અભિપ્રાયો ગેરમાર્ગે લઇ જાય

   ચંપા નામે નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતા હતા. એમની રાણીનું નામ ધારીણી અને પુત્રનું નામ અદીનશત્રુ હતું. તેઓ વીતરાગ ધર્મના પરમ આરાધક હતા. એમના પ્રધાનનું નામ સુબુધ્ધિ હતું.  ચંપા નગરીની બહાર પૂર્ણભદ્ર યક્ષનું દેરું અને સુંદર ઉદ્યાન હતા. નગરીની ફરતે ખાઈ હતી. એ ખીના ઇશાન ખૂણામાં થોડું પાણી હતું, જે અનિષ્ટ વસ્તુઓથી ગંધાતું હતું.

    એક વખત જિતશત્રુ રાજા, બીજા રાજાઓ સાથે સ્વાદિષ્ટ જમણ જમી, મુખવાસ ચાવતા ચાવતા ભોજનના ખુબ વખાણ કરતા હતા. સુબુધ્ધિ પ્રધાન સિવાય બીજા સર્વેએ રાજાના વખાણને અનુમોદન આપ્યું. સુબુધ્ધિ તરફથી જયારે અનુમોદન ન મળ્યું, ત્યારે એમને એકાંત મૌન રહેલા જોઇને રાજાએ સુબુધ્ધિને સંબોધીને ફરી જમણ વગેરેના ખુબ વખાણ કર્યા અને એમનો અભિપ્રાય પૂછ્યો.

  સુબુધ્ધિ પ્રધાને વિનયપૂર્વક કહ્યું, “મહારાજા! એમાં વખાણવા જેવું કાંઈ હોય એમ હું માનતો નથી. પુદ્ગલ (જડ વસ્તુ)નો સ્વભાવ છે કે સારું હોય તે થોડા કાળમાં ખરાબ રૂપમાં પરિણમે અને ખરાબ પુદગલો સારા રૂપમાં પરિણમે, એમ પરિવર્તન થયા જ કરે છે. એટલે આવાં ખોરાકના પદાર્થમાં આશ્ચર્ય પામવા જેવું શું છે?” આ વાત રાજાને ન રૂચી પણ વાદ ન કરવાના હેતુથી રાજાએ તે વાત પડતી મૂકી.

એક વખત રાજા, સુબુધ્ધિ પ્રધાન અને ઘણાં માણસોના પરિવાર સહિત ગામ બહાર ઈશાનકોણ તરફ ગયા. ત્યાં ખાઈમાં ગંધાતા પાણીની દુર્ગંધથી આવતા કંટાળાની વાત કરવા લાગ્યા. સુબુધ્ધિ પ્રધાન સિવાય સર્વેએ રાજાની વાતને અનુમોદન આપી, પણ સુબુધ્ધિ પ્રધાન કંઈ ન બોલ્યા. પહેલાની જેમ રાજાએ ફ્રરી પૂછવાથી પ્રધાને કહ્યું, “સારાનું ખરાબ અને ખરાબનું સારું થવું એ પુદ્ગલનો સ્વભાવ છે, એમાં વખાણવું શું કે નિંદવું શું?” એ વાત પણ રાજાને ન રૂચી. એટલે પ્રધાને રાજાને પોતાની વાતનો પ્રત્યક્ષ અનુભવ કરાવવાનો નિશ્ચય કર્યો.

એક રાતના સમયે પ્રધાને પોતાના ખાસ વિશ્વાસુ નોકરો પાસે કુંભારને ત્યાંથી માટીના નવા મોટા માટલા મંગાવ્યા અને તેમાં ખાઈનું ગંધાતું પાણી ભર્યું. એ પાણીમાં રાખ નાખીને માટલાના મોઢાં બંધ કરી રાખી મૂક્યા. એવી રીતે સાત દિવસ સુધી સાત વાર વિધિ કરી જેથી પાણી મીઠું રોચક અને હળવું તથા શરીરને ગુણકારી એવું થયું.

એક દિવસ પ્રધાને પોતાના વિશ્વાસુ માણસો સાથે તે શુધ્ધ કરેલું પાણી જમણ વખતે રાજાને પીવા માટે મોકલ્યું. પાણી રાજાને ખુબ મીઠું લાગ્યું. એમને પાણી લાવનારને આવું મીઠું પાણી ક્યાંથી લાવ્યો તે પૂછયું. જવાબમાં વિશ્વાસુ નોકરે સુબુધ્ધિ પ્રધાને તે મોકલ્યું હોવાનું કહ્યું. રાજાએ પ્રધાનને બોલાવીને કહ્યું, “ હે પ્રધાન! તમને મારા પ્રત્યે ક્યાં કારણે અભાવ છે કે આવું મીઠું પાણી તમે હંમેશા પીઓ છો, જયારે મને કોઈ દિવસ મોકલતા નથી ? આ પાણી ક્યાંથી મંગાવો છો ?”

પ્રધાને કહ્યું, “મહારાજ ! આ ખાઈનું ગંધાતું હતું તે જ પાણી છે.” રાજાએ એ વાત ન માની.

પ્રધાને કહ્યું, “જો આપના માનવામાં ન આવે તો આપ પણ એ પ્રમાણે કરીને ખાતરી કરી શકો છો.” રાજાએ ખાત્રી કરવા માટે પોતે પણ એ પ્રયોગ કરી જોયો. સુબુધ્ધિ પ્રધાનની વાત ખરી નીકળી.

રાજાએ કહ્યું, “ પ્રધાન, તમારી વાત સાચી છે. સારામાંથી ખરાબ થવું અને ખરાબમાંથી સારું થવું એ પુદ્ગલનો સ્વભાવ જ છે અને એ પણ કુદરતી છે. માટે કોઈને વખાણવા જેવું નથી કે કોઈ પર અણગમો કરવા જેવોય નથી.”

જોયું મિત્રો, આપને પણ આ સમજીએ તો આપણને પણ ચોંટ ન રહે.