તમારી માટે એક સરસ મજાની ચેલેન્જ છે
• દુનિયાની સૌથી જૂની સંસ્કૃતિ કઈ છે ?
• તમે સ્કૂલમાં છેલ્લે કયો વૈજ્ઞાનિક પ્રયોગ કર્યો હતો?
• દુનિયાનો સૌથી મોટો દેશ કયો છે ?
સહેલું હતું?
હવે એક બીજી ચેલેન્જ – આંખો બંધ કરીને તમારો રૂમ જોવાની કોશિશ કરો, તમારું સ્ટડી ટેબલ, તમારા મમ્મી-પપ્પા, ટીચર, મિત્રો વિગેરે ?
આ બંને ચેલેન્જમાંથી વધારે સહેલી કઈ હતી?
બીજી જ ને! એનું કારણ શું છે ખબર છે! ચિત્ત! આપણું ચિત્ત એટલું શક્તિશાળી છે કે, જેમ છે તેમ જોયેલી વસ્તુને બંધ આંખે ફરી બતાડી શકે!
1. ચિત્ત એક કેમેરા જેવું છે. આપણે જે કંઈ પણ જોઈએ એ તરત જ અંદર ગ્રહણ કરે. કોઈ પણ કામમાં જો ચિત્ત હાજર હોય, તો એ વસ્તુ એકદમ જેમ છે તેમ યાદ રહેશે અને જ્યારે જરૂર પડે ત્યારે પાછી યાદ આવશે. જ્યારે ગણિતના સમીકરણ, વિજ્ઞાનના કોષ્ટકો કે ઈતિહાસની તારીખો યાદ રાખીએ ત્યારે શું ચિત્ત હાજર હોય છે? પરીક્ષામાં લખતી વખતે શું ભણેલું બધું સાચે સાચું યાદ આવે છે? નહીં, ને? કારણકે આપણું ચિત્ત બધે ભટક ભટક કરે, જે આપણને ગમતું હોય એવી જગ્યાએ જતું રહે અને એટલે જ્યાં ધ્યાન આપવાનું હોય ત્યાં આપણું ધ્યાન ન રહે.
2. જ્યારે ભણવા બેસીએ ત્યારે જ હંમેશા ચિત્ત ભટકી જાય, ક્રિકેટ મેચમાં કે બહેનપણીની વાતમાં કે પછી આપણી પીકનીક યાદ કરવામાં અને બીજે ક્યાંય પણ જાય. ચિત્ત ભટકે એટલે આપણી એકાગ્રતા તૂટે. અને પછી આપણને વાંચેલું યાદ રાખવામાં તકલીફ પડે, પરીક્ષામાં યાદ ના આવે. આ ટી.વી., ફિલ્મો, ગીતો, મોબાઈલની રમતો એ બધું આપણા ચિત્તને બગાડે અને આપણી યાદશક્તિ તોડે.
હવે આ એકાગ્રતા કેવી રીતે વધારવી?
પૂજ્ય દાદા ભગવાન કહેતા હતા કે, ભણવામાં ચિત્તને એકાગ્ર કરવા માટે રોજ ભણતા પહેલા ૧૦ મિનિટ આંખો બંધ કરીને “દાદા ભગવાનના અસીમ જય જય કાર હો.” એવી રીતે બોલવાનું કે એક એક અક્ષર આંખો બંધ કરીને વંચાય.

આવું કરશો તો તમારી સ્થિરતા વધશે અને ભણવામાં તમારી એકાગ્રતા વધશે. એટલે પછી તમને બધું વાંચેલું તરત જ યાદ આવી જશે. અને ધીમે ધીમે તમારું રીઝલ્ટ સારું આવવા લાગશે. ઘણા બધાં વિદ્યાર્થીઓએ આવું કર્યું છે અને એમના માર્ક્સ વધ્યા છે.
ભણતા પહેલા કરવાની પ્રાર્થના
“હે અંતર્યામી પરમાત્મા ! હું આપને હર્દયપૂર્વક પ્રાર્થના કરું છું કે હું જે ભણું તે મને યાદ રહે એવી આપ મને શક્તિ આપો. મારી ચિત્તવૃત્તિના જે જે દોષો થયા હોય તેની હું આપની પાસે ક્ષમા માંગું છું, મારું ચિત્ત ભણવામાં એકાગ્ર રહે એવી આપ મને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો”