ભગવાન ગણેશને મળ્યું હાથીનું મસ્તક (માથું)


ભગવાન ગણેશ, જેઓ હિન્દુ શાસ્ત્રો પ્રમાણે "પ્રથમ ભગવાન" ગણાય છે તેઓ ભગવાન શંકર અને દેવી પાર્વતીના પુત્ર છે. તેમની લાક્ષણિકતાઓના લીધે ભગવાન ગણેશ અથવા ગણપતિ દાદાને સહેલાઈથી ઓળખી શકાય છે. તેઓ લાંબી સુંઢ અને સુપડા જેવા મોટા કાનવાળું હાથીનું મસ્તક ધરાવે છે. શું આ બધા લક્ષણો તેમની એક આગવી ઓળખાણ માટે પૂરતા નથી? બાળ મિત્રો, શું તમે જાણો છો કે તેમને હાથીનું માથું કેવી રીતે મળ્યું?

તો ચાલો આપણે એની વાર્તા કરીએ-

એક વખતે પાર્વતી દેવી સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા હતા તે દરમ્યાન કોઈની દખલ ના થાય તે માટે નંદીને (ભગવાન શંકરના બળદને) દરવાજા પાસે ચોકીદારી કરવાની અને કોઈને પણ અંદર આવવા નહી દેવાની સૂચના આપી હતી. થોડી જ વારમા શંકર ભગવાન ત્યાં આવી પહોંચ્યા અને તેમણે નંદીને દરવાજા પાસે ઊભેલો જોયો. કોઈને અંદર નહી આવવા દેવાની પાર્વતી દેવીની સુચના હોવા છતાં પણ ભગવાન શંકર પ્રત્યેની પોતાની નિષ્ઠાને કારણે નંદી તેમને અંદર જતા રોકી ના શક્યો. આ ઘટનાથી પાર્વતી દેવી ખુબ ક્રોધિત થઈ ઉઠયા અને તેમણે નક્કી કર્યું કે તેમની પાસે પણ નંદી જેવો વફાદાર અને નિષ્ઠાવાન રખેવાળ હોવો જ જોઈએ.

આમ ફરીથી એક દિવસ જ્યારે પાર્વતી દેવી સ્નાનની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમણે જાતે જ પોતાના માટે રખેવાળ બનાવવાનું વિચાર્યું. તેમણે પોતાના શરીર પર લગાવેલ ચંદન, હળદર અને મલાઈના લેપમાંથી થોડો ભાગ લઈને તેમાંથી એક બાળકનું પૂતળું તૈયાર કર્યું. પાર્વતી દેવી તો જાણે એ બાળકને જોતા જ રહી ગયા અને પોતાના આ નિર્ણય માટે તેમને અત્યંત આનંદ થયો. તેમણે એ પૂતળામાં પ્રાણ પૂર્યા અને તેને પોતાના પુત્ર ગણેશ તરીકે જાહેર કર્યો.

તેમણે બાળકને દરવાજા પાસે રખેવાળી કરવાની અને કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશવા નહી દેવાની કડક સુચના આપી. ગણેશ દરવાજા પાસે ઊભા રહ્યા અને તેમની માતાની આજ્ઞાનું શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું.

થોડીજ વારમાં ભગવાન શંકર ત્યાં આવે છે અને એક નાના છોકરાને ત્યાં ઊભેલો જોઇને આશ્ચર્ય પામે છે. તેઓ અંદર જવા માટે આગળ વધે છે પણ ગણેશ તેમને અંદર જતા રોકે છે. શંકર ભગવાન છોકરાની સામે નારાજગીથી જોવે છે અને પાર્વતી દેવીના પતિ તરીકે પોતાની ઓળખાણ આપે છે. તેમ છતાં ગણેશ માનતા નથી. અનેક પ્રયત્નો કરવા છતાં પણ ગણેશનો સતત વિરોધ ચાલુ રહેવાથી ભગવાન શંકર કોપાયમાન થઈ જાય છે અને આવેશમાં આવીને તેઓ પોતાના ત્રિશૂળથી એક જ ઝાટકામાં ગણેશનું માથું ધડથી અલગ કરી નાખે છે.

