લઘુરાજ સ્વામી અને શ્રીમદ રાજચંદ્ર

શ્રી લલ્લુજી મુનિ (જે પાછળથી લઘુરાજ સ્વામી તરીકે ઓળખાયા)નો જન્મ 1854માં ગુજરાતના વટામણ ગામના એક ધનાઢ્ય અને આદરણીય કુટુંબમાં થયો હતો. તે તેમના જીવનમાં ખુબ સુખી હતા પણ અચાનક 25 વર્ષની યુવાન વયે તે એનિમિયા નામના રોગમાં ફસાયા. તેમણે જાતજાતની સારવાર કરાવી પરંતુ કોઈ રીતે તેમને સારું થયું નહીં. જો તેઓ સાજા થઇ જાય તો તેમણે સંસાર ત્યાગવાનું નક્કી કર્યું. આશ્ચ્રર્યની વાત છે કે તેઓ સાજા થઇ ગયા અને થોડા સમય પછી તેમની માતાએ તેમને દીક્ષા (સંસાર છોડવા)ની અનુમતિ આપી. એમણે વિ.સં. 1940માં ખંભાતમાં સાધુશ્રી હરખચંદજી મુનિ પાસે દીક્ષા લીધી.

શ્રી લલ્લુજી મુનિએ પાંચ વર્ષ સુધી શાસ્ત્રોનો અભયાસ કર્યો અને જુદી જુદી જાતના આકરા તપો પણ કર્યા, પણ તેમને જેની અપેક્ષા હતી તેવી આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થઇ નહીં. પાંચ વર્ષ પછી તેમણે શ્રી અંબાલાલભાઈ પાસેથી શ્રીમદ વિષે સાંભળ્યું અને તેમના 'પત્રો' વાંચવાની તક મળી. શ્રી લલ્લુજીમુનિના મનમાં આશાનું કિરણ ફૂટ્યું અને તેઓ શ્રીમદને મળવા આતુર બન્યા.

અંતે વિ. સં. 1946માં દિવાળીના પવિત્ર દિવસો દરમ્યાન શ્રીમદ રાજચંદ્રે ખંભાતના સ્થાનકવાસી ઉપાશ્રયમાં, જ્યાં શ્રી લલ્લુજી અને બીજા સાધુઓ રહેતા હતાં તેની મુલાકાત લીધી. પોતાના ગુરુ હરખચંદજી મહારાજની અનુમતિથી શ્રી લલ્લુજી મુનિ શ્રીમદ્દને મળવા એકલા ગયા. પહેલી જ મુલાકાતમાં પોતે શ્રીમદ્દથી 14 વર્ષ મોટા હોવા છતાં શ્રીમદ્દને ત્રણવાર 'શાષ્ટાંગ નમસ્કાર' કર્યા. પછી તેમણે કેવળજ્ઞાનની પ્રાપ્તિ  અને અખંડ બ્રહ્મચર્ય પાળવાની ઈચ્છા વ્યક્ત કરી. શ્રીમદ્દ થોડા સમય માટે મૌન રહ્યા. પછી તેમણે શ્રી લલ્લુજીમુનિના જમણા પગને પોતાના તરફ ખેંચીને અંગુઠામાં વિશેષ ચિન્હ છે કે નહીં તેનો અભ્યાસ કર્યો. શ્રીમદ્દને તરત જ ખ્યાલ આવી ગયો કે લલ્લુજી મુનિને આગલા ભવથી જ આધ્યાત્મિકતામાં રસ હતો. ઘરે પાછા ફરતી વખતે તેમણે શ્રી અંબાલાલભાઈને જણાવ્યું કે શ્રી લલ્લુજી મુનિ એક ગુણવાન વ્યક્તિ છે.  શ્રીમદ્દ ખંભાતમાં અંબાલાલભાઈને ત્યાં સાત દિવસ રોકાયા અને લલ્લુજી મુનિને નિજસ્વરૂપનું ભાન કરાવ્યું.

 

તેમના ગયા પછી લલ્લુજી મુનિ શ્રીમદ્દ સાથે પત્ર-વ્યવહાર કરવા લાગ્યા અને તેમનો અનન્ય ભક્તિભાવ વધવા લાગ્યો. જયારે પણ તેને શ્રીમદ્દ તરફથી પત્ર મળતો ત્યારે તેઓ તેની ભક્તિપૂર્વક પ્રદક્ષિણા કરતાં (કોઈ પવિત્ર વસ્તુની ફરતે ભક્તિથી ફરવું.) તે પોતાની જાતને અત્યંત ભાગ્યશાળી માનતા અને તેઓ આ પત્રોને ખુબ જ આનંદ અને ઉત્સાહથી વાંચતા.લલ્લુજી મુનિની દ્રષ્ટિમાં શ્રીમદ્દ ખરેખર ભગવાન સ્વરૂપ હતાં. આખી જિંદગી તેઓ તેમની ભક્તિમાં ડૂબી ગયા હતાં.જ્યારથી શ્રી લલ્લુજી મુનિએ એક સાધુ હોવા છતાં; ગૃહસ્થ એવા શ્રીમદ્દને ગુરુ તરીકે સ્વીકાર્યા; ત્યારથી તેમનો સંપ્રદાય અને રૂઢિચુસ્તો  તેમને ખુબ તકલીફો આપવા લાગ્યા. છતાં શ્રી લલ્લુજી મુનિએ તેના પર લાદવામાં આવેલા બધા દુઃખો શાંતિથી સહન કર્યા અને પોતે અપનાવેલ સત્યના માર્ગમાંથી જરા પણ વિચલિત થયા નહીં. ખરેખર તો જેમ જેમ વધુ મુશ્કેલી પડતી ગઈ તેમ તેમ તેમની શ્રીમદ્દ પ્રત્યેની ભક્તિ ઓર વધતી ગઈ. પરમ કૃપાળુદેવ પ્રત્યેની તેની ભક્તિ અપ્રતિમ હતી.

Related Links-

Magazine on Sant Purush

Mythological Story- Shrimad Rajchandra and Ambalalbhai