આલુ-ચીલી - ચેપ્ટર–૨૪

આલુ ચીલીને ટાકો ઘોડાની વાત કરે છે, જેનું સપનું રેસકોર્સમાં ભાગ લેવાનું હોય છે. જે ખુબ મહેનત કરીને રેસકોર્સમાં ભાગ લેવા જાય છે અને ત્યાં બ્રાઉની તેનો બેસ્ટ ફ્રેન્ડ બની જાય છે. પણ આ રેસમાં કંઈ એવું બને છે જેનાથી ટાકો રેસ અને બ્રાઉની બંનેને ગુમાવી દે છે. ચાલો આપણે આલુ પાસે સાંભળીએ રેસમાં શું થાય છે ?

જયારે જયારે ટાકો અને બ્રાઉની પ્રેકટીસ કરતા ત્યારે ત્યારે ટાકો મસ્તીમાં બ્રાઉનીને કહેતો, ‘બ્રાઉની તું જીતીશ તો હું તને મારા જંગલમાં લઇ જઈશ. અને ત્યાં તને એક મોટી પાર્ટી આપીશ. અને હું જીત્યો તો ?’ તો બ્રાઉની કહેતો, ‘જીતીશ તો હું જ !’ દર વખતે આ સાંભળીને ટાકોને બ્રાઉનીનો આત્મવિશ્વાસ ખૂબ ગમતો. બહુ મોડી ખબર પડી કે એનો આત્મવિશ્વાસ નહીં પણ કંઇક બીજું હતું.

રેસના દિવસે જયારે ટાકોને બ્રાઉની બંને બાજુમાં ઊભા રહ્યા તો ટાકોએ કીધું, ‘બ્રાઉની મને થોડો ડર લાગે છે,’ જાણે એની વાત સાંભળી જ ના હોય એમ બ્રાઉનીએ જવાબ આપ્યો, ‘આજે તો ટ્રોફી મારી જ થશે, જીતીશ તો હું જ !’ ટાકો એને જોઈ રહ્યો, એ આગળ કંઈ બોલે ત્યાં તો ટ્રેકના દરવાજા ખુલી ગયા. અને બહારથી લોકોનો અવાજ આવવા લાગ્યો.
એ સાંભળતા જ ટાકોના ડરની જગ્યા એના ઉત્સાહે લઇ લીધી. એણે દોડવાનું ચાલુ કર્યું, ઉપર ભૂરું આકાશ, નીચે ભીની માટી અને સાઇડમાં બેઠેલા લોકોની ચીચીયારી અને ઉત્સાહ, કેટલીયે વાર એણે આ ટીવીમાં જોયું હતું. આની માટે તો એ અહીંયા આવ્યો હતો. એના ઉત્સાહ સાથે એની સ્પીડ પણ વધતી ગઈ. ધીમે ધીમે કરતા એ બધા ઘોડા કરતા આગળ થઇ ગયો.
ટાકો પોતાની જ મસ્તીમાં દોડી રહ્યો હતો ત્યાં, ‘જીતીશ તો હું જ !’ એને પાછળથી બ્રાઉનીનો અવાજ આવ્યો. એણે થોડા ધીરા પડીને જોયું તો બ્રાઉની એક્દમ ઝનૂન સાથે દોડીને આવી રહ્યો હતો. એની આંખોમાં એક ખુન્નસ હતું. જાણે એને ટાકો દેખાતો જ નહોતો. એ ફરી બોલ્યો, ‘જીતીશ તો હું જ !’ ટાકો હજી ધીરો પડ્યો. બ્રાઉની એની બાજુમાં આવી પહોંચ્યો. એની બાજુમાં આવતા જ જાણે ટાકો ગરમ આગને અડી ગયો હોય એવું લાગ્યું. ‘બ્રાઉની, ધીમો પડ, તારો શ્વાસ બહુ ચડી ગયો છે.’ એણે બ્રાઉનીને હાંફતા જોઇને કહ્યું. ‘જીતીશ તો હું જ !’ બોલીને બ્રાઉનીએ પોતાની સ્પીડ વધારી. એનો શ્વાસ એટલો જોરથી ચાલતો હતો કે ટાકોને રેસ ભૂલાઈ ગઈ અને એની ચિંતા થવા માંડી. એને બૂમ પાડતા કહ્યું, “બ્રાઉની, ધીરે... તું પડી જઈશ.” એની વાત સાંભળીને બ્રાઉની પાછો વળ્યો, ફરી એ જ ખુન્નસ સાથે એને ટાકોને જોયો અને બોલ્યો, “તને નહીં જીતવા દઉં, જીતીશ તો હું જ”. અને એણે હજી પોતાની સ્પીડ વધારી. એનું મોઢું અને ગુસ્સો જોઇને ટાકો રેસકોર્સની વચ્ચે જ ઊભો રહી ગયો. અને દૂર જતાં બ્રાઉનીને જોઈ રહ્યો. જાણે બ્રાઉની નહીં એમની ફ્રેન્ડશીપ પણ દૂર જઈ રહી હતી.
ટાકોએ ફરી ફૂલ સ્પીડમાં દોડવાનું ચાલુ કર્યું. એ ફીનીશ લાઈન પાસે પહોચ્યો, અને એણે જોયું કે બ્રાઉનીએ ફીનીશ લાઈન ક્રોસ કરી લીધી છે. એ ફર્યો અને હાંફતા હાંફતા બોલ્યો, ‘ટાકો, મેં તને હરાવી દીધો. તને શું લાગતું હતું, એક નાના જંગલના ઘોડાથી હું હારી જઈશ ? અને પછી ધબાક કરીને જમીન પર પડ્યો. ટાકો દોડીને એની પાસે ગયો. બ્રાઇની બેભાન થઇ ગયો.
એને તરત જ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. ડોક્ટરે કીધું કે આટલું સ્પીડમાં દોડવાથી એના બંને પગ ફ્રેકચર થઇ ગયા હતા. એટલું જ નહીં એના ફેફસામાં બ્લીડીંગ થયું હતું. જો એ હજી બે જ મિનિટ આવી રીતે દોડત તો કદાચ એ એનો જીવ ગુમાવી દેત.

આ વિચારથી ટાકોની આંખમાં આંસુ આવી ગયા. એક જ વિચાર એને સતાવવા લાગ્યો, ‘શું જીતવું જીવવા કરતા પણ વધારે મહત્વનું છે ?’ એને થતું હતું કે ‘હાશ, મારો બેસ્ટ ફ્રેન્ડ બ્રાઉની બચી ગયો.’ એને ખબર નહોતી કે એનો બેસ્ટ ફ્રેન્ડ બચી ગયો છે પણ હવે એ એનો બેસ્ટ ફ્રેન્ડ રહ્યો નથી.

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...