બહારનો આ બધો ઘોંઘાટ સાંભળીને પાર્વતી દેવી શું બન્યું છે તેની તપાસ કરવા દોડીને બહાર આવે છે. પોતાના પુત્રનું કપાયેલું માથું જોઇને તેમને ભારે આઘાત લાગે છે. આ બધું સહન ન થતા તેઓ આખા બ્રહ્માંડનો વિનાશ કરવાની ચેતવણી આપે છે.

પાર્વતી દેવીની ચેતવણીથી ત્યાં ઊભેલા બધા દેવો અને દેવીઓ ડરી જાય છે. તેઓ બધા પાર્વતી દેવીને પોતાના શબ્દો પાછા ખેંચી લેવા માટે સમજાવવાનો ખુબ પ્રયત્ન કરે છે પણ પાર્વતી દેવી આ માટે તૈયાર નથી થતા. બધા દેવો અને દેવીઓની દયાજનક સ્થિતિ જોઇને બ્રહ્માંડના સર્જક બ્રહ્માજી તેમને ફરી એકવાર પોતાનો નિર્ણય બદલવા માટે વિનંતી કરે છે. આખરે પાર્વતી દેવી માની જાય છે પણ આ માટે તેઓ અમુક શરતો રાખે છે.

પહેલી શરત: ગણેશને ફરીથી જીવનદાન મળવું જોઈએ.
બીજી શરત: બીજા કોઈ પણ ભગવાનની પૂજા કરતા પહેલા ગણેશની પૂજા થવી જોઈએ.

આ શરતો સાંભળીને બધા મૂંઝવણમાં પડી જાય છે. આ મુશ્કેલીનો ઉકેલ લાવવા માટે બધા દેવ-દેવીઓ ભગવાન શંકર પાસે ગયા. પોતાની પ્રિય પત્નીને શાંત પાડવા માટે ભગવાન શંકરે પોતાના ગણને આદેશ આપ્યો કે જેનો ચહેરો ઉત્તર દિશા તરફ હોય તેવું જે કોઈ પણ પ્રાણી તેમને સૌથી પહેલા દેખાય તેનું માથું લઈ આવે. બધા ગણ તરત જ આવા કોઈ પ્રાણીને શોધવા નીકળી પડે છે અને થોડા સમય પછી તેઓ એક હાથીનું માથું લઈને પાછા ફરે છે. ભગવાન શંકર તેને ગણેશના શરીર સાથે જોડે છે. પોતાની શક્તિઓનો ઉપયોગ કરીને તેઓ તેનામાં પ્રાણ પૂરે છે અને ગણેશને પોતાના પુત્ર તરીકે જાહેર કરે છે. માત્ર આટલું જ નહી પરંતુ તેઓ ગણેશને તેમના ગણનો અધિપતિ પણ બનાવે છે. તો આમ ભગવાન ગણેશનું નામ પડયું ગણપતિ (ગણના પતિ).

પોતાની પત્નીની બીજી શરત પૂરી કરવા માટે ભગવાન શંકરે તેમને વરદાન આપ્યું કે કોઈ પણ શુભ કામની શરૂઆત કરતા પહેલા બધા ગણેશની પૂજા કરશે.

તો બાળકો, હવે તમને ખબર પડી ગઈને કે કોઈ પણ નવા કામની શરૂઆત કરતા પહેલા આપણે ભગવાન ગણેશને કેમ પૂજીએ છીએ?

પૂજા વખતે બોલવામાં આવતો મંત્ર -
વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ
નિર્વિઘ્ન કુરુમે દેવા સર્વ કાર્યેસુ સર્વદા

એનો અર્થ એમ થાય છે કે -

આપ મોટા શરીરવાળા અને વળેલી સુંઢવાળા છો અને કરોડો સૂર્યનું તેજ ધરાવો છો. હે દેવ! આપ અમારા બધા જ કામ હંમેશા નિર્વિઘ્ને પૂરા થાય એવી કૃપા કરો!

Lord Ganesha Song- Deva di Deva