
મિત્રો, કોમન સેન્સ (સામાન્ય બુદ્ધિ) વિશે તમે સાંભળ્યું તો હશે જ ને! પણ, શું તમને ખબર છે કે, એ શું છે? દાદાશ્રી કહે છે, કોમન સેન્સ એવી ચાવી છે જે હંમેશા બધી જ પરિસ્થિતિમાં વપરાય (એવરી વેર એપ્લીકેબલ), એનાથી ગમે તેવા કટાઈ ગયેલા તાળા ખુલી જાય. (ગમે તેવી મૂંઝવણનો અંત આવે)
કોમન સેન્સવાળા વ્યક્તિના લક્ષણો.
1. તેઓ બીજા સાથે એડજસ્ટ થઈ શકે. કોઈ એમને વઢે તોય એ એડજસ્ટ થઈ જાય અને કહેશે
“આવોને, બેસો, વાંધો નહીં.”
2. એમને કોઈની સાથે વઢ વાઢ કે મતભેદ ના થાય. જેમની સાથે રહેતા હોય તેની સાથે ઝગડા ના કરે.
3. સેન્સ (સમજણ) ઓછી હોય તે મતભેદ થવાનું કારણ છે. એટલે જેની પાસે કોમન સેન્સ હોય તેને બીજા સાથે મતભેદ ન થાય.
4. જ્યારે આવા લોકોનું અપમાન થાય ત્યારે એમનું મોઢું ઊતરી ન જાય.
5. કોમન સેન્સવાળા લોકો ઘણી બધી જાતની મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકે છે અને સંસારના બધાં ગૂંચવાડા દુર કરી શકે.
6. કોમન સેન્સવાળા વ્યક્તિ બધું સરખું કરી નાખે, જ્યાં પણ કંઈક ખોટું થતું હોય. એમને વાર જ ના
લાગે.
કોમન સેન્સ કેવી રીતે વધારવી ?
1. જ્યારે આપણે બધાં સાથે હળી મળીને રહીએ ત્યારે કોમન સેન્સ વધે. બધાં સાથે ભળી જવાનું. કોઈ પણ આપણી પાસે આવી શકે. આપણે સરળ હોઈએ તેનાથી કોમન સેન્સ ખૂબ ખીલે. જોકે, સરળ વ્યક્તિ જલ્દી છેતરાઈ જાય. પણ, એક વાર છેતરાઈએ પછી આપણી કોમન સેન્સ વધી જાય કે આવી રીતે, આવા સંજોગોમાં છેતરાઈ જવાય.
2. બીજા સાથે એડજસ્ટ થવાથી.
3. બધાંનો વિનય કરવાથી. પ્રાણીઓનો પણ વિનય રાખવાથી.
4. કોઈની સાથે અથડામણ ન કરવાથી. કોઈ આપણી સાથે અથડાય અને આપણે તેની સાથે ન અથડાઈએ તો કોમન સેન્સ ઉત્પન્ન થાય.
5. આત્માની એટલી બધી શક્તિ છે કે, અથડામણ કેવી રીતે ઉકેલવી તે તરત ખબર પાડી આપે. આ સમજી લઈએ તો ફરી ક્યારેય ન ભૂલાય. આમ કોમન સેન્સ વધે.
તો મિત્રો, ચાલો આપણે પણ આવી કોમન સેન્સ વધારીએ અને બધાં સાથે હળીમળીને રહીએ.
આ રસપ્રદ વિડિયોઝ પણ જુવો.
Magazine - એડજસ્ટમેન્ટથી ખીલે ‘કોમનસેન્સ’