તપ ના ફળ અંતે મીઠા

મગધ રાજ્યના શ્રેણિક મહારાજની વાત છે. એમને મેઘકુમાર નામનો સંસ્કારી પુત્ર હતો. રાજકુમાર હોય એટલે જહોજલાલીનું તો પૂછવું જ શું! આમ મેઘકુમાર ખુબ આનંદમાં દિવસો પસાર કરી રહ્યા હતા.

એક વખત એમના રાજ્યમાં ભગવાન મહાવીર પધાર્યા.એમના દર્શન કરવા મેઘકુમાર પણ એમના માત-પિતા સાથે ગયા. ભગવાનને જોતાં જ એમને દીક્ષા લેવાની તીવ્ર ઈચ્છા થઈ. એમણે એમના માતા-પિતાને પોતાની ઈચ્છા જણાવી. એમના માતા-પિતાએ એમને ખૂબ સમજાવ્યા કે દીક્ષા લીધા પછી ઉઘાડા પગે ચાલવું પડે, જે મળે તે ખાવું પડે, તપ કરવા પડે. ત્યાં કંઈ સુખ-આરામ મળે નહીં. મેઘકુમારે કહ્યું, 'મારે મોક્ષનું જ સુખ જોઈએ છે. બીજું કોઈ સુખ જોઈતું નથી.' મેઘકુમારના અડગ નિશ્રય સામે માતા-પિતાએ નમતું મૂક્યું અને એમને દીક્ષા લેવા માટે રજા આપી.

મેઘકુમારે દીક્ષા લીધી.એ બહુ ખુશ હોય છે. હવે તેઓ રાજકુમાર મટીને મુનિ મેઘકુમાર થઈ ગયા.

 દીક્ષાની પહેલી જ રાત મેઘકુમાર બીજા મુનિઓ સાથે સૂવાની તૈયારીઓ કરે છે. બધાએ ઉંમર પ્રમાણે લાઈનમાં સૂવાનું હોવાથી મેઘકુમાર સૌથી નાના હોઈ એમની સૂવાની જગ્યા રૂમમાં છેક દરવાજા પાસે આવે છે. આખી રાત મુનિઓની અવરજવરથી એમના પગ મેઘકુમારને વારંવાર વાગતા હોય છે.આમ વારે વારે પગ વાગવાથી તેઓ આખી રાત સૂઈ શકતા નથી. ગઈ કાલ સુધી નરમનરમ ગાદલા પર સૂતેલા મેઘકુમારને આજે જમીન પર પાતળી રજાઈ પર સૂતા સૂતા મહેલ યાદ આવવા લાગ્યો. એમને થાય છે કે મારા માતા-પિતા સાચું જ કહેતા હતા. અહીં તો સુખ-આરામ કશું છે નહીં. કાલ સુધી હું મહેલમાં કેટલા માન-પાનથી રહેતો હતો અને આજે બધા મને લાત મારીને જાય છે. હું આખી જિંદગી અહીં આવી રીતે, કેવી રીતે રહીશ? મારે ઘરે પાછા જવું છે.એવું વિચારીને એ બીજો દિવસ ઊગવાની રાહ જોઈ સૂઈ રહે છે.

બીજા દિવસે સવાર થતાં જ એ ભગવાન મહાવીર પાસે પહોંચી જાય છે. ભગવાન મહાવીર તો કેવળજ્ઞાની એટલે તેઓ મેઘકુમારને એનો આગળનો ભવ યાદ દેવડાવે છે,

વિંધ્યાચળ નામના જંગલમાં મેઘકુમાર એક મોટા હાથીરૂપે હતો. એકવાર એ જંગલમાં બહુ મોટી આગ લાગી. બધા ઝાડ બળવા લાગ્યા.બધા પ્રાણીઓ ચીસાચીસ કરી આમતેમ ભાગવા લાગ્યા.એ જંગલમાં વચ્ચે એક ખુલ્લું મેદાન જેવું હતું, જ્યાં ઝાડ નહોતા.તેથી ત્યાં આગ પ્રસરી નહીં.બધા પ્રાણીઓ ત્યાં આવી ગયા.આખું મેદાન ખીચોખીચ ભરાઈ ગયું. એક ઈંચની યે જગ્યા ન રહી. વાઘ, સિંહ, સસલા, હાથી, જિરાફ બધા એક જ જગ્યાએ એક બીજાને સાચવીને ઊભા રહી ગયા જાણે એક જ કુટુંબના હોય.

મેઘકુમારનો જીવ, જે હાથી હતો એ પણ ત્યાં ઊભો હતો.એને પગમાં ખંજવાળ આવતાં એણે પોતાનો પગ ઊંચો કર્યો. એટલામાં જ એક સસલું દોડીને ઊંચા થયેલા પગની જગ્યામાં બેસી ગયું. હાથી જેવો પોતાનો પગ નીચે મૂકવા જાય છે એવી એની નજર સસલા પર પડી. એ મરી ન જાય એટલે એ પગ અધ્ધર જ રાખે છે.

એક દિવસ પસાર થયો, બીજો દિવસ પસાર થયો. આગ ચાલુ જ હતી. બધા પશુઓ ભૂખ્યા, તરસ્યા એક જ જગ્યા પર ઊભા હતા.એમાંય હાથી તો એક પગ ઊંચો રાખીને જ ઊભો હતો. એવા અઢી દિવસ સુધી હાથીએ પગ અધ્ધર રાખ્યો. શા માટે? સસલું મરી ન જાય એ માટે. અઢી દિવસ પછી જયારે જંગલની આગ શાંત થઈ ત્યારે બધા પ્રાણીઓ ત્યાંથી વિખરાઈ ગયા. હાથીનો પગ અક્કડ થઈ ગયો હતો. જેવો એણે પગ નીચે મૂક્યો એવો તરત જ એ પડી ગયો. ત્રણ દિવસથી ખાધું-પીધું ન હોવાથી અશક્તિ અને અસહ્ય વેદનાના કારણે એ ઊભો થઈ શકતો નહતો. થોડી વારમાં જ એ ત્યાં મૃત્યુ પામ્યો અને બીજા ભાવમાં રાજાને ત્યાં મેઘકુમાર તરીકે જન્મ્યો.

વાત પૂરી કરતાં ભગવાન મહાવીર એમને સમજાવે છે કે એક સસલાંને બચાવવા તે કેટલુ આકરું તપ કર્યું હતું? એની સામે તો આ પગ વાગવાનું દુઃખ કંઈ જ ન કહેવાય! તને કેટલી સુંદર સમજણ મળી છે, તું કેવો પુણ્યશાળી છે, મોક્ષે જવાને લાયક છે જ. આટલા ફક્ત પગ વાગવાના દુઃખથી કંઈ મોક્ષનો માર્ગ છોડી દેવાય?

મેઘકુમાર સમજી જાય છે અને ભગવાન પાસે માફી માંગે છે. પાછા સરસ રીતે સાધુ જીવન જીવવા લાગે છે. તેથી તેઓ બીજા ભવમાં દેવગતી ને પામે છે.