મિત્રો, તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે, બ્રહ્માંડ કયા આકારનું હશે ? આપણાં જેવી બીજી કેટલી દુનિયા હશે ? આ બધી દુનિયા એક જેવી હશે કે, અલગ અલગ ? ચાલો આપણે આપણાં બ્રહ્માંડ વિશે થોડું જાણીએ.
આપણું આખું બ્રહ્માંડ એવાં આકારનું છે કે, જાણે કોઈ માણસ કમર ઉપર હાથ રાખીને, પગ પહોળા કરીને ઊભો હોય.
બ્રહ્માંડના ઉપરના ભાગમાં:
· સૌથી ઉપર એક અર્ધગોળાકાર ‘સિદ્ધ ક્ષેત્ર’ છે. અહીં અનંત સિદ્ધ ભગવંતો (જેઓ મોક્ષે ગયા) બિરાજમાન છે.
· સિદ્ધ ક્ષેત્ર એ ‘લોક’ અને ‘અલોક’ વચ્ચેનું કેન્દ્ર છે. ‘લોક’ એટલે જ્યાં ૬ સનાતન તત્વો હાજર હોય અને ‘અલોક’ એટલે જ્યાં માત્ર અવકાશ જ હોય.
· સિદ્ધ ક્ષેત્રની નીચે, ૧૨ દેવલોક છે. જેમણે પૂર્વ જન્મમાં ખૂબ પુણ્ય કર્યા હોય તેમને આ દેવલોકમાં દેવ અથવા દેવી તરીકે જન્મ મળે.

મધ્ય લોકમાં:
· મધ્ય લોકમાં, ૧૫ દુનિયા (ક્ષેત્ર) છે, જ્યાં આપણી જેમ જ મનુષ્યો રહે છે. એમાં ૫ ભરત ક્ષેત્રો છે, ૫ મહાવિદેહ ક્ષેત્ર છે અને ૫ ઐરાવત ક્ષેત્ર છે. આપણી પૃથ્વી એવાં જ એક ભરત ક્ષેત્રમાં આવેલી છે.
આ બન્ને દુનિયા વચ્ચે ફેર શું છે :
· ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં, તીર્થંકર ભગવંતો અમુક જ કાળ માટે અવતાર લે. પણ મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર હંમેશા હાજર જ હોય.
· અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં 20 જીવતા તીર્થંકરો છે, એમાં સીમંધર સ્વામી પણ છે. એમનું આપણાં ભરત ક્ષેત્ર સાથે પૂર્વનું ઋણાનુંબંધ છે. આપણે અક્રમ વિજ્ઞાન દ્વારા ‘આત્મજ્ઞાન’ પામીને એમની પાસે જઈ શકીએ.
બ્રહ્માંડના નીચેના ભાગમાં:
· નીચેના ભાગમાં ૭ નર્ક લોક હોય છે. જેમણે પૂર્વ જન્મમાં પાપ કર્યા હોય તેમને નર્કમાં જન્મ મળે.
બ્રહ્માંડનું સ્વરૂપ આવું છે. મિત્રો, તમને ખબર છે કે, આ બધી જ દુનિયાથી મુક્તિ મેળવીને સિદ્ધ ક્ષેત્રમાં કાયમનું સુખ મેળવી શકાય!
વર્તમાનમાં જે તીર્થંકર મહાવિદેહ ક્ષેત્રમાં જીવતા છે એમના દર્શન કરીને આપણે પણ મોક્ષે જઈ શકીએ (જ્યાં કાયમનું સુખ જ હોય). મહાવિદેહ ક્ષેત્રમાં આપણને આવતો ભવ જોઈતો હોય, તો આપણે મોક્ષે જવાનો નિશ્ચય એકદમ દ્રઢ કરવો પડે.
આ જોવાનું ભૂલશો નહીં:
A special video - Tour to Mahavideh
Satsang clip - Who is the living God?
Book World - Tour to Mahavideh