આખા ક્લાસમાં બધા જાણતા હતા કે, સાચા સ્પેલિંગ લખવામાં સ્તુતિ સૌથી વધારે હોશિયાર હતી. ‘એન્સાયક્લોપીડિયા’ અને ‘અમેન્ડમેન્ટ‘ જેવા અઘરા શબ્દોના સ્પેલિંગ પણ તે સરળતાથી લખી શકતી હતી. દરેક અઠવાડિયાની પરીક્ષામાં (વીક્લી ટેસ્ટમાં) તેના પૂરા માર્કસ આવતા.
તેના અંગ્રેજીના ટીચર મિસ ડેઇઝીએ સ્પેલિંગની ટેસ્ટ માટે એક નિયમ બનાવ્યો હતો કે, જેના પણ ૬૦% સ્પેલિંગ સાચા નહીં પડે, તે બધાએ, તે પછીના અઠવાડિયાની સ્પેલિંગ ટેસ્ટ માટે એકે એક શબ્દ પચાસ વખત લખવો પડશે. સ્તુતિની બાજુમાં બેસનારી સીમાને સ્પેલિંગ લખવામાં કાયમ તકલીફ પડતી. ગયા ગુરુવારે તેને ૫૬% આવ્યા તેથી તેને દરેક શબ્દ ૫ચાસ વખત લખવાનો હતો.
સ્તુતિને સાચા સ્પેલિંગ લખવાની પોતાની આવડત પર એટલો બધો વિશ્વાસ આવી ગયો હતો, કે હવે આવનારી સ્પેલિંગની ટેસ્ટ માટે નહીં ભણવાનો તેણે નિર્ણય કરી લીધો હતો. પરીક્ષા ચાલુ થઇ મિસ ડેઈઝીએ દરેક શબ્દનો ઉચ્ચાર કર્યો અને તેને રીપીટ કર્યો(ફરીથી કહ્યો). જ્યાં સુધી તેઓ ‘હૅંકર્ચિફ’ શબ્દ નહોતા બોલ્યા, ત્યાં સુધી બધું બરાબર હતું. સ્તુતિએ h-a-n-d-k-e-r-c-h લખ્યું... પણ પછી શું આવે ?? 'i'... કે 'e'... ? તેને કંઈ જ યાદ નહોતું આવતું.
મિસ ડેઇઝી પછી આગળનો શબ્દ બોલ્યા. સ્તુતિને યાદ આવ્યું કે સીમાને સ્પેલિંગ જરૂર યાદ હશે !! કારણ કે સીમાએ એ શબ્દ પચાસ વખત લખ્યો હતો.
સ્તુતિ અને સીમાની વચ્ચે ઘણી જગ્યા ખાલી હતી. સ્તુતિએ જમણી બાજુ નજર ફેરવી. સીમાના લખેલા શબ્દોમાંથી તેણે પેલો શબ્દ શોધી લીધો અને પછી તરત જ તેણે પોતાના પેપર પર નજર ફેરવી લીધી અને “i-e-f” લખીને શબ્દ પૂરો કરી લીધો.
જ્યારે મિસ ડેઈઝીએ છેલ્લો સ્પેલિંગ લખવા માટેનો શબ્દ કહ્યો, ત્યારે સ્તુતિ ચિંતામાં અને ડરેલી હતી. તેણે પોતાના જીવનમાં પહેલીવાર ચીટીંગ કરી હતી. તેણે વિચાર્યું, “શું આ રીતે એક ચીટર બનીને (કપટ કરીને) મારે મારો સૌથી વધારે સ્કોર લાવવાનો રેકોર્ડ જાળવી રાખવો જોઈએ ?”
અકળાઈને તેણે પહેલા જે લખ્યું હતું તે ભૂંસી નાખ્યું અને તેની જગ્યાએ તેને જે ખોટો જવાબ તે જાણતી હતી તે જ લખી નાંખ્યો. તેણે “e-i-f” લખ્યું. તેણે પરસેવાવાળા હાથમાંથી પેન્સિલ નીચે મૂકી અને આગળ જઇને ટેસ્ટ પેપર આપી આવી. પછી તેણે નિરાંતનો શ્વાસ લીધો. તેણે વિચાર્યું, “ભલે મારો પરફેક્ટ સ્કોર જળવાઈ નહીં રહે પણ મારી પ્રામાણિકતા તો જળવાઈ રહેશે ને !”
બોધ: એક કહેવત છે કે, "પ્રામાણિકતાએ શ્રેષ્ઠ નીતિ છે". જયારે પણ તમે અપ્રમાણિક બનો, ત્યારે પ્રતિક્રમણ કરો. અપ્રામાણિકતાને અપ્રામાણિકતા તરીકે ઓળખો અને તેના પસ્તાવા લો. જે ભૂલનો પસ્તાવો કરે છે તે એક પ્રામાણિક વ્યક્તિ છે જ ! એમાં શંકાને કોઈ સ્થાન નથી. દાદાશ્રી કહે છે કે, પ્રામાણિકતા એ સૌથી ઊંચામાં ઊંચો ધર્મ છે અને અપ્રામાણિકતા એ સૌથી મોટી મૂર્ખામી છે.
Related Links:
Stories- મહાત્મા ગાંધીજીની પ્રામાણિકતા
Moral Story in English- Honesty