નેહાની નાની બહેને એના વિજ્ઞાનના પ્રોજેક્ટ પર પાણી ઢોળ્યું હતું તેથી નેહા ખુબ જ ઉદાસ હતી. આ કંઈ પહેલીવાર ન્હોતું બન્યું કે એની બહેને એનું સ્કુલનું કામ બગાડયું હોય. તેથી નેહાએ એના માતા-પિતાને ખાનાવાળું એક ટેબલ ખરીદવાની વિનંતી કરી જેથી તે પોતાની ચોપડીઓ તેમાં સલામત રીતે રાખી શકે.
નેહાના માતા-પિતા તેના માટે નવું ટેબલ ખરીદી શકે તેમ નહોતા. છતાં તેઓ સેકન્ડ હેન્ડ ફર્નિચરના સ્ટોરમાંથી એક ટેબલ ખરીદવા સહમત થયા. એક દિવસ સ્કુલથી આવ્યા બાદ નેહાને તેની મમ્મી જૂના ફર્નિચરના સ્ટોરમાં લઇ ગઈ જેથી તે પોતાની પસંદગીનું ટેબલ ખરીદી શકે. સ્ટોરમાં ખાસ પસંદ પડે તેવું કંઈ હતું નહીં, છતાં એણે આજુબાજુ જોવાનો ડોળ કર્યો.
અચાનક એણે એક જૂના કાળા ટેબલનું ખાનું ખોલ્યું. તમને ખબર છે તેમાંથી શું મળ્યું ? એક નાની પ્લાસ્ટિકની થેલી જેમાં પૈસાની થોડી નોટો હતી.
"કદાચ મને કોઈનો ગુપ્ત ખજાનો મળ્યો લાગે છે. શું હું બાર વર્ષની સૌથી નસીબદાર છોકરી છું ? બહુ જલ્દી મારી બર્થ ડે આવવાની છે. આ પૈસાથી હું મારા માટે ઘણી બધી ગીફ્ટ ખરીદી શકીશ... કદાચ એક સાયકલ, સ્ટેશનરી અથવા કપડાં... અને કદાચ હું મારા પરિવાર માટે પણ કંઈક ખરીદી શકીશ,” નેહાએ વિચાર્યું. એનું મન લાલચથી ભરાઈ ગયું અને એણે તરત જ તે પ્લાસ્ટિકની થેલી ખાનાના અંદરના ભાગમાં મૂકી દીઘી.
એ એની મમ્મી પાસે ગઈ અને પેલું કાળું ટેબલ ખરીદવા ઈચ્છા વ્યક્ત કરી. તે ટેબલ બહુ જૂનું લાગતું હોવાથી નેહાની મમ્મીએ એને બીજું કંઇક પસંદ કરવા કહ્યું. "ના, મને આ જ ગમે છે. હું તેને કલર કરીશ અને થોડા સ્ટીકરો લગાવીશ જેથી તે સુંદર લાગશે", નેહાએ ભારપૂર્વક જણાવ્યું. અંદરખાને એને ડર લાગતો હતો પણ લાલચે એને ખોટું બોલવાની પ્રેરણા આપી.
એના રૂમમાં ટેબલ ગોઠવાઈ ગયા પછી નેહા બધાનાં રૂમની બહાર જવાની આતુરતાથી રાહ જોવા લાગી. એણે રૂમ લોક કર્યો અને જલ્દીથી ટેબલનું ખાનુ ખોલી રૂપિયાની નોટોવાળી પ્લાસ્ટિકની થેલી બહાર કાઢી. પૈસાની થેલીમાં એક ચિઠ્ઠી પણ હતી. કોઈ વૃદ્ધ મહિલા પોતાના છોકરાઓ અને પૌત્રો માટે પૈસા ભેગા કરતી હોય તેવું લાગતું હતું. નેહા પૈસા ગણાવા લાગી. એના હ્રદયના ધબકારા ખુબ વધી ગયા જ્યારે એને ખબર પડી કે થેલીમાં કુલ ૧૨ હજાર રૂપિયા હતા.
એને વિચાર આવ્યો કે, હવે આટલા બધા પૈસા વાપરવા માટે એને કેટલું બધું જૂઠું બોલવું પડશે. એને કાયમ એ પૈસાને સંતાડીને રાખવા પડશે અને અત્યારે પણ પૈસાના કારણે તે ડરેલી તો હતી જ. એણે વિચાર્યું, "આ પૈસા મારા માટે નથી. વૃદ્ધ મહિલા પોતાના કુટુંબ માટે આ પૈસા બચાવતી હતી. કદાચ એમનું મૃત્યુ થયું હશે અને ટેબલના ખાનામાં પૈસા હશે તેની કોઈને જાણ નહી હોય. તેથી કુટુંબના લોકોએ સેકન્ડ હેન્ડ ફર્નીચર સ્ટોરમાં ટેબલ વેચી દીધું હશે.”
