ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ

દર વર્ષે ઊજવાતા ‘મધર્ઝ ડે અને ફાધર્ઝ ડે’ વિશે તો તમે બધાં જાણતા જ હશો ને! આ બન્ને દિવસો ખૂબ જ સ્પેશ્યલ છે અને આ દિવસો ઊજવીને આપણે આપણા મમ્મી-પપ્પા માટે આપણો આભાર દેખાડીએ છીએ. તેઓ આપણી માટે જે જે કરે છે તેના માટે આપણે તેમને ‘થેન્ક યુ’ કહીએ છીએ. 
આપણા ઈન્ડિયામાં રક્ષાબંધન અને ભાઈબીજ જેવા તહેવારોથી ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમની પણ આનંદ સાથે ઊજવણી થાય છે. 
પણ શું તમને ખબર છે કે,આપણા ગુરુઓ માટેના આપણા આભારને વ્યક્ત કરવા માટે પણ એક તહેવાર હોય છે ?!

આ દિવસને ‘ગુરુપૂર્ણીમા’ તરીકે કહેવાય છે. આ દિવસની અમુક ખાસિયતો જોઈ લઈએ: 
•    અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઊજવાય છે.
•    દર વર્ષે ગુરુ પૂર્ણિમા ઊજવીને, આપણે આપણા ગુરુ અને શિક્ષકો જે જ્ઞાન અને શિક્ષા આપણને આપે છે, તેના માટે તેમનો આભાર માનીએ છીએ. તેમના આશીર્વાદ લઈએ છીએ. 

ખાલી ભણવા અને વિદ્યા માટે જ નહીં, પણ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે પણ ગુરુની જરૂર હોય છે. 
ગુરુ એટલે કોણ ?
•    જે કોઈ પાસેથી આપણે કંઇક શીખીએ છીએ તે બધાં આપણા ગુરુ કહેવાય.
•    ગુરુ એટલે માર્ગદર્શક, જેના ઉપદેશ પ્રમાણે આપણે ચાલીએ.
•    સાચા ગુરુ એ કહેવાય જે આપણને અંધારામાંથી અજવાળામાં લઈ જાય, અને આપણને નબળાઈઓ અને ભૂલોથી છોડાવે. 

ગુરુની કૃપાનું મહત્વ શું છે ?
મિત્રો, કોઈ પણ ધ્યેય સુધી પહોંચવામાં જે તકલીફો પડે, તે બધી જ તકલીફો આપણા ગુરુની કૃપાથી દૂર થઈ જાય અને આપણે આપણા ધ્યેય સુધી જલ્દી પહોંચી જઈએ. અને ગુરુની કૃપા મળે તેના માટે એમની બધી જ આજ્ઞાઓ એકદમ નિષ્ઠાથી પાળવાની અને એમના પ્રત્યે હંમેશા વિનય રાખવાનો. 
ગુરુની કૃપા અને આશીર્વાદથી કેટલાય લોકો સફળતાના શિખરો પર ગયા છે. ઈતિહાસમાં કેટલાય દાખલા છે જેમ કે સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ, અર્જુનના ગુરુ દ્રોણાચાર્ય, શિવાજી મહારાજના ગુરુ સ્વામી રામદાસ, ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય.
આ બધી હસ્તીઓ આપણને આપણા ગુરુ પ્રત્યે શ્રદ્ધા રાખવાનું શિખવાડી જાય છે. નહીં ?

ગુરુ પૂર્ણિમાનું મહત્વ દાદાશ્રીની દ્રષ્ટીએ – 
આ દિવસે ‘દાદા ભગવાન’ જ્ઞાનની પૂર્ણ દશામાં હોય એટલે આપણે એમની પાસે જેટલી ખૂટતી હોય એટલી બધી જ શક્તિઓ માંગી શકીએ અને એ આપણને મળે જ. 
મિત્રો, આપણે જેને સમર્પણ થઈએ, તેમની બધી જ શક્તિઓ આપણામાં આવે. 
કેટલું અદ્ભુત છે ને! ગુરુની કૃપા તો અસીમ હોય છે... ગુરુની કૃપા જેની પાસે હોય અને એમની આજ્ઞા પ્રમાણે ચાલે, તો એને કોઈ જ દુઃખ ના આવે. 

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...