જય સચ્ચિદાનંદ મિત્રો!
સરસ્વતી દેવીને તો આપણે બધાં ઓળખીએ જ છીએ! તેઓ જ્ઞાન, વિદ્યા અને વાણીના દેવી છે. મોટા ભાગે આપણે બધાં જ સ્કૂલમાં સવારે સરસ્વતી માતાને પ્રાર્થના કરીને જ દિવસ ચાલુ કરીએ છે. તો આવો આજે આપણે સરસ્વતી દેવી વિશે વધુ જાણીએ અને એ પણ જોઈએ કે આપણને ‘સાક્ષાત સરસ્વતી’ ક્યાં મળે.
સરસ્વતીજીના ફોટામાં જોયું હશે ને કે એક સુંદર દેવી એકદમ સફેદ સાડી પહેરીને, સફેદ કમળ ઉપર બેઠાં હોય છે તેમના ચાર હાથમાં, એક પુસ્તક, એક ફૂલની માળા, એક પાણીનું કળશ અને વીણા હોય છે. ક્યારેક અમુક ફોટામાં તેમની પાસે એક મોર પણ બેઠો હોય છે.

આ બધાં ચિન્હોના અર્થ સમજીએ:
· સફેદ વસ્ત્ર એ શુદ્ધતા અને જ્ઞાન દર્શાવે છે.
· કમળ એ જ્ઞાન અને સત્યનું પ્રતીક છે.
· ચાર હાથ એ ‘અંતઃકરણ’માં થતા ચાર સ્વરૂપ માટે છે – સમજ,બુદ્ધિ,સર્જનાત્મકતા અને અહંકાર – જે નવી વસ્તુ શીખતી વખતે હોય છે.
· પુસ્તક એ સર્વવ્યાપી અને શાશ્વત જ્ઞાન તથા વિવિધ પ્રકારના શિક્ષણનું પ્રતીક છે.
· ફૂલની માળા એ ધ્યાનની શક્તિ અને આધ્યાત્મનું પ્રતીક છે.
· કળશ એ શક્તિને દર્શાવે છે જે અશુદ્ધને પણ શુદ્ધ કરે.
· વીણા એ બધી જ પ્રકારની કળાઓ અને વિજ્ઞાન દર્શાવે છે.
સંસ્કૃતમાં, સરસ્વતી એટલે જે (સ્વ) ‘પોતાનું’ (સર) જ્ઞાન આપે.
દાદાજી કહે છે કે, જ્ઞાની પુરુષની વાણી એ પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય કારણકે એમના શબ્દો આત્માને સ્પર્શીને નીકળે છે. એટલે જ આપણે બધાં જ્ઞાની પુરુષની વાણી સમજી શકીએ છે અને આપણા દિલ ઠરી જાય છે.
પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ અને વિદ્વાનો સરસ્વતીજીની ભજના કરતા હોય છે.

દાદાજી કહેતા કે, સરસ્વતીજીને રાજી રાખવા હોય તો આપણે આપણી વાણીનો દુરુપયોગ ન કરવો જોઈએ. જુઠું બોલીને, બીજાની મશ્કરી કરીને કે કોઈને નીચા પાડવા માટે, છેતરપીંડી કે નિંદા-કુથલી કરીને વાણીનો દુરુપયોગ ન કરવો જોઈએ.
આપણાથી આવું થઈ જાય તો આપણે આપણી ભૂલના પ્રતિક્રમણ કરીને, વિનયી વાણી બોલવાની શક્તિ માંગવી જોઈએ.
કદાચ તમારી વાણીથી કોઈને દુઃખ અપાઈ ગયું હોય તો શું કરાય તે જાણવું છે ?
અનુજને જે રત્ન મળ્યું તે જાણવા આ વિડીયો જોજો.
સરસ્વતી દેવીની ભક્તિનું આ સુંદર પ્રાર્થના સાંભળીએ.