આલુ-ચીલી - ચેપ્ટર–૨૫

આલુએ ચીલીને ટાકો અને બ્રાઉનીની વાત કરી. બ્રાઉની, જે ટાકોનો બેસ્ટ ફ્રેન્ડ હતો, એની પર રેસકોર્સ જીતવાની ધૂન સવાર હતી અને એ જીતી પણ ગયો. પણ એ એટલો ફાસ્ટ દોડ્યો કે ફિનિશ લાઈન ક્રોસ કરતાની સાથે બેભાન થઇ ગયો અને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. આ વાતથી ટાકો ખુબ દુઃખી થયો અને એ એના ભાનમાં આવવાની રાહ જોઈ રહ્યો હતો. હવે આગળ શું થયું એ આલુ કહેશે.

જયારે બ્રાઉની ભાનમાં આવ્યો ત્યારે ડોકટરે એને કહ્યું, કે એના ફેફસાંને એટલું બધું નુકસાન થયું છે, કે હવે ક્યારેય રેસમાં દોડી નહીં શકે અને દોડશે તો પોતાનો જીવ ગુમાવી દેશે. જે રેસમાં એ જીત્યો એ એની છેલ્લી રેસ થઇ ગઈ. એટલું જ નહીં પણ એણે પોતાની હાલત માટે ટાકોને જવાબદાર ગણ્યો અને એની સાથે ફ્રેન્ડશિપ તોડી નાખી. બ્રાઉની એની સાથે વાત પણ કરવા તૈયાર નહોતો.
એ દિવસથી ટાકોને રેસકોર્સથી નફરત થઇ ગઈ. આ કેવી સ્પર્ધા ! જે માણસને આંધળો બનાવી દે છે. પોતાના જીવનની પણ પરવાહ ના કરી બ્રાઉનીએ ! અને એની આ હાલતમાં ટાકોનો શું વાંક હતો ? ને બસ, પછી જે આકાશ, જે ભીની માટી અને જે ચિચિયારી એને ખુશી આપતા હતા, એ જ બધાને એણે છોડી દીધા. પાછા આવ્યા પછી એને હજુ દોડવાનું મન થતું હતું, પણ બ્રાઉનીનો ચહેરો અને હાલત યાદ આવતા એને ફરી રેસકોર્સ જવાની ઈચ્છા નહોતી થતી.

આમ ને આમ છ મહિના પસાર થઇ ગયા. ટાકો રેસકોર્સ પર જવા નહોતો માગતો અને દોડ્યા વગર એને ગમતું નહોતું. પછી એક વાર સાંજે પોતાના જ વિચારોથી થાકીને એ તબેલામાંથી નીકળ્યો અને દોડવા લાગ્યો. એ લગભગ એક કલાક દોડ્યો. જેમ જેમ એ દોડતો ગયો, એમ એમ એને હળવું લાગ્યું. રેસકોર્સ નહોતો, ચિચિયારીઓ નહોતી. પણ એ જ ભૂરું આકાશ અને પગ નીચે એ જ માટી હતી. દૂર પર્વતોની વચ્ચે સંતાકૂકડી રમતા અને એનું પ્રોત્સાહન વધારતા સૂરજદાદા હતા. જયારે સૂરજદાદા આથમ્યા ત્યારે જ ટાકો અટક્યો. અને જાણે સૂરજદાદા એને કોઈ આશાનું કિરણ આપીને ગયા હોય એમ આકાશ સામે જોઈને બોલ્યો, ‘થેન્ક યૂ !’
એને ખબર પડી, કે રેસકોર્સ વગર પણ એને દોડવાની મજા આવી. બસ ત્યારથી ટાકો રોજ દોડે છે. પણ રેસ માટે કે જીતવા માટે નહીં, ફક્ત એટલા માટે કે દોડવું એને ગમે છે. એ રેસમાં દોડતો હતો એનાથી ડબલ સ્પીડ પર હવે દોડે છે, ખબર છે કેમ ? કેમ કે હવે એ પોતાની સાથે હરીફાઈ કરે છે.

‘એ કેવી રીતે ?’ ચીલી આશ્ચર્ય સાથે બોલ્યો.

‘એણે પપ્પા પાસે એક સ્ટોપ વોચ બનાવડાવી છે. એ રોજે ચાલુ કરીને દોડે છે અને જંગલનો રાઉન્ડ પૂરો કરીને પોતાનો ટાઈમ નોટ કરે છે. અને રોજે ગઈકાલના ટાઈમ કરતાં ઓછા ટાઈમમાં રાઉન્ડ પૂરો કરવા પ્રયત્ન કરે છે. ચીલી, એને જીતવા માટે કોઈ બીજાને હરાવવાની જરૂર જ નથી. એ પોતાને હરાવીને પોતે જ જીતે છે.
હા, એ હજુ ડયુ-ટયૂબ પર રેસકોર્સના, બેસ્ટ હોર્સના વિડિયો જોવે છે. પણ એમેને હરાવવા નહીં, પોતાનું પર્ફોર્મન્સ વધુ સારું કરવા ! ચીલી, એ ખુશ છે. બધાથી બેસ્ટ નથી તો પણ ખુશ છે !

એ પોતાના બેસ્ટ ફ્રેન્ડને ગુમાવીને આ વાત સમજ્યો છે, કે ઈર્ષાથી ખાલી ને ખાલી નુકશાન થાય છે અને આ તો એ ઈર્ષા, જે બ્રાઉનીને એની સાથે થઇ હતી. અને એ ઈર્ષામાં બ્રાઉની તો બધું જ ગુમાવી બેઠો અને જીત્યા પછી પણ હારી ગયો. જયારે તેં મને કહ્યું કે, ‘હું શું કામ કોકોને સાંભળું ? એણે મારી પાસેથી શીખવાનું છે. હું તો બેસ્ટ છુ.’ ત્યારે મેં તારી આંખમાં એ જ બ્રાઉનીવાળું ખુન્નસ કોકો માટે જોયું અને હું ડરી ગયો. એટલે જ હું તને કહેવા રહ્યો કે તું જીતે કે હારે, તું બેસ્ટ જ રહીશ !

મેં પાર્ટીમાં તારા નાનપણથી અત્યાર સુધીના બધા જ સિંગિંગના ફોટોઝ રાખ્યા હતા. કેમ કે હું તને કહેવા માગતો હતો, કે તેં શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં તારા ગાવામાં કેટલો બધો સુધારો થયો છે. અને હજુ તું બેસ્ટ બનીશ, પણ કોઈ બીજા કરતાં બેસ્ટ નહીં, તું પોતાના જ બધા રેકોર્ડ તોડી કાઢીશ અને બેસ્ટ બનીશ.

ચીલી આજે કોકો છે, કાલે કોઈ બીજું આવશે, જે તારાથી સારું હશે. જો તું એ બધાથી બેસ્ટ બનવા દોડ્યા કરીશ, તો તું પણ બ્રાઉનીની જેમ જ હાંફી જઈશ. તું ગમે તેટલું જીત્યા પછી પણ ખુશ નહીં રહી શકે. આજે એક કોકો સાથેની ઈર્ષામાં તારું આખું બોડી દાઝે છે, આ ઈર્ષાની બળતરા વધતી જ જશે. જે સિંગિંગથી તને ખુશી મળે છે એ જ તારા દુઃખનું કારણ બની જશે. અને એ હું ક્યારેય નહીં થવા દઉં.’

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...