કૃષ્ણ – સુદામાની મિત્રતા

કૃષ્ણ-સુદામાની ભાઈબંધી ખૂબ જાણીતી છે. સુદામા ગરીબ બ્રાહ્મણ હતા. પોતાનાં બાળકોને પૂરું ખવડાવી શકે એટલા પણ સુદામા પાસે પૈસા નહોતા. સુદામાની પત્નીએ કહ્યું, "આપણે ભલે ભૂખ્યાં રહીએ, પણ છોકરાંને તો પૂરું ખવડાવવું જોઈએ ને?" બોલતાં બોલતાં તેની આંખમાં આંસુ આવ્યાં. સુદામાને ખૂબ લાગી આવ્યું. તે બોલ્યો, "શું કરીએ ? કોઈની પાસે માંગવા ન જવાય."
પત્નીએ સુદામાને કહ્યું, "તમે કૃષ્ણની વાત તો વારંવાર કરો છો. તમારે તેની સાથે ખૂબ ભાઈબંધી છે એમ કહો છો. એ તો દ્વારકાના રાજા છે. ત્યાં કેમ જતા નથી? જાઓને! ત્યાં કંઇ માંગવું નહીં પડે !"

સુદામાને પત્નીની વાત ખરી લાગી. સુદામાએ દ્વારકા જવાનું નક્કી કર્યું. પત્નીને કહ્યું, "ભલે, હું કૃષ્ણ પાસે જઈશ. પણ એના છોકરાં માટે શું લઇ જાઉં?"
સુદામાની પત્ની પડોશમાંથી પૌંઆ લઇ આવી. તેને ફાટેલા કપડામાં બાંધીને તેની પોટલી કરી. સુદામા એ પોટલી લઈને દ્વારકા જવા ઊપડ્યા.

દ્વારકા જોઈને સુદામા તો છક થઇ ગયા. આખી નગરી સોનાની હતી. લોકો ખૂબ સુખી હતા. સુદામા પૂછતા પૂછતા કૃષ્ણના મહેલ પાસે ગયા. દરવાને આ બાવા જેવા લાગતા સુદામાને પૂછ્યું, "એય, અહીં શું કામ છે?"
સુદામાએ જવાબ આપ્યો, "મારે કૃષ્ણને મળવું છે. એ મારો મિત્ર છે. અંદર જઈને કહો કે સુદામા તમને મળવા આવ્યો છે."

સુદામાનો વેશ જોઈને દરવાનને હસવું આવ્યું. તેણે જઈને કૃષ્ણને વાત કહી. સુદામાનું નામ સાંભળતાં જ કૃષ્ણ ઊભા થઇ ગયા! સુદામાને મળવા દોડયા. બધા આશ્ચર્યથી જોઈ રહ્યા! ક્યાં રાજા અને ક્યાં આવો બાવો?

કૃષ્ણ સુદામાને મહેલમાં લઇ ગયા. સાંદીપનિ ઋષિના ગુરુકુળના દિવસોની યાદ તાજી કરી. સુદામા કૃષ્ણની શ્રીમંતાઈ જોઈ શરમાયો. સુદામાએ પૌંઆની પોટલી સંતાડવા માંડી, પણ કૃષ્ણે તે ખેંચી લીધી. કૃષ્ણે તેમાંથી પૌંઆ કાઢ્યા. ખાતાં ખાતાં કૃષ્ણ બોલ્યા, "આવો અમૃત જેવો સ્વાદ મને બીજા કશામાં નથી મળ્યો."

પછી બંને જમવા બેઠા. સોનાની થાળીમાં સારું ભોજન પીરસ્યું હતું. સુદામાનું હૃદય ભરાઈ આવ્યું. ઘેર છોકરાંને પૂરું ખાવા નથી મળતું તે યાદ આવ્યું. સુદામા બે દિવસ ત્યાં રહ્યા. એ કૃષ્ણ પાસે કશું માંગી ન શક્યા. ત્રીજે દિવસે પાછા ઘરે જવા નીકળ્યા. કૃષ્ણ સુદામાને ભેટ્યા, થોડે સુધી મૂકવા ગયા.

ઘરે જતાં સુદામાને વિચાર આવ્યો, "ઘેર પત્ની પૂછશે કે શું લાવ્યા? શો જવાબ આપીશ?"

સુદામા ઘર પહોંચ્યા. ત્યાં તેણે પોતાનું ઝૂપડું જ ન જોયું! એટલામાં તો સુંદર ઘરમાંથી પત્ની બહાર આવી. તેણે સુંદર કપડાં પહેર્યા હતાં. પત્નીએ સુદામાને કહ્યું, "જોયોને કૃષ્ણનો પ્રતાપ! આપણી ગરીબાઈ ગઈ કૃષ્ણે આપણાં બધાં દુ:ખ ભાંગ્યાં. સુદામાને કૃષ્ણનો પ્રેમ યાદ આવ્યો. તેની આંખમાં આનંદનાં આંસુ આવ્યાં.

જોયું મિત્રો, કૃષ્ણ અને સુદામાનો પ્રેમ એટલે સાચો મિત્રપ્રેમ.તો મિત્રો, સાચા પ્રેમમાં નથી ઊંચ - નીચ જોવાતી કે નથી જોવાતી અમીરી- ગરીબી. માટે જ આજે યુગો પછી પણ દુનિયા કૃષ્ણ સુદામાની ભાઇબંધીને સાચા મિત્ર પ્રેમના પ્રતિક તરીકે યાદ કરે છે.

 

Must Watch Links :

1) Videos on Janmashtami & Lord Krishna

2) Janmashtami Celebration in Mumbai

3) Magazine on Lord Krishna

4) Mythological story: Ruskshmani's Repayment