા ઝગડા અને પ્રસંગો કે જેના લીધે તેઓએ એકબીજા સાથે બોલવાનું બંધ કરી દીધું હતું તેના પર પસ્તાવો કરવા લાગી.

થોડીવાર પછી ડોકટર આવ્યા. પપ્પાના ખભા પર હાથ મૂકીને ખાતરી આપતાં કહ્યું, "ખાસ કંઈ ગંભીર નથી. જડબામાં ફ્રેક્ચર થયું છે. રૂઝ આવતાં બેથી ત્રણ મહિના લાગશે. સાચું કહું તો તમારી દીકરી સહેજમાં બચી ગઈ છે ! જો તેને માથામાં ઇજા થઇ હોત તો બહુ મોટી તકલીફ થઈ હોત."

નિશા જયારે ભાનમાં આવી ત્યારે તેણે ઈશાને પોતાનો હાથ પકડીને બેઠેલી જોઈ. તે કંઈક કહેવા માંગતી હતી પણ તે મોઢું ખોલી નહોતી શકતી. તેણે મમ્મીને પેન અને પેપર આપવા ઈશારો કર્યો. તેણે કંઈક લખીને પેપર ઈશાને આપ્યું. ઈશા વાંચવા લાગી, "તારી સાથે નહીં બોલવાના બોજા કરતા આ ફ્રેક્ચરનો દુઃખાવો ઓછો છે."

આ વાંચતા જ ઈશા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તે નિશાના હાથને પ્રેમથી પંપાળવા લાગી અને બંને એકબીજા તરફ સ્મિત કરીને જોવા લાગ્યા.