આ શ્રુતિ નામની એક નાનકડી છોકરીની વાર્તા છે , જે મીઠાઈઓ ખાવાની શોખીન હતી.
નવા વર્ષના દિવસે શ્રુતિ બારી પાસે બેસીને, નવા વર્ષના નવા નિશ્ચય વિષે વિચારતી હતી. પોતાની સૌથી પ્રિય મિત્ર પ્રીતિ સાથે ઝઘડો થયો હોવાથી આજે તેનો મુડ સારો નહોતો. વિચારોમાં ખોવાયેલી શ્રુતિ અચાનક ઉઠીને શંભુકાકાની ચોકલેટની દુકાને પહોંચી. શંભુકાકાએ તેનો ઉદાસ અને ગુસ્સાવાળો ચહેરો જોઈને તેને પૂછયું, "શ્રુતિ, શું વાત છે ? બંટી સાથે ફરીથી ઝગડો થયો ?"
શ્રુતિ તેમની દુકાનની રેગ્યુલર ગ્રાહક હતી અને તે શંભુકાકાને ફક્ત વડીલ નહીં પણ પોતાના વિશ્વાસુ પણ ગણતી હતી. તેથી આજે સવારે બનેલી જે ઘટનાથી પોતે દુ:ખી હતી તેની હકીકત શંભુકાકાને કહેવા લાગી. "કાકા, આ વખતે બંટીની વાત નથી. પણ તમે પ્રીતિને ઓળખો છો ? એ બહુ ખોટા દેખાડા કરે છે અને મારી બેસ્ટ ફ્રેન્ડ હોવાનું નાટક કરે છે. આજે સવારે મારો તેની સાથે ઝઘડો થઇ ગયો એટલે હવે અમે એકબીજા સાથે વાત નથી કરતા." શ્રુતિનો ચહેરો હજુ પણ ગુસ્સાથી લાલચોળ હતો. એટલામાં શંભુકાકાની દીકરી રિયા દુકાને આવી અને શ્રુતિ સામે હાથ હલાવ્યો. તેણે પોતાના પિતા પાસે ચોકલેટ માંગી. શંભુકાકાએ તેને ચોકલેટ આપી પછી તે જતી રહી. શંભુકાકાએ સ્મિત સાથે કહ્યું કે, "ઓહ, તો આજે પ્રીતિનો વારો આવ્યો છે, નહીં ? તું મને એક સવાલનો જવાબ આપ. જો હું આ મીઠાઈની દુકાનનો માલિક છું તો શું મારે મીઠાઈઓ ખરીદવા બીજે ક્યાંય જવું પડે ?” શ્રુતિએ માથું ધુણાવતા કહ્યું, "એ તો ના જ જવું પડેને કાકા. જ્યારથી મારા પપ્પાએ રેડીમેડ ગારમેન્ટની દુકાન ખોલી છે ત્યારથી મારે પણ કપડા ખરીદવા બીજે ક્યાંય જવું નથી પડતું. એમાં શું મોટી વાત છે ?"
શંભુકાકા તેની પાસેથી આ જ વાત સાંભળવા માંગતા હતા. આ જ યોગ્ય મોકો છે એમ જાણીને તેમણે શ્રુતિને કહ્યું, ”હંઅઅ... તો એનો અર્થ એ થયો કે આપણી દુકાનમાં જે વસ્તુઓ વેચાતી હોય તેની આપણને કોઈ દિવસ તંગી ના પડે."
શ્રુતિએ જવાબ આપ્યો, "કાકા, આ તો એકદમ સીધી જ વાત છે ને.” વાત આગળ ચલાવતા શંભુકાકાએ કહ્યું કે, "ઓ.કે તો હું આજે તને થોડું હોમવોર્ક આપું છું. તારે હવે તારી પોતાની સુખની દુકાન ખોલવાની છે. જેનાથી તને કોઈ દિવસ સુખની તંગી નહી પડે. તને આ વાત કેવી લાગે છે ?” શ્રુતિએ તેમની વાત ધ્યાનથી સાંભળ્યા પછી પૂછ્યું, "સુખની દુકાન ખોલવાની ? વાહ ! આ તો બહુ મજાની વાત લાગે છે ! પણ કાકા, હું આ કામ કેવી રીતે કરી શકું ?” શંભુકાકાએ માથું હલાવીને ઉત્સાહથી કહ્યું, "એ તો બહુ સહેલું છે ! તારે ફક્ત આટલું જ કરવાનું છે. તું સવારે ઊઠે ત્યારથી તારે બધાને ફક્ત સુખ જ આપવાનું. કોઈને પણ દુ:ખ નહી આપવાનું."
થોડી મુંઝાયેલી શ્રુતિએ શંભુકાકાને અટકાવીને પૂછ્યું, "પણ કાકા, મને એ નથી સમજાતું કે હું બીજાને સુખ કેવી રીતે આપી શકું ? હું તો હજી બહુ નાની છું. આવો નિર્દોષ પ્રશ્ન સાંભળીને આશ્ચર્યથી કાકાએ કહ્યું, "તું નાની છે તો શું થયું ? જો તું બંટીને ભણવામાં મદદ કરે, તારી ગેમ્સ તેને રમવા આપે, તારી મમ્મીને ઘર કામમાં મદદ કરે, જેમને જરૂર હોય તેમને ખાવાનું અને કપડાં આપે, તો તને કેવી લાગણી થાય ?" બીજાઓને મદદ કરવામાં તને આનંદ થાય કે નહીં ? શ્રુતિનો ચહેરો તરત જ ખુશીથી ચમકવા લાગ્યો. નવા વર્ષ માટે કરવા જેવો આ સૌથી ઉત્તમ નિશ્ચય છે એમ વિચારતા તે બોલી ઊઠી, “હા કાકા, આ તો એકદમ સાચી વાત છે !”
