જય સચ્ચિદાનંદ મિત્રો !
ક્યારેય એવું લાગ્યું છે કે, મમ્મી-પપ્પા આખો દિવસ ટક ટક કરે છે અને આપણને સમજતા જ નથી? એવું લાગે કે હંમેશા વઢતા જ હોય છે અને સંભળાવતા જ હોય છે ? શું ગુસ્સામાં એમને સામું બોલી જવાય છે?
મિત્રો, શું એવું વિચાર્યું છે કે, આપણા માતા-પિતાનું મૂલ્ય શું મુકાય ? શું આપણે ક્યારેય એમની જગ્યાએ કોઈ બીજાને મૂકી શકીશું ?
મા-બાપના આપણી ઉપર ઘણા જ ઉપકાર છે:
• એમણે આપણને જન્મ આપ્યો અને આપણું પાલન પોષણ કર્યું છે.
• આપણી બધી જરૂરિયાતો અને મોટા ભાગની માંગો પૂરી કરી છે.
• આપણને ખવડાવે છે અને આપણા ભણતરનો તેમ જ આપણી બધી જ જરૂરિયાતોનો ખર્ચ આપે છે. તેમ છતાં ક્યારેય એવું નથી કહેતા કે ‘તું તારું જમવાનું જાતે બનાવ’.

આપણા મા-બાપ પ્રત્યે આપણી શું ફરજો છે ?
દાદાશ્રી કહે છે કે,
1) આપણે એમની ભૂલ ક્યારેય ન જોવી જોઈએ. એમના દોષ ના જોવા જોઈએ. આપણે આપણા મમ્મી-પપ્પાની ભૂલો જોઈએ તો ક્યારેય સુખી ના થઈએ. એમણે આપણી માટે જે કર્યું છે તે આપણે ક્યારેય ના ભૂલાય. ગરમીમાં કોઈ આપણને ઠંડુ પાણી કે શરબત આપે તોય આપણે એની મદદ યાદ રાખીએ છીએ, તો પછી આપણા મા-બાપએ કરેલાં સદ્વ્યવ્હાર કેવી રીતે ભૂલાય. ક્યારેક એ લોકો આપણને ન ગમે એવું કંઈક કહે તો આપણે એ ભૂલી જવાનું હોય. એ આપણા વડીલ કહેવાય. શું એમને આપણે આદર ન આપવો જોઈએ ? એ લોકો આપણને ખુશ રાખવાની બધી જ કોશિશ કરે જ છે ને ? મા-બાપને તો પોતાના બાળકોની જ ખુશી જોઈતી હોય.

2) મોટી ઉંમરના મા-બાપની સેવા કરવી એ તો ઊંચામાં ઊંચો ધર્મ છે. આજના યુવાનોની શું ફરજ છે કે પોતાના વડીલોની દેખ રેખ રાખવી. આપણા મા-બાપની દિલથી કાળજી લેવી એ જ સાચી સેવા છે. દાદાજી કહે છે કે, મા-બાપની સેવાનું ફળ તરત જ મળે. ભગવાન તો આપણને નથી દેખાતા પણ જે મા-બાપ આપણી સામે જ છે તેમની તો સેવા કરીએ.
જે ઘરમાં ઝગડા ના હોય ત્યાં ભગવાન રહે, એટલે આપણે આપણા ઘરના લોકો સુખી રહે, એવી રીતે રહીએ ! આપણે એમના સુખનો વિચાર કરવા પૂરો પ્રયત્ન કરવો જોઈએ.
તો મિત્રો, આપણાથી આપણા મા-બાપને દુઃખ થાય એવું કંઈ પણ થઈ ગયું હોય, એવી બધી જ ભૂલોની માફી માંગીને પ્રતિક્રમણ કરીએ. અને એની સાથે આપણે એવી શક્તિ માંગીએ કે આપણાથી એમને ક્યારેય દુઃખ ન થાય અને એમને ચોખ્ખા મનથી મદદ કરી શકીએ