દિવાળી

જય સચ્ચિદાનંદ મિત્રો!

આપણે બધાં  જ દિવાળી વેકેશનની કાગડોળે રાહ જોઈએ – મસ્ત મસ્ત ખાવાનું, મનગમતી મીઠાઈઓ, આખા ઘરમાં દીવડા પ્રગટાવવાના, રંગોળીઓ કરવાની અને ..... પપ્પા મમ્મી પાસેથી નવી નવી ભેટ મેળવવા માટે આપણે કેટલા આતૂર હોઈએ, બરાબર ને !? પણ શું દિવાળીમાં આટલું જ કરવાનું, આ જ કારણથી ઊજવાય? શું દિવાળીનું આધ્યાત્મિક મહત્વ જાણવાની ઈચ્છા થાય છે?

દિવાળી તો એક બહુ જ મહત્વનો ભારતીય તહેવાર છે જેમાં હિંદુના નવા વર્ષની શરૂઆત અને પાછલા વર્ષનો અંત આવે. દિવાળીના ૫ દિવસ – ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતું વર્ષ (નવું વર્ષ), અને ભાઈ બીજ, ખૂબ જ ધામ ધૂમથી ઊજવાય છે.

ઈતિહાસ કહે છે:

• દિવાળી એ ખેડૂતોની ઉગાવેલી ફસલ કાપવાની ઊજવણી માટે હતું, જે ખેતીના સમયગાળાના અંતે આવે.
• આ દિવસે રામ ભગવાન ૧૪ વર્ષના વનવાસ પછી અયોધ્યા આવ્યા હતા. ત્યારે લોકોએ પોતાના સુશોભિત ઘરના આંગણે દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું અને એમને મહેલનો રસ્તો પ્રકાશિત કરી આપ્યો હતો.
• ધંધામાં નવા વર્ષનો પ્રારંભ પણ દિવાળીના દિવસથી જ થાય.
• દિવાળીના પર્વ દ્વારા ‘જ્ઞાન’ નો અજ્ઞાન રૂપી “ક્રોધ માન માયા અને લોભ” પર વિજય ઊજવાય છે.

ધનતેરસ

• દિવાળીના પર્વના ૫ દિવસમાં આ પહેલો દિવસ છે.
• ધન એટલે કે મિલકત અને તેરસ એ ચંદ્રપક્ષી પંચાંગમાં મહિનાનો ૧૩મો દિવસ છે.
• આ દિવસે લક્ષ્મી પૂજન કરે જેથી ઘરમાં શાંતિ રહે. લક્ષ્મી દેવી એ ધન અને સમૃદ્ધિના દેવી છે. માતા લક્ષ્મીના કાયદાનો એક કાયદો એવો છે કે,ખોટું કામ કરીને પૈસા લેવા કે કમાવવા ના જોઈએ.

કાળી ચૌદશ

• દિવાળીનો આ બીજો દિવસ છે જેને છોટી દિવાળી પણ કહેવાય છે.
• આ દિવસે આપણાં જીવનમાંથી આળસ અને અજ્ઞાન દૂર થાય અને સાચા જ્ઞાનના પ્રકાશથી આપણાં જીવનમાં ઊજાસ ફેલાય.
• આપણી પૌરાણિક કથાઓ પ્રમાણે આ દિવસે શ્રી કૃષ્ણ અને મહાકાળી માતાએ, નરકાસુર નામના રાક્ષસને માર્યો હતો.

દિવાળી

• આપણી હિંદુ સંસ્કૃતિ પ્રમાણે દિવાળી એ આપણા વર્ષમાં એટલે કે ૩૬૦ દિવસના વર્ષમાં છેલ્લો દિવસ છે. આધ્યાત્મિક માર્ગમાં વિકાસ પામતા જઈએ તેમ પૂર્ણ વિકાસ એટલે કે ૩૬૦ ડીગ્રી (જેમ ગોળાકારમાં હોય તેમ).
• આ પવિત્ર દિવસે ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ (મોક્ષ) પામ્યા હતા અને તેમના મુખ્ય શિષ્ય ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું હતું.

બેસતું વર્ષ (નવું વર્ષ)

• આપણી હિંદુ સંસ્કૃતિ પ્રમાણે વર્ષનો પહેલો દિવસ છે.
• ‘દાદા ભગવાન’ વર્ષના ૩ દિવસ પૂર્ણ દશામાં હોય – ગુરુ પૂર્ણિમા, બેસતું વર્ષ અને જન્મ જયંતી. આ દિવસોમાં આપણે દાદા પાસેથી શક્તિઓ માંગવી જોઈએ કે આધ્યાત્મિક વિજ્ઞાન પૂરે પૂરું સમજી શકીએ. અને એવો નિશ્ચય કરવો જોઈએ કે ‘આજથી હું મારા મન વાણી કે વર્તનથી કોઈ પણ જીવને કિંચિત માત્ર/સહેજ પણ દુઃખ નહીં આપું.”
• અડાલજ ત્રિમંદિરમાં દર વર્ષે આ દિવસે અન્નકૂટ (અન્ન નું પર્વત ) યોજાય છે. આ અન્નકૂટ એ ગોવર્ધન પૂજાનું પ્રતીક છે. અન્નકૂટનો પ્રસાદ શ્રી કૃષ્ણ ભગવાનને ધરાવ્યા પછી બધાં દર્શનાર્થીઓને અપાય છે.

ભાઈ બીજ

• દિવાળીના આ છેલ્લા દિવસે ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમની ઊજવણી થાય છે. બહેન પોતાના ભાઈની રક્ષા અને સલામતી માટે પૂજા કરે છે.