જય સચ્ચિદાનંદ મિત્રો !
‘મંત્ર’નો ખરો અર્થ શું થાય?
એકાગ્રતા કરવા માટે જ્યારે કોઈ પણ સ્વર અથવા શબ્દ, અમુક સમય સુધી બોલ્યા કરીએ, તેને મંત્ર કહેવાય.
‘મન ને તર’ કરે એ મંત્ર. ‘તર’ એટલે કે આનંદ આપે, શક્તિવાન બનાવે અને સ્થિરતા આપે.
ભગવાન તો નિષ્પક્ષપાતી છે. એમને જૈન, વૈષ્ણવ કે શિવ પંથી - એવો કોઈ જ ભેદ નથી. જ્ઞાની પુરુષ દાદાશ્રીએ આપણને સંપૂર્ણ નિષ્પક્ષપાતી ‘ત્રિમંત્ર’ આપ્યો છે.
ત્રિમંત્ર શું છે ?
‘ત્રિમંત્ર’ એ સંપૂર્ણ નિષ્પક્ષપાતી મંત્ર છે, જેનાથી બધાં જ દેવ અને દેવીઓ રાજી થાય છે. માટે તે બહુ જ શક્તિશાળી મંત્ર છે. એમાં જૈનો, વૈષ્ણવો અને શિવ પંથના, બધાના મંત્ર આવી જાય છે.
આપણે કોઈ ફળ આખું ખાઈએ અને એક જ કટકો ખાઈએ એમાં ફેર નહીં? ત્રિમંત્ર એ આખું ફળ ખાધા બરાબર છે.

ત્રિમંત્ર બોલવાના ફાયદા
સંસારના બધાં વિઘ્નો દૂર કરે અને આપણા જીવનની મોટી મુશ્કેલીઓ ઓછી કરે.
દાદાશ્રી કહે છે કે, “આ મંત્ર રોજ સવારે મારું મોઢું યાદ કરીને ૫ વખત બોલે, એ ક્યારેય પણ આધ્યાત્મિક માર્ગમાં પાછો ન પડે અને મોક્ષને પામે. એની હું ખાતરી આપું છું.“
હું એવાં અરિહંત ભગવંતને નમસ્કાર કરું છું, જેમણે અંદરના ક્રોધ, માન, માયા લોભ રૂપી શત્રુઓને હરાવ્યા છે. સીમધંર સ્વામી ભગવાન એ અરિહંત ભગવાન કહેવાય.
હું એવાં સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરું છું, જેમણે મોક્ષ મેળવ્યો છે. ભગવાન રામચંદ્રજી, ઋષભદેવ ભગવાન, મહાવીર ભગવાન એ બધા સિદ્ધ ભગવંતો કહેવાય.
હું એવાં આચાર્ય ભગવંતોને નમસ્કાર કરું છું, જે અરિહંત ભગવાને કહેલા આચાર પાળે છે અને તેવા આચાર પળાવે છે. એમણે પોતે આત્મા પ્રાપ્ત કર્યો છે, આત્મદશા પ્રગટ થયેલી છે. જેમ કે, શ્રીમદ્જી અને દાદા ભગવાન.
હું એવાં ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરું છું, જે પોતે આત્મા જાણ્યા પછી બીજાને મોક્ષમાર્ગે માર્ગદર્શન આપે છે. આત્મજ્ઞાની પૂજ્ય નીરુમા અને પૂજ્યશ્રી દીપકભાઈનો સમાવેશ થાય છે.
આ લોકના સર્વે સાધુ ભગવંતોને નમસ્કાર કરું છું, જે મોક્ષમાર્ગે આત્મજ્ઞાન પામીને આગળ વધી રહ્યા છે.
આ પાંચ નમસ્કાર કરવાથી, બધાં જ પાપોનો નાશ થાય છે.
બધાં જ મંગલ મંત્રોમાં, આ મંત્ર સૌથી ઊંચો (સૌથી વધુ મંગલમય) છે.
વાસુદેવ ભગવાન જે નરમાંથી નારાયણ થયા, તેમને હું નમસ્કાર કરું છું. આ નમસ્કાર કૃષ્ણ ભગવાનને પહોંચે છે.
હું આખા બ્રહ્માંડના બધા જ એવાં શિવ સ્વરૂપ જીવોને નમસ્કાર કરું છું, કે જે જગત કલ્યાણના નિમિત્ત છે.
આ દુનિયામાં જે કલ્યાણ સ્વરૂપ થયેલા હોય અને જે જીવતા હોય, જેનો અહંકાર જતો રહેલો હોય, એ બધા શિવ કહેવાય. શિવ તો પોતે કલ્યાણ સ્વરૂપ જ છે. એટલે જે પોતે કલ્યાણ સ્વરૂપ થયા છે અને બીજાને કલ્યાણનો માર્ગ બતાવે છે, એમને નમસ્કાર કરું છું. એમાં બધા આત્મજ્ઞાનીઓને નમસ્કાર પહોંચે છે.
સતમાં જ ચિત્ત રહે તે જ આનંદ છે.
આ ત્રિમંત્ર સમજીને પછી બોલજો. આ મંત્ર ક્યાં જાય છે? કોને પહોંચે છે? ત્રિમંત્ર બોલવાથી સંસારના બધાં જ વિઘ્નો દૂર થઈ જશે.
Reference link
Video - Trimantra Video