જય સચ્ચિદાનંદ મિત્રો!
શું તમે દાન આપતી વખતે આનંદ અનુભવ્યો છે ! દાન આપતી વખતે તમને ખુશી થઈ છે ? પૈસા અથવા વસ્તુઓ આપવી શું એ જ દાન કહેવાય? ના, તે આનાથી પણ કંઈક વધારે છે. તો ચાલો જોઈએ આપણે કેવી રીતે દાન આપી સુખી થઈ શકાય.
દાન એટલે શું તમને ખબર છે ?
દાદાજી કહે છે, "દાન એટલે બીજાં કોઈ પણ જીવને, મનુષ્ય હોય કે બીજાં પ્રાણી હોય, તેમને સુખ આપવું."
તમને ખબર છે કેટલા પ્રકારના દાન હોય ?
દાદાજી કહે છે દાન ચાર પ્રકારના હોય છે.

૧. આહાર દાન: કોઈ માણસ આપણે ઘેર આવ્યો હોય, તે કહે, 'મને કંઈક આપો, મને ભૂખ લાગી છે. 'ત્યારે કહીએ, ' બેસી જા, અહીં જમવા. હું તને કંઈક ખાવાનું આપું. 'એ આહાર દાન.
૨. ઔષધ દાન: આ આહાર દાનથી ઉત્તમ ગણાય. કોઈ સાધારણ સ્થિતિનો માણસ માંદો પડ્યો હોય અને દવાખાનાનું બીલ ભરી ન શકતો હોય, તો તમે તે ચુકવી શકો અથવા ઔષધ (દવા) ખરીદીને આપી શકો છો.
૩. જ્ઞાન દાન: પછી એનાથી પણ ઉત્તમ જ્ઞાન દાન છે. જ્ઞાન દાનમાં પુસ્તકો છપાવવા, લોકોને સમજણ પાડી સાચા રસ્તે વાળે અને લોકોનું કલ્યાણ થાય એવાં પુસ્તકો છપાવવા એ જ્ઞાન દાન કહેવાય. જ્ઞાન દાન આપે તો સારી ગતિમાં, ઊંચી ગતિમાં જવાય અગર તો મોક્ષે પણ જવાય.
૪. અભય દાન: અભય દાન એટલે કોઈ પણ જીવને આપણાથી સહેજ પણ દુઃખ ના થાય એવો ભાવ રાખવો. પછી વર્તનમાં પણ એવી રીતે રેહવાનું. એમાં પૈસાની કોઈ જરૂર નથી, ફક્ત શુદ્ધ ભાવની જ જરૂર છે. તેથી ભગવાને એને ઊંચામાં ઊંચું દાન ગણ્યું છે.
તો આપણે પણ રોજ સવારે પાંચ વાર પ્રાર્થના કરીએ કે,” મારા મન, વચન, કાયાથી કોઈ પણ જીવને કિંચિતમાત્ર દુઃખ ન હો, ન હો, ન હો.”
દાન આપવાથી આપણને સુખ કેવી રીતે મળે ?
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, 'બીજાં માટે કંઈ પણ કરો, તો તે જ ક્ષણે સુખ મળે. બધાંને સુખ આપીએ એટલે એનું 'રીએકશન' આપણને સુખ જ આવે.” એ કુદરતનો નિયમ છે.
આ જગત પડઘા જેવું છે. તમે જે કંઈ પણ કરો તેનો પડઘો પડે અને વ્યાજ સાથે પાછું મળે. તેથી તમે આપશો તો તમને પાછું મળશે..

તો મિત્રો, હવે પછી તમે ક્યારેય પણ દાન આપો તો સુખ આપવાના ભાવ સાથે દાન આપવાનું ભૂલતા નહીં.. જો તમે સુખ આપવાના ભાવ સાથે દાન કરશો તો તમને પણ સુખ મળશે.
Related Link :
Story on Diwali with a difference
Videos on Happiness