જય સચ્ચિદાનંદ મિત્રો!
ઈર્ષાનો અગ્નિ આપણી અંદર બળતો ના હોય એવું બન્યું છે ક્યારેય !? ઘણાં બધાં લોકો ઈર્ષામાં બળતાં હોય. જ્યારે આપણા કરતા વધારે કઈ બીજાને મળે તો તરત જ આપણને ઈર્ષા થાય, પછી ભલે ને એ આપણા જ ભાઈ, બહેન કે બેસ્ટ ફ્રેન્ડ કેમ ન હોય.
દોસ્તો, ઈર્ષા એ દુર્ગુણ છે, એ તો આપણને ખબર જ છે. જ્યારે આપણને બહુ ઈર્ષા થાય ત્યારે આપણે સામાને નીચા પાડી દેવા સુધી જતા રહીએ. ત્યારે આપણે આપણુ બધુ ભાન અને સાચા ખોટાની સમજણ ભૂલી જઈએ.
પણ આ ઈર્ષા ચાલુ કેવી રીતે થાય છે?
દાદાશ્રી કહે છે કે, “બીજાની સફળતા આપણે જોઈ નથી શકતા એટલે જ ઈર્ષા થાય છે. જ્યારે આપણાથી વધુ આવડતવાળા કોઈ વ્યક્તિને જોઈએ, ત્યારે આપણે ખૂબ જ બેચેન અને અશાંત થઈ જઈએ છીએ. જ્યારે આ બેચેની વધે ત્યારે ઈર્ષા ઊભી થાય.

બીજા સાથે આપણે આપણી સરખામણી કરવા જઈએ ત્યારે ઈર્ષા ઊભી થાય. ચાલો આપણે એના નુકસાન જોઈએ:
· કામ પર ધ્યાન રાખવાને બદલે આપણે એ વ્યક્તિ પર ધ્યાન જાય એટલે આપણી એકાગ્રતા તૂટી જાય.
· સ્પર્ધા થવા લાગે. અને એ વ્યક્તિ આપણાથી આગળ વધી જાય, તે આપણને સહન ન થાય.
· ધીમે ધીમે અણગમો ચાલુ થાય. અને એ વ્યક્તિ માટે ખરાબ ભાવો થવા લાગે.
આપણી પોઝિટિવ શક્તિઓ ઓછી થતી જાય.
આ બધી નેગેટિવીટીના કારણે આપણે એનું સારું તો ક્યારેય નહીં વિચારીએ.
દાદાશ્રી કહે છે કે, આ દુનિયા એક પડઘા જેવી છે. આપણે સામા માટે જેવું વિચારીએ એવું જ આપણી સાથે થાય. એટલે ઈર્ષા કરવાથી આપણે બીજાને તો નુકસાન કરીએ જ છીએ, પણ સૌથી પહેલા આપણે પોતાની જાતને જ ભયંકર નુકસાન કરીએ છીએ.
આપણે હવે ઈર્ષાથી કેવી રીતે બચીશું?
ઈર્ષાથી બચવા માટે દાદાશ્રીએ અમુક ચાવીઓ આપી છે:
· ભગવાનને પ્રાર્થના કરવાની કે, “હે ભગવાન, બધાંને ખૂબ શક્તિઓ આપજો. બધાં જ દિલથી મહેનત કરે અને આગળ વધે.”
· જે નેગેટિવ ભાવો થયા હોય તેના પ્રતિક્રમણ કરી લેવાના કે, “હે દાદા ભગવાન, બીજાનું નેગેટિવ જોયું તે માટે મને માફ કરો અને એવી શક્તિ આપો કે મને બધામાં પોઝિટિવ જ દેખાય.”
· બધામાં પોઝિટિવ જ જોવાનો સ્ટ્રોંગ નિશ્ચય કરો.
· કોઈને આપણને માટે ઈર્ષા થતી હોય તો એવી પ્રાર્થના કરો કે, “હે પ્રભુ! મારા કારણે એને ઈર્ષા થાય છે એમાં મને સમતા રાખવાની શક્તિ આપો અને સામો કોઈ પ્રતિકાર ન કરું એવી શક્તિ આપો.”

દોસ્તો! આપણને તો ખબર જ છે કે, બીજાને સુખ આપવાથી સુખ. તો પછી જ્યારે આપણને ઈર્ષા થાય ત્યારે દાદાશ્રીની ચાવી વાપરીને પસ્તાવા કરીએ જેથી આપણા જીવનમાં સુખ અને શાંતિ થાય.
Related Link
Story - ઈર્ષ્યાની આગ
Videos - ઈર્ષા