ગુરુ શિષ્ય

જય સચ્ચિદાનંદ મિત્રો,

ગુરુ-શિષ્યનો સંબંધ આપણી સંસ્કૃતિનો સૌથી જૂનો સંબંધ છે. આ એક એવો સંબંધ છે કે જેમાં, એક વાર શિષ્ય જ્યારે પોતાના ગુરુને સમર્પિત થાય છે, પછી આખી જીંદગી એમને ‘સિન્સિયર’ (નિષ્ઠાવાન) રહે છે.

ગુરુ એટલે ગુરુ, પછી એ સ્કૂલના શિક્ષક હોય, કે કોઈ ધર્મના. દરેક પગલે, બધી જ જગ્યાએ ગુરુની જરૂર હોય છે.

સાચા ગુરુ કેવી રીતે મળે ?

દાદાશ્રી કહે છે કે,આપણે આપણા ગુરુ તરીકે કોઈને નક્કી કરવાના અને પછી કહેવાનું કે મને સાચો રસ્તો બતાડો. એક જ ગુરુ કરો તોય ચાલે. આપણાથી મોટા હોય, આપણું ધ્યાન રાખતા હોય અને આપણને એમ લાગે કે “મારું દિલ અહીં ઠરે છે” તો એવાં વ્યક્તિને આપણે ગુરુ બનાવવાના. એ ગુરુ આપણાથી મોટા હશે તો આપણને જરૂર ઊંચે લઈ જશે.

એક આદર્શ શિષ્ય:

• ગુરુની આજ્ઞાનું અને ઉપદેશોનું યથાર્થ પાલન કરે.
• ગુરુના દોષ ના જુએ.
• ગુરુ પર અતૂટ શ્રદ્ધા રાખે.
• ગુરુની સામો ન થાય અને તેમની ઉપર શંકા ન કરે.
• આધીનતા (જે કહે તે કરવું) અને પરમ વિનયવાળો હોય.

ગુરુ એ આપણી માટે એક નિસરણી (સીડી) જેવા હોય:

દાદાશ્રી કહે છે કે, જે સીડી વડે આપણે ઉપર ચડવું હોય, તેને જ કાપીએ (તેની જ નિંદા કરીએ) તો પછી કેવી રીતે આપણી પ્રગતિ થાય ??

દોસ્તો, આપણા ટીચર એ આપણાં માટે સફળતાની સીડી જેવા છે. એમના દોષ જોઈએ, તો જીવનમાં ક્યારેય સફળ ન થવાય.