મૂર્તિપૂજાનું મહત્વ

રોહિત વેકેશનમાં તેના પેરન્ટ્સ સાથે ત્રિમંદિરના દર્શન કરવા ગયો હતો. જયારે તે ભગવાન સીમંધરસ્વામીના દર્શન કરતો હતો ત્યારે તેને ખુબ જ શાંતિ અને હળવાશનો અનુભવ થયો હતો. શાંતિ ને હળવાશ અનુભવવાની સાથે તેના મનમાં થોડા પ્રશ્નો પણ ઉઠતા હતા જેવાકે, 'આપણે મૂર્તિને શા માટે ભજવી જોઈએ?' 'મૂર્તિ તો અજીવ વસ્તુ છે!' 'આપણે શા માટે આમાં આટલો બધો સમય ગાળવો જોઈએ?' 'ઘરમાં મૂર્તિ હોવા છતાં આપણે શા માટે મંદિરમાં ભક્તિ કરવા જવું જોઈએ?'
તમારા મનમાં પણ કદાચ આવા પ્રશ્નો ઉઠતા હશે. તો ચાલો આપણે મૂર્તિપૂજાનું મહત્વ સમજીએ.

મંદિરમાં રહેલી મૂર્તિની શું વિશેષતા હોય છે?
1) મંદિરની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવેલી હોય છે. પ્રતિષ્ઠા એટલે મંદિરમાં રહેલા ભગવાનની મૂર્તિમાં પ્રાણ પૂરવા, એને સજીવન કરવી. મૂર્તિમાં પ્રાણ પૂરેલા હોવાથી સ્વયં દેવલોકો (દેવ-દેવીઓ)નું એનું રક્ષણ કરે છે.
2) મંદિરમાં ઘણા લોકો મૂર્તિની ભકિત આરાધના કરે છે. તેઓ ખરા દિલથી શ્રદ્ધાપૂર્વક ભગવાનને પ્રાર્થના કરે છે કારણકે તેઓ માને છે કે આ માત્ર ભગવાનની મૂર્તિ નથી પણ ભગવાન જ છે. આનાથી મૂર્તિમાં પણ પોઝીટીવ ભાવપ્રતિષ્ઠા થયા કરે છે. જેટલા વધારે લોકો મૂર્તિમાં રહેલા ભગવાનની આરાધના કરે એટલી જ વધારે એમાં પોઝીટીવ ભાવપ્રતિષ્ઠા થયા કરે.
3) મંદિરમાં ભલે ગમે તેટલી ભીડ હોય તો પણ જ્યારે આપણી દ્રષ્ટિ ભગવાન પર પડે કે તરત જ આપણને અંદર શાંતિનો અનુભવ થાય છે. આનું કારણ એ જ છે કે એ મૂર્તિમાં ઘણા બધા લોકો દ્વારા પોઝીટીવ ભાવ પ્રતિષ્ઠા થયેલી હોય છે.


કઈ મૂર્તિની પૂજા-ભક્તિ કરવામાં આવે છે?
1) ત્રિમંદિરમાં એ ભગવાનની મૂર્તિ છે જેમને આત્મજ્ઞાન થયેલું છે. તેથી જ્યારે આપણે એમની સામે માથું ઝૂકાવીએ અને એમને વંદન કરીએ ત્યારે આપણી પ્રાર્થના અંદરવાળા સાચા ભગવાન સુધી પહીંચી જાય છે.
2) સીમંધર સ્વામીનની મૂર્તિ એ જીવતા હાજર ભગવાનની પ્રતિનિધિ સ્વરૂપ છે. મંદિરમાં સંપૂર્ણ શુદ્ધ કેવળજ્ઞાન સ્વરૂપ પરમાત્માના દેહના પરમાણુ આજુબાજુના વાતાવરણમાં પ્રસરેલા હોય છે. જીવતા ભગવાનની આરાધના કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

મૂર્તિપૂજાના ફાયદા શું છે?
1) આપણું ચિત્ત સ્થિર થાય છે.
2) જયારે કોઈ સાચા દિલથી અને શુદ્ધ પ્રેમભાવથી ભગવાનની ભક્તિ આરાધના કરે છે ત્યારે પુણ્યકર્મના બીજ પડે છે(પુણ્યકર્મ બંધાય છે) અને એના ફળ સ્વરૂપે આવતા ભવે એને ભૌતિક સુખો પ્રાપ્ત થાય છે.
3) મૂર્તિના દર્શન કરવાથી ભગવાનનું સાચું સ્વરૂપ અને એમની વિશેષતાઓ આપણા લક્ષમાં રહે છે.
4) જ્યારે સંપૂર્ણ જાગૃતિ સાથે સીમંધર સ્વામીના દર્શન અને ભક્તિ-આરાધના કરવામાં આવે ત્યારે આપણને અપાર શાંતિ અને સુખનો અનુભવ થાય છે. નવ અંગોની પૂજા / ચંદન પૂજા કરવાનો આશય એ જ છે કે આપણમાં પણ એમના જેવા ગુણો પ્રગટ થાય.
તો મિત્રો, હવે જયારે તમે ત્રિમંદિરમાં જાવ ત્યારે, સાચા દીલથી અને પૂર્ણ શ્રધ્ધાથી સીમંધર સ્વામીની મૂર્તિના દર્શન કરજો. દાદાજી કહે છે કે, “જેમની ભક્તિ આરાધના કરીએ એ સ્વરૂપ થવાય. જો કોઈ અનંત સુખના ધામ એવા પરમાત્માને ભજે તો એ પોતે જ એક દિવસ પરમ સુખનું ધામ બનીને ઊભો રહે.”