આપણે જોયું કે બાહુબલી યુદ્ધ જીતવાની તૈયારીમાં જ હતા ને એમને વૈરાગ્ય આવે છે અને જે મુઠી ભરત રાજાને મારવા ઊગામી હતી એ જ મુઠીથી પોતાના વાળ ખેંચી , દીક્ષા લઇ જંગલમાં સાધના કરવા ચાલ્યા જાય છે .હવે જોઈએ ,આગળ શું બને છે …
દીક્ષા લીધા પછી તેઓ પણ ઋષભદેવ ભગવાન સાથે રહી સાધના કરવાનું વિચારે છે .ત્યાં જ એમને એમના ૯૮ ભાઇઓ યાદ આવે છે .પિતા જોડે એમના ૯૮ નાના ભાઇઓએ પણ દીક્ષા લીધી હતી .હવે દીક્ષામાં કેવું હોય કે જેમણે પહેલા દીક્ષા લીધી હોય તેઓં ભલે ઉમરમાં નાના હોય છતાં દીક્ષાના માર્ગમાં મોટા કહેવાય .આ યાદ આવતા એમને થયુ કે જો હું એમની પાસે જઈશ તો મારે રોજ મારા નાના ભાઈઓને પગે લાગવું પડશે ,મોટા હોવા છતાં મારે એમના શિષ્ય તરીકે રહેવું પડશે .આ મારાથી નહી થાય .હું મારી રીતે સાથના કરી મોક્ષ મેળવી લઈશ .આમ એમને અંહકાર નડે છે .મહીં માન ઊભું થાય છે અને તેથી તેઓ પોતાની રીતે જ કેવળજ્ઞાન પામવા પ્રયત્ન કરવાનું નક્કી કરે છે અને જંગલમાં સાધના માટે જાય છે .
એક માત્ર મોક્ષ જ મેળવવાની ઈચ્છા સાથે બાહુબલી એક આસન પર ઊભા રહી ખૂબ કપરા તપ કરે છે .એમને ટાઢ,તડકો ,ભૂખ ,તરસ ,વેદના ,મચ્છર ,જીવ-જંતુ ના ઉપદ્રવ આ કશાયની પડી નથી .વર્ષો વીતતા જાય છે .અડગ ઊભેલા બાહુબલીના પગ ઉપર આજુબાજુ ઊગેલા વેલા ચઢવા લાગ્યા .ધીમે ધીમે એમના મોઢા સિવાયના આખા શરીર પર વેલા ચઢી ગયા ,સાપે રાફડા બાંધ્યા ,પણ તોય બહુબલીજી અડગ જ રહે છે .હજારો વર્ષોના આવા આકરા તપ પછી પણ એમને કેવળજ્ઞાન થતુ નથી .આ બાજુ ઋષભદેવ ભગવાન તો કેવળજ્ઞાની હતા .એમને તો કેવળજ્ઞાનમાં બધું જ દેખાય .એમણે જોયું ક બાહુબલી પોતાના માન અને અંહકારને લઈનેજ કેવળજ્ઞાનમાં અટક્યા છે .ભગવાન તો ખુબ કરુણાવાળા હોય .એમણે બાહુબલીના કલ્યાણ માટે ખટપટ કરી .તેઓએ એમની શિષ્યા બ્રાહ્મી અને સુંદરી ,જે બાહુબલીની બહેનો હતી એમને બોલાવી અને એમના દ્વારા બાહુબલી માટે એક સંદેશો મોકલાવ્યો .
બ્રાહ્મી અને સુંદરી બન્ને જંગલમાં પહોચે છે .બાહુબલી એ જ અડગ અને સ્થિર મુદ્રામાં તપ કરી રહ્યા હોય છે . બન્ને બહેનો ભાઈને કહે છે,''ગજ થકી હેઠા ઊતરો રે વીરા ,ગજ ચડે કેવળ ન હોય ."
ધ્યાનમાં ઊભેલા બાહુબલી પોતાની બહેનોની આ વાત સાંભળી નવાઈ પામે છે .એમને થાય છે કે આ બહેનો શું કહે છે ? હું ક્યાં હાથી પર બેઠો છુ ? હું તો મુનિ અવસ્થા અને તપ કરી રહ્યો છુ .પણ બહેનો એમ ને એમ કંઈ કહે નહી .જરૂર એમના કહેવામાં કઈક રહસ્ય છુપાયેલું છે .વિચાર કરતા થોડીજ ક્ષણોમા એમને સમજાય છે કે બહેનોની વાત સાચી છે .હું માનરૂપી ગજ એટલે કે હાથી પર બેઠો છું .ભાઈઓને નહિ નમું એ માન જ કહેવાય ને ? જાતે મોક્ષ ખોળી લઈશ એ અહંકાર જ કહેવાય ને ? માન સાથે ક્યારેય પણ મોક્ષ ન થાય .એમને પોતાની ભૂલ સમજાય છે . અને ખુબ પશ્યતાપ થાય છે . તેઓ તરત જ ઋષભદેવ ભગવાન પાસે જવાની અને પોતાના નાના ભાઈઓને વંદન કરવાનું નક્કી કરે છે .નક્કી કરી જેવું તેઓ પગ ઉપાડે છે કે ત્યાં જ એમને કેવળજ્ઞાન થાય છે .
Related Links-
Story of Bahubali-1