આલુ-ચીલી - ચેપ્ટર–૨૩

બધે શોધ્યા પછી અંતે આલુના ઘરે ચીલી મળે છે અને એ આલુને કહે છે કે તું કેમ કોકોનો સાથ આપે છે ? આલુ ચીલીને એના બાળપણની, સિંગિંગની વાતો યાદ કરાવે છે. જ્યાં એને સિંગિંગ કરવાની ખુબ મજા આવી હતી. હજી પણ આલુ એને કંઈ કહેવા માંગે છે ? આજની વાત ચીલી કહેશે.

  આલુ એકી શ્વાસે બોલી રહ્યો હતો અને હું પણ એને ધ્યાનથી સાંભળી રહ્યો હતો, ‘અને આ કોમ્પિટિશન પાછળ તું એ વાત જ ભૂલી ગયો, કે તને સિંગિંગ કેટલું ગમે છે ! તને ખબર છે ? તું કોમ્પિટિશન કોકોના કારણે કે મારા કારણે નથી હાર્યો. તું હાર્યો, કેમ કે તું ભૂલી જ ગયો, કે તને ગાવાનું કેટલું ગમે છે. ‘કોકોને કેવી રીતે હરાવું અને હું કઈ રીતે જીતું’ એવું જ તું વિચારતો રહ્યો. સતત ‘કોકો કોકો’ કરતા કરતા તું ભૂલી જ ગયો, કે તું એને હરાવવા નથી ગાતો, તું તો એન્જોય કરવા ગાય છે…
‘મને ખબર છે, કે તને આ બધું કેમ બળે છે, એટલે તો મેં તારા માટે પાર્ટી રાખી હતી. જેમાં હું તને એક સિક્રેટ વાત કહેવાનો હતો. પણ તું તો મારી વાત સાંભળ્યા વગર જ જતો રહ્યો !’

‘સિક્રેટ ? શું સિક્રેટ ?’ આલુને કઈ સિક્રેટ ખબર છે, જે મને નથી ખબર. આમ તો જંગલના બધા જ સિક્રેટ મને પહેલા ખબર પડી જાય છે. તો આ કેવી રીતે મને નથી ખબર ?

‘તને ખબર છે ? ટાકો ઘોડો ગયા વર્ષે રેસકોર્સમાં ભાગ લેવા શહેરમાં ગયો હતો. એણે ડયુ-ટયૂબ પર બહુ બધા રેસકોર્સના વિડિયો જોયા અને એણે નક્કી કરી લીધું કે, હું પણ રેસકોર્સમાં ભાગ લઈશ.’ આલુની વાત સાંભળીને હું થોડો કન્ફયૂઝ થઇ ગયો. અને પછી આલુ મને આગળ કહેવા માંડ્યો, ‘અરે, રેસકોર્સ એટલે જેમાં બધા ઘોડા સાથે દોડે અને કોણ ફર્સ્ટ આવે એની હરીફાઈ થાય.’

એની આ વાત સાંભળીને મેં એને ચાંચ જ મારી દીધી અને કહ્યું, ‘આ ક્યાં સિક્રેટ છે ? આ તો આખા જંગલને ખબર છે, કે એમાં ટાકો હારી ગયો એટલે પાછો આવી ગયો અને પછી રોજ જંગલની સરહદ પર ગોળ ગોળ દોડ્યા કરે છે. મને તો પાર્સલી કહેતો હતો, કે એ કોઈને પણ જુએ એટલે દોડવા માંડે છે. આમાં શું સિક્રેટ છે.’
‘સિક્રેટ એ છે, કે મારા સિવાય સાચી સ્ટોરી કોઈને ખબર જ નથી. હું તને કહું. ટાકો શહેરમાં ગયો. એણે રેસકોર્સમાં એડમિશન લીધું અને પછી બહુ પ્રેકિટસ કરવા લાગ્યો. ત્યાં પ્રેકિટસ કરતા કરતા એને બ્રાઉની મળ્યો, જે એનો બેસ્ટ ફ્રેન્ડ બની ગયો. બંને સાથે ને સાથે રહેતા અને બંને એકબીજાને કહેતા કે ‘જોજે, હું જ જીતીશ !’
‘એમ કરતા કરતા હરીફાઈનો દિવસ આવી ગયો. ટાકો કે બ્રાઉની બેમાંથી કોઈ આખી રાત સૂઈ નહોતું શક્યું. ટાકોને પહેલી વખત પાર્ટ લેવાનો ઉત્સાહ હતો, તો બ્રાઉનીને પહેલા આવવાની ઈચ્છા. બંને સવારે સરસ તૈયાર થયા. પછી ખબર છે રેસમાં શું થયું ?’ મને ખબર હતી, કે રેસમાં શું થયું, તો પણ મેં મૂરખની જેમ આલુને પૂછ્યું, ‘શું થયું ?’ તો મને કહે, ‘બ્રાઉની જીતી ગયો અને ટાકો હારી ગયો.’

મેં એને કહ્યું, ‘અરે આલુ, મને શું આખા જંગલને આ વાતની ખબર છે. આમાં સિક્રેટ શું છે ?’ આલુ એકદમ સેડ થઈને બોલ્યો, ‘ચીલી, ટાકો ખાલી રેસ નહોતો હાર્યો, ટાકો રેસ અને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ બંને હારી ગયો હતો !’

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...