નેહાએ પોતાના ગયા અઠવાડિયા વિષે વિચાર્યું, "પહેલા તો હું ગણિતની પરીક્ષામાં નાપાસ થઇ અને પછી મારી નાની બહેને મારો વિજ્ઞાનનો પ્રોજેક્ટ બગાડી નાખ્યો. આ વર્ષે હું સ્પોર્ટ્સ ટીમમાં પણ સિલેક્ટ ના થઇ અને છેલ્લે, મને આ ખજાનો એવા સમયે મળ્યો જ્યારે મારી બર્થ ડે નજીક આવી રહી છે ! છતાંપણ મને કોઈ ખુશી નથી થઇ રહી... શા માટે ? આમ તો એને આ વાતનો જવાબ ખબર જ હતો. જે ક્ષણથી એણે ચોરી કરવાનું વિચાર્યું ત્યારથી જ એને પકડાઈ જવાનો ડર સતાવતો હતો. એ જાણતી હતી કે આ પૈસા વાપરવા માટે એને જૂઠું બોલવું પડશે અને એક જૂઠ છૂપાવવા માટે બીજા અનેક જૂઠ બોલવા પડશે. નેહાના મનની શાંતિ ખોવાઈ ગઈ હતી પણ એને સાચા-જૂથની પરખ હતી. થોડીવાર માટે એ પોતાની પ્રામાણિકતા ગુમાવી ચૂકી હતી પણ હવે તેને પાછી મેળવવા માંગતી હતી.
એણે પોતાના માતા-પિતાને રૂમમાં બોલાવ્યા અને તેઓને પ્લાસ્ટિકની થેલી બતાવી. એણે કબુલ કર્યું કે પ્લાસ્ટીકની થેલી એને સ્ટોરમાં જ જોઈ હતી પણ લાલચમાં આવીને એણે ચોરી કરી હતી. "ચાલો, આપણે પાછા સ્ટોરમાં જઈએ અને વૃદ્ધ મહિલાના કુટુંબની તપાસ કરીએ", નેહાએ એના માતા-પિતાને કહ્યું. નેહાના માતા-પિતાએ એને ઠપકો ના આપ્યો પરંતુ એની પ્રામાણિકતાની પ્રશંસા કરી.
સ્ટોરના માલિકને આ વાત સાંભળીને એકદમ નવાઈ લાગી. "તમને બાર હજાર રૂપિયા રોકડા મળ્યા અને તે તમે અહીં પાછા આપવા આવ્યા છો?" તેણે આશ્ચર્યથી પૂછ્યું. પોતાના રેકોર્ડમાંથી એણે તે કુટુંબનો ફોન નંબર શોધી કાઢ્યો. થોડીક મિનિટમાં જ તે કુટુંબ સ્ટોરમાં આવ્યું. તે કુટુંબની પરિસ્થિતિ નેહાના કુટુંબ જેવી જ હતી. એ લોકો વૃદ્ધ મહિલાના મૃત્યુ માટે હજી પણ દુઃખી હતા અને તેઓને પૈસાની પણ જરૂરિયાત હતી. તેઓ પૈસાની મદદ માટે પ્રાર્થના કરતાં હતાં અને જાણે ભગવાને તેમની પ્રાર્થનાના જવાબરૂપે નેહાને મોકલી હોય એવું બન્યું. નેહાના માતા-પિતાની આંખોમાં આંસુ આવી ગયા.
નેહાએ વિચાર્યું, "ચોરી કર્યા પછી મને એક પણ વાર ખુશી નહોતી થઈ. કોઈ નવી સાયકલ કે કપડાં મને આવી ખુશી ના આપી શકે. હું ગણિતની પરીક્ષામાં ભલે નાપાસ થઇ પણ એનાથી પણ વધારે અગત્યની એક પરીક્ષામાં હું પાસ થઇ ગઈ - મારી 'ખોવાયેલ અને મળેલ' પ્રામાણિકતાની પરીક્ષા.
બોધ: માણસને જૂઠું બોલવાનો વિચારમાત્ર પણ બોજારૂપ અને ડરામણો લાગવો જોઈએ. દાદાશ્રી કહે છે, "જો માણસ પોતાના સ્વાર્થ માટે જૂઠું બોલે તો તેના પરિણામ સ્વરૂપે તેનો આવતો જન્મ પશુ યોનિમાં થાય. જો માણસના પુણ્યનો ઉદય ચાલતો હોય તો કદાચ એનું જૂઠ આ જન્મમાં ના પકડાય પણ આવતા જન્મમાં એની સજા ચોક્કસ મળે જ. પછીના જન્મમાં સાચું બોલવા છતાં તેના પર જૂઠું બોલવાનો આક્ષેપ આવે. જૂઠું બોલવાના કારણે અમુક લોકો જન્મથી જ મૂંગા હોય છે અને આ એક પ્રકારની સજા જ છે.
Related Links-
Article on Honesty