જય સચ્ચિદાનંદ મિત્રો !
શું તમને ખબર છે કે કોઈ મરી જાય પછી શું થાય ?
દાદાશ્રી કહે છે કે, મૃત્યુ થયા પછી ચાર ગતિમાંથી કોઈ પણ એક ગતિમાં, ફરીથી આપણો જન્મ થાય અને આવું ભવોભવ ચાલ્યા કરે, મોક્ષે જતાં સુધી. મનુષ્ય ગતિ, જાનવર ગતિ, દેવ ગતિ અને નર્ક ગતિ, એમ ચાર ગતિઓ છે. આ ચાર ગતિઓમાં જીવન હોય છે અને પાંચમી ગતિ એ મોક્ષ છે, મુક્તિ. ત્યાં દેહ ન હોય.
મનુષ્ય ગતિ
આપણે આપણા હક્કની જ વસ્તુ વાપરીએ ત્યારે આપણને મનુષ્ય ગતિ મળે. “હક્કનું’ એટલે કે આપણા ભાગનું જ લઈએ કે વાપરીએ. 
કોઈને મનુષ્ય જન્મ જોઈતો હોય તો વડીલોની, માતા પિતાની અને ગુરુની સેવા કરવી જોઈએ. બીજાને મદદ કરવી જોઈએ. જે કંઈ પણ લે તેટલું પાછું આપવું જોઈએ જેથી કોઈનું ઉધાર બાકી ન રહે. આ બાબત ધ્યાનમાં રાખીને જીવન જીવે તો મનુષ્ય ગતિ મળે.
મનુષ્ય ગતિથી જ મોક્ષે જવાય, જ્યારે પાપ અને પુણ્ય બધાં પુરા થઈ જાય ત્યારે. આ મનુષ્ય દેહ એ મોક્ષે જવા માટે છે, નહીં કે ચાર ગતિમાં રખડવા! મનુષ્ય દેહ મળવો બહુ અઘરો છે.
જાનવર ગતિ
જ્યારે કોઈને વારંવાર બીજાની વસ્તુ ભોગવી લેવાના, બીજાની વસ્તુ લઈ લેવાના વિચાર આવે, સતત “કોનું ભોગવી લઉં? કોનું છીનવી લઉં? કેવી રીતે વધારે ભેગું કરું ?” એવાં જ વિચારો આવે. પછી એ ભેળસેળ કરવા લાગે, લુચ્ચાઈ, ચોરી અને ઠગાઈ કરવા લાગે. આમ એ પોતાના આત્માનો દુરુપયોગ કરે છે. જે કુદરતનો સેકન્ડ ક્લાસ સભ્ય ગણાય, જેનાં કારણે એણે જાનવર ગતિમાં જવું પડે છે.

જેટલું દેવું (કુદરતનું) વધારે હોય તેટલા વધારે અવતાર જાનવર ગતિમાં કાઢવા પડે. આવી રીતે જાનવરમાં ભટક્યા હોય, તે વધુમાં વધુ આઠ ભવ પછી ફરીથી મનુષ્યમાં આવે ખરો, એવો કુદરતી નિયમ છે.
જાનવર ગતિનો ભવ એટલે સખત કેદની સજા જેવું હોય અને આખી જીંદગી લાચારીમાં જ જાય.
દેવ ગતિ
કોઈ ‘મહા માનવ’ હોય, જે પોતાના સુખ સગવડ અને સાહેબી બીજાને આપી દે, એવી ઊંચી જાગૃતિ હોય, અને બધાં તેને ‘ખાનદાન’ માણસ તરીકે ઓળખે તેને ‘ઊંચી કોટિનો માણસ’ માને, તો તે જરૂરથી દેવ ગતિમાં જવાને રસ્તે છે. આ ગતિમાં આખી જીંદગી અપાર સુખ સગવડ અને સાહેબી ભોગવવા મળે. એમનું આયુષ્ય લાખો વર્ષોનું હોય અને કાયમ યુવાની જ હોય.

ત્યાં જન્મ અને મરણના દુઃખો ના હોય. ત્યાનું વાતાવરણ ખૂબ જ મોહક અને અદ્ભુત હોય. ત્યાંનો આહાર ખૂબ જ સ્વાદિષ્ટ અને સંતોષકારક હોય. મધુર ગીતો વાગ્યા કરે અને દિવ્ય સુગંધવાળી હવા હોય. અને એ સુખમાં આત્મા ભુલાઈ જાય. સુખનો અંત જ ના આવે એટલે પછી એમને એ સુખથી પણ કંટાળો આવે.
અફસોસની વાત એ છે કે, દેવ ગતિમાં આત્માનું જ્ઞાન ન મળી શકે. એટલે દેવ લોકો પણ મનુષ્ય જન્મ ઝંખે, જેથી તેઓ જ્ઞાની પુરુષને મળીને મોક્ષ ગતિ પામી શકે.
નર્ક ગતિ
કોઈ જ્યારે પોતાના આનંદ અને મજા માટે કારણ વગર જ હિંસા અને હત્યા કરે, શિકાર કરે અને એનો ગર્વ લે, ત્યારે એ પોતાના આત્માનો દુરુપયોગ કરી રહ્યો છે. બીજાના ઘરોને આગ લગાડવી, જીવતા માણસને આગ લગાડવી, પાણીમાં ઝેર નાખીને તેમાં રહેતા જીવોને મારવા, બોમ્બ ફોડીને લોકોને મારવા, અને આવા બધાં કામોમાં આનંદ લેવો. આવા જેનાં કાર્યો હોય તેને એવાં ચીકણા પાપ બંધાય કે પછી નરક ગતિનું આમંત્રણ આવે.

નર્ક ગતિમાં પણ લાખો વર્ષોનું આયુષ્ય હોય છે. અને અપાર દુઃખો સહન કર્યા પછી પણ મૃત્યુ ના થાય જ્યાં સુધી એ વર્ષો પુરા ન થાય. એવી સાત નર્કો છે. જેટલા વધારે ચીકણા પાપ હોય એના કારણે એટલી વધારે દુઃખદાયી નર્કમાં જવું પડે અને વધારે દુઃખ ભોગવવું પડે.
નર્ક ગતિમાં આયુષ્ય પૂરું થાય પછી મનુષ્ય જન્મ મળે.
Also watch videos on Karma