જય સચ્ચિદાનંદ મિત્રો !
આખા દિવસમાં આપણાં મન-વાણી અને વર્તનથી બીજાને દુઃખ અપાઈ જતું હોય છે. ક્યારેક અજાણતા થઈ જાય. પણ મોટા ભાગે આપણે જાણીને દુઃખ આપી દઈએ છીએ કારણ કે આપણને એવું લાગે છે કે, જે આપણને દુઃખી કરે તેને દુઃખ અપાય. આપણને ખબર હોય કે આ ખોટું કહેવાય તોય આપણે આપણી જાતને રોકી નથી શકતા. બરાબર ને !
બીજાને દુઃખ આપવાથી શું નુકસાન થાય તે ખબર છે ? ચાલો આપણે જોઈએ.
આપણે બીજાને કઈ કઈ રીતે દુઃખ આપી દઈએ છીએ ?
· મનથી (ખરાબ વિચારીને )
· વાણીથી (ખરાબ શબ્દો બોલીને)
· વર્તનથી (મારા મારી કરીને )

આપણે કેમ બીજાને દુઃખ આપી દઈએ છીએ ?
આપણે આ દુર્ગુણોથી બીજાને દુઃખ આપીએ છે :
· ગુસ્સો - બીજાની હરકતોથી ચીડાઈ અને નારાજ થઈને
· અભિમાન - બીજાની મશ્કરી કરી, તેને નીચા પાડીએ
· દગો-કપટ – બીજાને છેતરીને
· લાલચ – બીજા કરતા વધારે સારું મેળવવાની ઈચ્છાથી
બીજાને દુઃખ આપવાના પરિણામો
· બીજાને દુઃખ આપવાથી, આપણને પણ દુઃખ મળે.
· આપણને પાપ કર્મ બંધાય
· જેને આપણે દુઃખ આપ્યું હોય તે આપણી સાથે વેર બાંધે
· આપણો આવતો અવતાર નીચી ગતિમાં થાય
એક બાજુ આપણે રોજ ભગવાનને પ્રાર્થનાઓ કરીએ, અને બીજી બાજુ આપણે એવાં લોકોને દુઃખ આપીએ કે જેમની અંદર ભગવાન બિરાજમાન છે. ભગવાન તો દરેક જીવમાત્રમાં બિરાજમાન છે, તો હવે કોને દુઃખ આપશો ?
પાછા ફરવાનો એક રસ્તો
દિલથી માફી માંગીને આટલું બોલો ....
“હે અંતર્યામી પરમાત્મા, આજના દિવસમાં, જાણતા અજાણતા, મારા મન, વાણી અને વર્તનથી જેને પણ દુઃખ આપ્યું છે તેની અંદર બેઠેલા ભગવાન પાસેથી હું માફી માંગુ છું. દિલથી પસ્તાવો કરું છું. મારાથી ફરી આવી ભૂલો ક્યારેય ન થાય એવી મને શક્તિ આપો.”
તો મિત્રો, આજે નક્કી કરીએ કે આપણાં મમ્મી-પપ્પા, શિક્ષકો, દોસ્તો અને આજુબાજુના લોકોને દુઃખ નહીં આપીએ.
Related links
Video - Story on Kalam-1 (Guj), પ્રતિક્રમણ
Story - એક અસામાન્ય વિચાર