જય સચ્ચિદાનંદ મિત્રો!
આપણે ઘણી વખત ગુસ્સે થઈ જઈએ અને મગજ ફટકે એવું બનતું જ હોય છે. ક્યારેક આપણે બહાર દેખાડીએ નહીં, પણ અંદર તો સખત ગુસ્સો આવતો હોય. પછી એની સાથેના આપણા વાણી કે વર્તનથી બહાર ઊભરાઈ જાય.
ક્રોધ એટલે શું ?
જ્યારે કોઈ માટે ચીડ હોય, એની સાથે અહંકાર ભળે ત્યારે ક્રોધ આવે. જ્યારે આપણને અમુક હદ્દથી આગળ દેખાવાનું બંધ થાય ત્યારે ક્રોધ આવે. જેમ કે: તમારા નાના ભાઈએ તમારી કોઈ વિડીયો ગેમ લઈને તોડી દીધી હોય, કે પછી તમારા ટીચરે તમને બહુ બધું હોમવર્ક આપ્યું હોય. આવા સમયે ક્રોધ આવે ને !?
આપણને ક્રોધ કેમ આવે ?
દાદાશ્રી કહે છે કે,ક્રોધ ક્યારે આવે કે જ્યારે:
1. આપણું ધાર્યું ન થાય
2. જ્યારે કોઈ આપણું અપમાન કરે, બોલીને કે વર્તીને.
3. જ્યારે સામો આપણી વાત ના સમજે
4. જ્યારે આપણને કોઈ પરિસ્થિતિ સમજાતી ના હોય
ક્રોધના પરિણામો:
1. આવતા ભાવના વેર બંધાય
2. તમારાથી બીજાને દુઃખ થઈ જાય અને તમારી આસપાસ કોઈને તમારી સાથે રહેવું ના ગમે.
3. તમારી તબિયત પર ખરાબ અસર થાય
4. તમે નબળા થતા જાઓ અને અગર સામેવાળો કોઈ પ્રતિકાર ના કરે તો એની શક્તિઓ વધતી જાય.
ક્રોધથી મુક્ત થવા શું કરાય ?
દાદાશ્રીએ જાદુઈ રબ્બર આપ્યું છે! પ્રતિક્રમણ! ક્રોધથી મુક્ત થવા માટે. જેને આપણે ક્રોધથી દુઃખ આપ્યું હોય તેની અંદર બેઠેલા ભગવાન પાસેથી માફી માંગવાની જ જરૂર હોય છે. તો દોસ્તો, જ્યારે પણ ગુસ્સો/ક્રોધ આવે ત્યારે પ્રતિક્રમણ રૂપી જાદુઈ રબ્બર વાપરજો અને દાદાશ્રીની જે ચાવીઓ તમે આજે શીખ્યા તે વાપરજો.