મિસ્ટેક માસ્ટર પાર્ટ-1

આઠ વર્ષનો ટિમી ખૂબ જ હોશિયાર છોકરો હતો. તે બધી શાકભાજી ખુશીથી ખાતો, મમ્મી-પપ્પાને કોઈ ફરિયાદ કર્યા વગર મદદ કરતો અને દરરોજ રાત્રે સૂતા પહેલાં દાંત સાફ કરવાનું પણ ક્યારેય ભૂલતો નહીં!

પણ એક બાબતમાં ટિમી થોડો કાચો હતો. નવી વસ્તુઓ ટ્રાય કરવામાં.

હકીકતમાં, જો તે કોઈ કામમાં એક વાર પણ નિષ્ફળ જાય, તો તે ફરી ક્યારેય એ કામ કરવાનો પ્રયત્ન કરતો નહીં.

ટિમી માટે ભૂલ એટલે એક રાક્ષસ.

જો શાળામાં ડ્રોઈંગ કોમ્પિટીશનની જાહેરાત થાય, તો તેના મનમાં અવાજ આવતો, “જો શાહી ફેલાઈ જશે તો? બધા તને ફેઈલ ગણશે!”

જો મિત્રો તેને દોડમાં ભાગ લેવા બોલાવે, તો મન ફરી કહેતું, “જો તું પડી જઈશ તો? બધા તારી મજાક ઉડાવશે!”

આ રાક્ષસોથી બચવા માટે ટિમી પ્રયત્ન કરવાનું જ બંધ કરી દેતો. તે હંમેશા એવી જગ્યાએ જ રહેતો જ્યાં તેનાં ઓળખીતા હોય એટલે કંઈ ખોટું થવાની શક્યતા ન હોય.

એક મંગળવારની રાત્રે, ટિમી પોતાના ટિમી બેડ પર સૂતો હતો. અચાનક તેની ખુલ્લી બારીમાંથી ચમકતો વાદળી પવન અંદર આવ્યો અને તેની આસપાસ ફરવા લાગ્યો.

“ચાલ ટિમી,” પવને ધીમેથી કહ્યું, “તું સિલેક્ટ થયો છે.”

ટિમી કંઈ બોલે એ પહેલાં જ વ્હ્યુશ....!!

પવન તેને પથારી પરથી ઊંચકીને વાદળોની વચ્ચે લઈ ગયો.

જ્યારે તેના પગ જમીન પર પડ્યા, ત્યારે ટિમી આશ્ચર્યથી જોઈ રહ્યો.

એ એક અદ્ભુત દુનિયામાં ઊભો હતો! અહીં વૃક્ષોએ રંગબેરંગી ઊનની ટોપીઓ પહેરી હતી, વાદળો હાલરડાં ગાઈ રહ્યા હતા અને ઘાસ મખમલ જેટલું નરમ લાગતું હતું.

એટલામાં મોટા ચશ્માં અને નાનું કોટ પહેરેલું એક સસલું કૂદતું કૂદતું એની પાસે આવ્યું.
“સ્વાગત  છે!” સસલાએ ચશ્માં સરખાં કરતાં કહ્યું. “હું પ્રોફેસર હોપલ છું.

તું બરાબર સમયે આવ્યો છે. આજે અમારો સૌથી ખાસ દિવસ છે, ‘ડગમગતા પુલ પર ચાલવાની સ્પર્ધા!’ અહીં અમે ભૂલોની ઉજવણી કરીએ છીએ!”

“ભૂ... ભૂલોની?” ટિમીએ ગભરાઈને એક પગલું પાછળ લીધું. “હું તો એ કરતો જ નથી!”

“અરે, એ તો કેટલું બોરિંગ કહેવાય!” પ્રોફેસર હસ્યા. “અહીં ભૂલ એટલે, રમૂજી વેશમાં આવેલો ટીચર. જો, હું તને બતાવું!”

આકાશમાં બે તરતા ટાપુઓ વચ્ચે એક રંગબેરંગી પુલ હતો. પણ તે મજબૂત નહોતો. તે જેલીની જેમ હલતો-ડુલતો હતો.

એક નાનકડો ઉંદર પુલ પર ચડ્યો.

એક પગલું...
બે પગલાં...
ત્રણ પગલાં...

અચાનક એ ડગમગાયો અને પુલની બાજુમાંથી નીચે પડી ગયો!

ટિમીએ તરત આંખો બંધ કરી દીધી. એને લાગ્યું હવે ઉંદર રડશે.

પણ આશ્ચર્ય!

બધા લોકો ખુશીથી તાળીઓ પાડવા લાગ્યા!

ઉંદર નીચે એક નરમ જાંબલી વાદળ પર પડ્યો હતો.

ત્યારે હવામાંથી મોટા કાનવાળું નાનકડું ગુલાબી પ્રાણી દેખાયું.

“હું સ્લિપી છું!” તે હસીને બોલ્યું. “તું બહુ ડાબી બાજુ ઝૂકી ગયો હતો, એટલે પડ્યો. બીજીવાર ઘૂંટણ થોડાં વાળજે!”

ઉંદરે તેનો આભાર માન્યો અને ફરી પુલ પર ચડી ગયો.

ટિમી આશ્ચર્યમાં પડી ગયો.

“ભૂલનું પણ નામ હોય?”

અને...

“એ મદદ પણ કરે?”

“હવે તારો વારો, ટિમી!” પ્રોફેસર હોપલે ઉત્સાહથી કહ્યું.

શું ટીમી હિંમત કરશે? વાંચો મિસ્ટેક માસ્ટર – ભાગ-2 !

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...