ચીલીને આલુ કેમ કોકોની સાઈડ લેતો હતો એ સમજાતું નહોતું, એની પાછળનું કારણ કહેતા આલુ એ વખતની વાત કરે છે જયારે એ થીઓના કેફે પર ગયો અને એને અંધારામાં ઝાડમાંથી કોઈ અવાજ આવતો સંભળાયો હતો, પાર્સલીનું માનવું છે કે એ ઝાડમાં કોઈ ભૂત છે !
‘પાર્સલી, જંગલમાં કોઈ ભૂત નથી. તું ને બેઝિલ આ ખોટી ખોટી અફવા ફેલાવવાનું બંધ કરો !’, ચીલી અકળાતા બોલ્યો.
આલુએ જાણે પાર્સલીની વાત સાંભળી જ ન હોય એમ એ આગળ બોલ્યો, ‘ચીલી, કોકો રડતી હતી. ધ્રુસકે ને ધ્રુસકે રડતી હતી. જયારે તું સાવ નાનો હતો, ત્યારે મને તળાવ પર રડતો જોઈને સમજી ગયો હતો કે મને શું થાય છે. શબ્દો વગર સામાનું દુઃખ સમજી જાય એવો તું હતો. ચીલી, આ ઈર્ષા કેવી છે ! કોકોના આટલા શબ્દો સાંભળ્યા પછી થીઓ અને જીફ્ફી જે સમજી ગયા, એ તને ના ખબર પડી !’, આલુ દુઃખી થઈને બોલ્યો.
ચીલી આ વાતથી એકદમ કન્ફયૂઝ થઈ ગયો. અને પાર્સલીએ જોરથી રડતા રડતા બોલવાનું ચાલુ કર્યું, ‘ટોટો... એની બબ્બી ને એની બેસ્ત ફલેન્ડ એનાથી દૂલ છે, એટલે એને ટેટલું લાગે છે...’ બે મિનિટ પહેલા ભૂતની વાત કરતો હતો અને હવે રડવા માંડ્યો. અને રડતા રડતા પાર્સલી તે શું બોલી રહ્યો છે એ પણ કોઈને ખબર ના પડી.
આલુનો એક હાથ પાર્સલીના લેંટથી એટલો ચીકણો થઈ ગયો હતો, કે પત્ર ચોંટાડવા માટેના ગુંદરની એક બોટલ ભરી શકાય.
ચીલીએ આલુ સામે જોયું અને ધીમેથી બોલ્યો, ‘કોકો કેમ રડતી હતી ?’
આલુએ પાર્સલીને ઊંચકીને બારીએ બેસાડ્યો અને બોલ્યો, ‘તને કોકોનું સોંગ યાદ છે ?’
‘આ મિત્રતા શું છે ? એકલી કોકો ફરે, ક્યારે મારાથી સૌ ખુશ થશે ? મનમાં સવાલ કરે.’
‘પણ એ ક્યાં એકલી છે ?’, ચીલી તરત બોલ્યો.
‘મને પણ નહોતી ખબર કે એ કેટલી એકલી છે. થીઓએ મને કહ્યું, કે કોકો રોજ રાત્રે ત્યાં જઈને રડે છે. તમારી કોમ્પિટિશનના એક વીક પહેલા કોકોની મમ્મીને એને અહીંયા મૂકીને શહેરમાં જવું પડ્યું. કેમ કે એમને ત્યાંની મોટી સ્કૂલમાં સિંગિંગ ટીચરની જોબ મળી. એટલું જ નહીં, એની બેસ્ટ ફ્રેન્ડ કોફિને પણ એ સ્કૂલમાં એડમિશન મળ્યું એટલે એ પણ જતી રહી. કોકો પણ એમની સાથે જવાની હતી. પણ એ એન્ટ્રન્સ એકઝામમાં પાસ ના થઈ શકી. એટલે એ સાવ એકલી થઈ ગઈ. હવે તું મારો બેસ્ટ ફ્રેન્ડ ચીલી બનીને વિચાર, કે કોકોના મનમાં શું થતું હશે ?’
‘એને એકલું લાગતું હશે. થતું હશે કે મારો કોઈ ફ્રેન્ડ નથી, મારા મમ્મી મને લવ નહીં કરે, કેમ કે હું એમના જેટલું સારું નથી ગાતી. કોફિ પણ હવે ન્યૂ બેસ્ટ ફ્રેન્ડ્સ બનાવી લેશે ! એનો આત્મવિશ્વાસ તો સાવ તૂટી જ ગયો હશે.’, ચીલી જાણે કોકો બની ગયો હોય એટલી સહજતાથી બોલતો હતો. એની વાત સાંભળીને આલુના ચહેરા પર એક નાની સ્માઈલ આવી ગઈ. એને ખબર પડી ગઈ, કે આ એનો એ બેસ્ટ ફ્રેન્ડ હતો, જે કાયમ બીજાની જગ્યા પર જઈને એમનું દુઃખ સમજી જતો.
‘ચીલી, એને આવી રીતે એકલી રડતા જોઈને મને ખૂબ દુઃખ થયું. મને યાદ આવ્યું, કે મને બધા ચિડવતા હતા, ત્યારે મને કેવું એકલું લાગતું હતું. અને ત્યારે તું કેવી રીતે મારો ફ્રેન્ડ બનવા આવ્યો હતો. મને થયું, જેવી રીતે ચીલીએ મારો ફ્રેન્ડ બનીને મારી સેડનેસ ભગાડી હતી, એવી રીતે હું પણ કોકોની સેડનેસ ભગાડી દઈશ. અને બસ, એટલે મેં એ દિવસે એકને બદલે બે ચીલી શેક લીધા. એક તારા માટે અને બીજો કોકો માટે ! કારણ કે મારે કોકોને કહેવું હતું, કે એ એકલી નથી !’





