આલુ-ચીલી - ચેપ્ટર–૨૬

આલુએ ચીલીને ટાકો અને બ્રાઉનીની સ્ટોરી કહી. જેમાં ચીલીને સમજાયું, કે કઈ રીતે ઈર્ષાના કારણે બ્રાઉનીએ બધું ગુમાવી દીધું. અને એવી જ ઈર્ષા એને કોકોથી થતી હતી.

આલુની વાત સાંભળીને ચીલીની આંખો અને નાકમાંથી પાણી નીકળવા માંડ્યા. એ આલુના ખભા પર નાક લૂછી રહ્યો હતો. ત્યાં જ આલુને એના બીજા ખભા પર પણ કંઈક ચીકણું ચીકણું લાગ્યું. ફરીને જોયું તો પાર્સલી ડૂસકા ભરીને રડી રહ્યો હતો. ‘આલુભાઈ, માલા ભાઈને ફેફસામાંથી લોહી ના નીતળે તેની માટે તમે ટેટલું બધું તર્યું !’ એની વાત સાંભળીને હસવું કે રડવું એ આલુ-ચીલી સમજી ના શક્યા.

ચીલીને એના આખા શરીરે લાગેલી આગનું રહસ્ય મળી ગયું હતું. જયારે જયારે કોઈ કોકોના વખાણ કરતું, કે એને એવું લાગતું કે કોકો એના કરતાં સારું કરે છે, ત્યારે ત્યારે એનું શરીર દાઝતું હતું. એ ભૂલી જ ગયો હતો, કે એને સિંગિંગ ગમે છે. આ ઈર્ષાના કારણે એની સૌથી મનપસંદ વસ્તુ જ એને ખુશી નહોતી આપી રહી. એ પણ બ્રાઉનીની જેમ જ કોઈ અદ્રશ્ય રેસમાં દોડી રહ્યો હતો અને હાંફી રહ્યો હતો. બ્રાઉનીને થયેલું નુકશાન વિચારીને જ એના રૂંવાટા ઉભા થઈ ગયા. પણ સાથે સાથે એને ખુશી પણ થઈ, કે એના બેસ્ટ ફ્રેન્ડ આલુએ એને આ ઈર્ષાની આગમાંથી કાઢવા માટે આટલી મહેનત કરી. આ કેવી સરસ ફ્રેન્ડશિપ છે, જેમાં ચીલીનું નુકશાન ના થાય એ માટે આલુ એનાથી વિરૂદ્ધ જવા રેડી હતો, પણ એની ખોટી વાતમાં સાથ આપવા જરાય રેડી નહોતો ! પણ એને અંદર હજુ કંઈક ખૂંચતું હતું, નડતું હતું. આલુ એનું કન્ફયૂઝન સમજી ગયો હોય એમ બોલ્યો, ‘પૂછી લે, ચીલી !’

‘આલુ, થેન્ક યૂ ! હવે મને સમજાયું, કે તું કેમ મને એવું કહેતો હતો કે હું જીતું કે હારું પણ હું બેસ્ટ જ રહીશ ! પણ કોકો તારી બેસ્ટ ફ્રેન્ડ હોય એમ દરેક વાતમાં તું એનો સાથ કેમ આપતો હતો ? તું એની માટે પણ ચીલી શેક કેમ લઈને આવ્યો હતો ? તું કોમ્પિટિશનમાં મારા બદલે એની સાઈડ કેમ લેતો હતો ?’ ચીલીની આંખમાં ફરિયાદ દેખાઈ રહી હતી.

આટલા દિવસથી જે વાત કહેવાનો આલુ પ્રયત્ન કરતો હતો, એ વાત હવે ચીલી સાંભળવા તૈયાર થયો હતો. આલુએ ચીલીને એક સેડ સ્માઈલ આપી અને બોલ્યો, ‘તને યાદ છે ? જયારે હું સ્કેટિંગ કોમ્પિટિશન પૂરી કરીને તારી પાસે આવ્યો અને આપણે નક્કી કર્યું કે આપણે નેક્સ્ટ ડે સાથે રીયાઝ કરીશું ? હું તારા ઘરેથી નીકળીને તારા માટે ચીલી શેક લેવા થીઓના કેફે ગયો. મેં તારા માટે ચીલી શેક લીધો અને ત્યાં મને કંઈ અવાજ આવ્યો.

કંઈ દેખાતું નહોતું બસ દૂર અંધારામાં કોઈ રડી રહ્યું હોય એવું લાગ્યું. રડવાનો અવાજ સાંભળતા જ થીઓએ એક નિસાસો નાખ્યો અને જીફ્ફીની આંખોમાં પાણી આવી ગયા. મને તો કંઈ સમજાયું જ નહીં.’

‘ભૂત... ભૂત હતું ને આલુભાઈ ? મને બેઝિલ કહેતી હતી, કે ત્યાં વડમાં એક ભૂત રહે છે, જે રાત્રે થીઓના કેફેમાંથી ચીલી શેક લઈ જાય છે અને પછી એને તીખું લાગે એટલે રડે છે ! પણ એને તીખું લાગતું હોય તો એણે ચીલી શેક પીવો જ ના જોઈએ ને !’, કાયમની જેમ આત્મવિશ્વાસ સાથે પાર્સલી બોલ્યો.

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...