મોટુમલનો ઉપવાસ

ગ્રીનલેન્ડના જંગલમાં એક દિવસ કુદકુદ કુમાર વાનરભાઈ, અને ટપકુ ટપોરી જિરાફભાઈ નદી કિનારે પાણી પીવા આવ્યા. ત્યાં તેમને પાણી પીવા આવેલા મોટુમલ હાથીભાઈ મળ્યા.

કુદકુદ કુમાર અને ટપકુ ટપોરીને મસ્તી સૂઝી, એટલે તેમણે મોટુમલ હાથીને ચીડવવાનું ચાલુ કર્યું, “આ હાથીના કારણે આપણને પાણીની તંગી અને ખાવાની અછત પડે છે!” આ સાંભળીને, મોટુમલને ખૂબ જ દુઃખ થયું, પણ તે કંઈ જ બોલ્યા વગર દૂર જતો રહ્યો. તે દિવસથી તેણે ખાવા-પીવાનું બંધ કરી દીધું. દિવસે દિવસે તે સુકાતો ગયો અને છેવટે માંદો પડયો.

ગ્રીનલેન્ડના રાજા શૌર્યને મોટુમલના ઉપવાસ વિશે સમાચાર મળ્યા. તેમણે બધા જ પ્રાણીઓને સભામાં બોલાવીને સમજાવ્યું, “દરેક પ્રાણી પોતાની જરૂરિયાતનું ખાય અને પોતાની ઢબે જીવે છે. આપણે કોઈને દુઃખ ન અપાય.”

કુદકુદ કુમાર અને ટપકુ ટપોરીને પોતાની ભૂલ સમજાઈ ગઈ. બધા જ પ્રાણીઓ મોટુમલની ખબર પૂછવા આવ્યા. કુદકુદ કુમાર અને ટપકુ ટપોરીએ દિલથી માફી માંગીને મોટુમલને વિનંતી કરી કે તે પોતાનો ઉપવાસ બંધ કરીને કંઇક ખાય. એના પછી ગ્રીનલેન્ડના જંગલમાં બધા જ પ્રાણીઓ હળીમળીને પ્રેમથી રહેવા લાગ્યા.  

આપણા શબ્દો એ તીર જેવા હોય છે, એટલે સાચવીને બોલવાના.