ઈર્ષાળુ વેગવતી

ભારતના મૃણાલકુંડ નગરમાં શ્રીભૂતિ નામનો પુરોહિત વસતો હતો. તેને સરસ્વતી નામની પત્ની અને વેગવતી નામની પુત્રી હતી. આ કુટુંબને લોકો આદર આપતા.

Vagvati1

એક વાર તે નગરમાં તપસ્વી, જ્ઞાની ને વૈરાગી મુનિરાજ પધાર્યા. લોકો તેમનાં દર્શન-વંદને જવા લાગ્યા. મુનિરાજનો મહિમા દિવસે-દિવસે વધવા લાગ્યો. માણસની કરુણતા છે કે કોઈક વાર તેને બીજાની ઈર્ષા-બળતરા હેરાન કરે છે. જીવને પોતાને નથી મળ્યું તેનું જ ફક્ત દુઃખ નથી, પણ બીજાને સારું મળ્યું તેનું પણ દુઃખ છે. આ દુઃખમાંથી કોણ ઉગારે ? મુનિની પ્રશંસા-પ્રતિષ્ઠા સાંભળી વેગવતી બિચારી બળવા લાગી ને છેવટે તેનાથી ન રહેવાયું એટલે લોકોને કહેવા લાગી : "આ મહારાજ તો ઢોંગી છે. બ્રાહ્મણ જેવા પાત્રને મૂકી તમે આવાં ભમતા સાધુને પૂજવા દોડી જાઓ છો, પણ તેના ચરિત્રની તમને જાણ નથી."

Vagvati2

લોકોને કોઇનું ખરાબ સાંભળવાનો રસ ભારે. સારા કરતાં કોઈનું ખરાબ બોલતું હોય એ સાંભળવામાં લોકોને ભારે રસ હોય છે. અહીં વેગવતી બોલવા જ બેઠી હતી, તો શું બાકી રાખે? એણે તો સાધુ માટે જેમ તેમ બોલવા માંડયું. સાધુ પુરુષની હલકી વાત વાયુવેગે નગરમાં પ્રસરી ગઈ ને કેટલાકે સાચી પણ માની લીધી. ઘણા લોકો મહારાજ પાસે જતા બંધ થઈ ગયા. આ જાણી મુનિને ઘણું દુઃખ થયું. "મારા લીધે શાસનની શાનને ધક્કો લાગે એ મારાથી કેમ સહન થાય ?" તેમણે નિયમ કર્યો કે ' જ્યાં સુધી આ કલંક ઊતરે નહીં ત્યાં સુધી મારે આહાર-પાણીનો ત્યાગ.' અને તેઓ ધ્યાનમાં બેસી ગયા. ખરી રીતે તો મુનિ પવિત્ર હતા તેથી શાસનદેવી (ધર્મરક્ષક દેવી) એમની સહાયે આવ્યા. વેગવતીને ભયંકર માંદગી આવી. એ પીડાથી તરફડવા લાગી. ઘણા બધા ઉપચાર કર્યા પણ બધા જ નિષ્ફળ ગયા. એની પીડા વધતી જ ગઈ. એને વિચાર આવ્યો, 'મેં મુનિને કલંક આપ્યું તેનું જ આ પરિણામ છે.' તેને પોતાના કર્યા પર ખૂબ પશ્ચાતાપ થયો. નગરજનો સમક્ષ એણે મુનિરાજની માફી માગી અને પોતાની ભૂલ સ્વીકાર કરતાં કહ્યું, "આપ અગ્નિની જેમ પાવન છો, મેં જ ઈર્ષાને લીધે આપને કલંક આપ્યું છે. આપ તો દયાના સાગર છો. મને ક્ષમા આપો. આજ પછી હું આવી ભૂલ ક્યારેય નહીં કરું." આમ ખૂબ હૃદયપૂર્વક પશ્ચાતાપ કરતાં એણે દેવીને પીડામુક્ત કરી. બિમારીથી સવસ્થ થયા પછી એણે ઉપદેશ સાંભળ્યો અને દીક્ષા લઈ સંયમના માર્ગે ચાલી નીકળી. આ બાજુ મુનિનો પણ જયજયકાર થયો. વેગવતી આયુષ્ય પૂરું કરી સ્વર્ગે ગઈ.

Vagvati3

ત્યાંનું આયુષ્ય પૂરું કરી એ રાજાને ત્યાં રાજકુમારી તરીકે અવતરી. પૂર્વભવમાં મુનિને ખોટું આળ દેવાના અપરાધના કારણે એ ભવમાં એને કલંકિત થઈ વનવાસ તથા એકલવાસનાં દુઃખો ભોગવવા પડ્યા.

જોયું મિત્રો, કોઈના માટે ઊંધું બોલવું કેટલું જોખમકારક છે. એમાં પણ કોઈ સાધુ-સંતોનું તો ક્યારેય ઊંધું બોલાય નહીં અને સંભળાય પણ નહીં અને જ્યારે ભૂલનું ભાન થાય ત્યારે પશ્ચાતાપ કરવો. ર્હદયપૂર્વકનો પશ્ચાતાપ તમામ ગુનો ધોઈ નાખે છે.

માટે રોજ ભાવના ભાવવી કે, 'હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ, સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ (ઊંધું બોલવું), અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો.'