તે આગળ બીજું કંઈ બોલે તે પહેલા જ પરસેવાથી રેબઝેબ એક મજૂરે આવીને શ્રુતિને પૂછ્યું, "મહેરબાની કરીને, તમે આ સરનામું વાંચી આપશો ?" શંભુકાકાની સામે જોઈને શ્રુતિએ કહ્યું, "હા, હા, મને આ જગ્યા ખબર છે. મારે પણ એ રસ્તે જ જવાનું છે. તમે મારી સાથે ચાલો, હું તમને ત્યાં લઈ જઉં." ચાલતા ચાલતા તે અચાનક ઊભી રહી અને બોલી, "એક મિનિટ ઊભા રહો, તમે બહુ થાકેલા લાગો છો અને તમને પરસેવો પણ ખુબ થાય છે. પહેલા તમે થોડું પાણી પી લો" તેણે પોતાની પાણીની બોટલ તે મજૂરને આપી.
મજુરે પાણી પીધું અને તેને ખુબ આનંદ અને સંતોષ થયો. તેણે શ્રુતિનો આભાર માન્યો અને તેને આશીર્વાદ આપ્યા. મજૂરના ચહેરા પર આનંદ જોઈને શ્રુતિ પણ ખૂબ ખુશ થઇ.
ઘરે પહોંચીને તેણે ટેબલ પર પડેલ છાપું ઉપાડ્યું. તેના કામવાળા મંજુબેન કચરો વાળતા હતાં. શ્રુતિની સામે જોઈને તેમણે ‘છાપામાં કાંઈ સારા સમાચાર છે?’ એવું પૂછ્યું. છાપામાં નજર કરીને શ્રુતિએ કહ્યું કે, એમાં કંઈ નવા સમાચાર નથી. મંજુબેન નીચે જોઈને પાછું પોતાનું સફાઈ કામ કરવા લાગ્યા. પોતે અભણ છે, તેનો અફસોસ તેમણે શ્રુતિ પાસે વ્યક્ત કર્યો. "મંજુબેન, ખરાબ ના લગાડો. હું તમને વાંચતા અને લખતા શીખવાડીશ." સુખની દુકાન ખોલવાનો પોતાનો નિશ્ચય યાદ આવતા શ્રુતિએ તેમને કહ્યું. મંજુબેન તો એકદમ ખુશીમાં ઝૂમવા લાગ્યા. અને બીજા દિવસથી જ શ્રુતિએ મંજુબેનને દરરોજ એક કલાક ભણાવવાનું શરૂં કરી દીધું.
મંજુબેનની ધગશ અને ઉત્સાહ જોઈને શ્રુતિને પણ ખુબ જ આનંદ થયો. શ્રુતિને અનુભવ થયો કે હવે દિવસે દિવસે તેનો આનંદ વધતો જાય છે.
થોડા દિવસ પછી શ્રુતિ શંભુકાકાની દુકાને 'ચોકલેટ' લેવા આવી ત્યારે મંજુબેન પણ તેની સાથે આવ્યા. તેમનો ચહેરો આનંદથી ચમકતો હતો. ગામડામાં રહેતા તેમના ભાઈએ તેમને પત્ર લખ્યો હતો અને પહેલીવાર જ તે પોતાની જાતે પત્ર વાંચી શક્યા હતા. આવું એટલે શક્ય થયું હતું કારણ કે, શ્રુતિએ તેમને વાંચતા શીખવાડયું હતું. તેમણે આખો પત્ર મોટેથી વાંચ્યો અને અંતમાં તેમની આંખો ખુશીના આંસુથી છલકાઈ ગઈ. પોતાની જિંદગીની સૌથી મોટી પરવશતા દૂર કરવા માટે તેમણે શ્રુતિનો દિલથી આભાર માન્યો. શંભુકાકાની સામે જોતા શ્રુતિની આંખમાં પણ આંસુ આવી ગયા અને તેણે કહ્યું કે, "આ બધાનો શ્રેય શંભુકાકાને જાય છે. જેમણે મને મારી પોતાની સુખની દુકાન ખોલવાનો આઈડિયા આપ્યો હતો. બીજા સાથે સુખ શેર કરવામાં કેવો અનુભવ થાય છે તેની મને પહેલા ક્યારેય ખબર જ નહોતી. હું કાકાની ખુબ આભારી છું. હું તમને પ્રોમિસ આપું છું કે મારાથી શક્ય હશે તે રીતે હું બીજા સાથે કાયમ સુખ શેર કરતી રહીશ." શંભુકાકાએ તેને થોડી મીઠાઈઓ ભેટમાં આપી. તેઓએ તેને કાયમ ખુશ રહેવાના આશીર્વાદ આપ્યા અને તેની "સુખની દુકાન" કાયમ માટે સરસ ચાલે એવી શુભેચ્છાઓ પાઠવી.
Related links-
Article- Charity for happiness