આંતરિક મૂલ્યોએક ફેરિયો હતો.રોજ સાંજે એક ગાર્ડનમાં આવી,એ હિલીયમ ગેસથી ભરેલા રંગબેરંગી ફુગ્ગા વેચતો. બાળકોને એ ખુબ પ્રિય હતો. કોઈની પાસે ના મળે એવા અવનવા રંગબેરંગી ફુગ્ગા એની પાસે મળતા. ફૂગ્ગાઓના ભાવ પણ બીજાં કરતાં ઘણા ઓછા હતા.

એક દિવસ, ફૂગ્ગાઓમાં ગેસ ભરી એ વેચાણ માટે તૈયારી કરી રહ્યો હતો. એક નાની છોકરી ફેરિયાને જોઈ રહી હતી. ફેરિયાએ એક વિચિત્ર કાબરચીતરા રંગના ફુગ્ગામાં ગેસ ભર્યો. છોકરીને કંઈક મૂંઝવણ થઇ. એ ફેરિયા પાસે ગઈ અને પૂછ્યું, "અંકલ, તમે આ બલૂનમાં શું કામ ગેસ ભરી રહ્યા છો ? આ તો કેવો કદરૂપો છે."

ફેરિયાએ હસીને જવાબ આપ્યો, "ઊભી રહે, જો તને આકાશમાં કંઈક બતાવું. "એ ફુગ્ગામાં સરખો ગેસ ભરીને ફેરિયાએ એને આકાશમાં છોડયો. ફુગ્ગો ખુબ ઊંચે ગયો. છોકરી આકાશ તરફ જોતી રહી ગઈ.

ફેરિયાએ છોકરીને કહ્યું, "બેટા, ફુગ્ગાની અંદર શું ભર્યું છે તે ફુગ્ગાની ઊંચાઈ નક્કી કરે છે, ફુગ્ગાનો દેખાવ નહિ."

મિત્રો, આમ આપણી આંતરિક શક્તિઓ અને આંતરિક સૌંદર્ય આપણને જીવનમાં ઊંચે લઇ જશે, આપણો બાહ્ય દેખાવ નહી.